યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)
દુનિયાનાં પ્રખ્યાત સ્થળો જોવાની ઈંતેજારી કોને ન હોય ? યુરોપ ખંડમાં આવેલ પૃથ્વી પરના સ્વર્ગ સમાન સ્વીટ્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતનાં બરફછાયાં શિખરો, પેરીસનો એફીલ ટાવર, અંગ્રેજોએ લંડનમાં સાચવેલો કોહીનૂર હીરો, પીસાનો ઢળતો મિનારો, વેટીકનમાં આવેલું ખ્રિસ્તીઓનું મુખ્ય ચર્ચ, ટાપુઓ પર વસેલું સુંદર વેનિસ, કકૂ ઘડિયાળો માટે વિખ્યાત ધ્રુબા – આ બધી જગાઓ જોવા માટે મન જરૂર લલચાઈ જાય. આ બધાં સ્થળો યુરોપ ખંડમાં આવેલાં છે. અમે આ સ્થળો ફરવા માટેનો એક પ્રોગ્રામ ઘડી કાઢ્યો અને એક ટ્રાવેલ કંપનીમાં નામ નોંધાવી દીધું. યુરોપ ખંડના ઘણા બધા દેશોમાંથી અમે નાનામોટા થઈને કુલ ૧૧ દેશોમાં ફરવાના હતા. આ માટે બે વિસા લેવાના હોય છે. ઈંગ્લેન્ડ માટેનો એક વિસા અને અન્ય દેશો માટેનો ભેગો વિસા. આ બીજા વિસાને ‘સેન્જન વિસા’ કહે છે. ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે જયારે બીજા દેશોનું ચલણ યુરો છે. એટલે ત્યાં વાપરવા માટે જરૂર પૂરતા પાઉન્ડ અને યુરો લઈને જવું સારું. જો કે પાઉન્ડ અને યુરોની અરસપરસ બદલી કરવા માટેની વ્યવસ્થા ત્યાં મળી રહે છે. સ્વીટ્ઝરલેન્ડમાં સ્વીસ ફ્રાંકનું ચલણ છે. પરંતુ તેઓ યુરો ધરાવતું ક્રેડીટ કાર્ડ સ્વીકારે છે ખરા. આ દેશોમ...