યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)
દુનિયાનાં પ્રખ્યાત સ્થળો જોવાની ઈંતેજારી કોને ન હોય ? યુરોપ ખંડમાં આવેલ પૃથ્વી પરના સ્વર્ગ સમાન સ્વીટ્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતનાં બરફછાયાં શિખરો, પેરીસનો એફીલ ટાવર, અંગ્રેજોએ લંડનમાં સાચવેલો કોહીનૂર હીરો, પીસાનો ઢળતો મિનારો, વેટીકનમાં આવેલું ખ્રિસ્તીઓનું મુખ્ય ચર્ચ, ટાપુઓ પર વસેલું સુંદર વેનિસ, કકૂ ઘડિયાળો માટે વિખ્યાત ધ્રુબા – આ બધી જગાઓ જોવા માટે મન જરૂર લલચાઈ જાય. આ બધાં સ્થળો યુરોપ ખંડમાં આવેલાં છે. અમે આ સ્થળો ફરવા માટેનો એક પ્રોગ્રામ ઘડી કાઢ્યો અને એક ટ્રાવેલ કંપનીમાં નામ નોંધાવી દીધું.
યુરોપ ખંડના ઘણા બધા દેશોમાંથી અમે નાનામોટા થઈને કુલ ૧૧ દેશોમાં ફરવાના હતા. આ માટે બે વિસા લેવાના હોય છે. ઈંગ્લેન્ડ માટેનો એક વિસા અને અન્ય દેશો માટેનો ભેગો વિસા. આ બીજા વિસાને ‘સેન્જન વિસા’ કહે છે. ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે જયારે બીજા દેશોનું ચલણ યુરો છે. એટલે ત્યાં વાપરવા માટે જરૂર પૂરતા પાઉન્ડ અને યુરો લઈને જવું સારું. જો કે પાઉન્ડ અને યુરોની અરસપરસ બદલી કરવા માટેની વ્યવસ્થા ત્યાં મળી રહે છે. સ્વીટ્ઝરલેન્ડમાં સ્વીસ ફ્રાંકનું ચલણ છે. પરંતુ તેઓ યુરો ધરાવતું ક્રેડીટ કાર્ડ સ્વીકારે છે ખરા. આ દેશોમાં શિયાળામાં સખત ઠંડી પડે છે. એટલે ત્યાં ઉનાળામાં જવું વધુ સારું. ઉનાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે. સ્વીટ્ઝરલેન્ડમાં તો ઉનાળામાં ય થોડી ઠંડી પડે છે, એટલે એક સ્વેટર અને સ્કાર્ફ કે ટોપી સાથે રાખવી જોઈએ. અહીં બધે વરસાદ ક્યારે વરસી પડે, એ કહેવાય નહીં, એટલે એક છત્રી સાથે લેતા જવું. આ દેશોમાં મોબાઈલ કે કેમેરા ચાર્જીંગ માટે, આપણા ચાર્જરનો પ્લગ ફીટ ના પણ થાય. એક ‘યુનિવર્સલ પ્લગ’ સાથે રાખવો. ડીજીટલ કેમેરા માટે પૂરતી મેમરીવાળું મેમરી કાર્ડ સાથે રાખવું હિતાવહ છે.
અમને વિસા મળી ગયા. જો વિસા ના મળે તો મનની મનમાં રહી જાય અને વિસા જેટલો ખર્ચ માથે પડે. અમે જવા માટેની તૈયારી કરી લીધી. જમવાની વ્યવસ્થા તો ટ્રાવેલ કંપની તરફથી જ હતી, તો પણ થોડા નાસ્તા સાથે લીધા. પ્રવાસ દરમ્યાન ભગવાન અમને હેમખેમ રાખે, તેવી મનમાં પ્રાર્થના કરી, નિયત સમયે, અમદાવાદ એરપોર્ટ તરફ નીકળી પડ્યા. અમારું વિમાન અમદાવાદથી મુંબઈ થઈને લંડન હીથ્રો એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે ત્યાં સવારના સાડા અગિયાર વાગ્યા હતા. અહીંનો સ્થાનિક સમય, ભારતના સમય કરતાં સાડા ચાર કલાક પાછળ છે. મુંબઈથી લંડનનું હવાઈ અંતર ૭૪૦૦ કી.મી. છે. લંડનનું હીથ્રો એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીંથી દર મિનિટે સરેરાશ ચાર વિમાનો ઉપડે છે.
આમ, અમારા પ્રવાસની શરૂઆત લંડનથી થઇ. ઈંગ્લેન્ડ દેશનું પાટનગર લંડન ખૂબ જ જૂનું અને જાણીતું શહેર છે. આપણા ગુજરાત જેટલો જ વિસ્તાર ધરાવતા આ દેશના અંગ્રેજોએ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. લંડન ઉતરતાં જ મનમાં આ વાત ઉભરાઇ આવી. અમારી ટ્રાવેલ કંપનીના ટુર મેનેજર એરપોર્ટ પર અમને લેવા આવ્યા હતા. તેમની સાથે એરપોર્ટની બહાર આવ્યા. આ ટુર મેનેજર અમારા આખા પ્રવાસમાં અમારી સાથે રહેવાના હતા. વાતાવરણ આહલાદક હતું. ધીમા વરસાદે લંડનમાં અમારું સ્વાગત કર્યું. અમારો કોચ(લક્ઝરી બસ) આવી ગયો, તેમાં અમે ગોઠવાઈ ગયા. કુલ ૪૯ જણનું ગ્રુપ હતું. આ જ કોચમાં અમે ૧૯ દિવસ સુધી યુરોપના દેશોમાં ઘુમવાના હતા. પ્રથમ તો અમને લંડનમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં જમાડ્યા. લંડનમાં ઘણા ભારતીયો વસે છે અને નોકરી-ધંધો કરે છે. તેમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. એટલે લંડનમાં ઘણાં ભારતીય રેસ્ટોરન્ટ ઉભાં થયાં છે. જમીને લંડનના મુખ્ય વિસ્તારમાં થઈને અમે ‘લંડન આઈ’ જોવા ગયા. અહીં ટેમ્સ નદીને કિનારે, સાઈકલના વ્હીલના આકારનું ખૂબ જ મોટું વ્હીલ બનાવ્યું છે. તેની ધાર ફરતે થોડા થોડા અંતરે મોટી કેપ્સ્યુલ આકારની કુલ ૩૨ ટ્રોલીઓ બેસાડેલી છે. દરેક ટ્રોલીમાં ૧૨ વ્યક્તિ આરામથી બેસી શકે. અમે એક ટ્રોલીમાં બેસી ગયા. આ વ્હીલ ખૂબ જ ધીમી ગતિએ ફરે છે અને ૪૫ મીનીટમાં એક ચક્કર પૂરું કરે છે. એક ચક્કરમાં ટ્રોલી છેક ઉપર પહોંચીને, નીચે પછી આવે તે દરમ્યાન, લંડન શહેરનું આરામથી વિહંગાવલોકન થઇ જાય. અમે ઉપરથી ટેમ્સ નદી, ટાવર બ્રીજ, બીગ બેન, રાણીનો મહેલ, ટાવર ઓફ લંડન વગેરે જોયું.
‘લંડન આઈ’માં બેસતા પહેલાં, અહીં એક હોલમાં 4D શો જોયો જે ખૂબ સુંદર હતો. હોલના પ્રવેશદ્વાર આગળ એક હબસી બધાને ‘નમસ્તે’ કહીને આવકારતો હતો. અમે ભારતીય છીએ, એ એને અમારા દેખાવ પરથી જ ખબર પડી ગઈ. એણે ‘નમસ્તે’ શબ્દ શીખી લીધેલો હશે. અમને આ ગમ્યું. અમે વધુમાં તેને ‘ધન્યવાદ’ શબ્દ શીખવાડી દીધો. એ અને અમે પણ ખુશ હતા. ‘લંડન આઈ’ ખૂબ જ પ્રખ્યાત છે. દેશવિદેશના કેટલાયે સહેલાણીઓ અહીં જોવા મળ્યા. મોટા મેળા જેવું લાગતું હતું. ટેમ્સના કિનારે ફરવાના સ્થળ જેવાં ઘણાં આકર્ષણો ઉભાં કર્યાં છે. દુકાનો, મોલ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ અને એવું બધું. લોકો બસ ફર્યા કરે અને ખુશ થાય ! ટેમ્સનો કિનારો અમદાવાદના રિવરફ્રન્ટ જેવો લાગે. લંડન શહેર નદીની બંને બાજુ વસેલું છે અને એક બાજુથી બીજી બાજુ જવા માટે નદી પર અધધધ…..કહેવાય એટલા ૫૦૦ પુલ બનાવેલા છે ! ‘લંડન આઈ’ જોયા પછી સાંજનું જમણ પતાવી, અમારો લકઝરીકોચ અમને અમારી હોટલ પર લઇ ગયો. ખૂબ થાક લાગ્યો હતો. સૌને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
બીજા દિવસે લંડન શહેરની સીટી ટુર માટે તૈયાર થઈ ગયા. અમારો કોચ લંડનના મુખ્ય માર્ગો પર ફરી રહ્યો હતો. શહેરનાં પ્રાચીન પણ મજબૂત મકાનો નજર સામેથી પસાર થઈ રહ્યાં હતાં. લંડન આપણા મુંબઈ જેવું લાગે છે પરંતુ ચોખ્ખાઈ ખૂબ જ. ફૂટપાથો, આપણાં શહેરો કરતાં વધુ પહોળી, એટલે ચાલવાની સરળતા ખૂબ રહે. ફૂટપાથ પર કોઈ દુકાન પાથરીને બેઠું ન હોય કે કોઈએ દબાણ કરીને જગા રોકી લીધી ના હોય ! બધો વ્યવહાર શિસ્તપૂર્વક ચાલતો હોય. અહીંની પ્રજા પણ સુઘડ અને શિસ્તમાં માનનારી. ભાગ્યે જ કોઈ ઢંગધડા વગરનાં કપડાંમાં દેખાય. દુનિયાના ઘણા દેશોમાં રાજ કરનારી પ્રજામાં કંઇક ગુણો તો હોય ને ? આમ તો, ઇંગ્લેન્ડના લોકો સ્વભાવમાં આપણા જેવા લાગે. અંગ્રેજ પ્રજાને ભૂતકાળમાં ઘણાં યુદ્ધોનો સામનો કરવો પડ્યો છે. જે કુશળ યોધ્ધાઓ ક્યાંક જીતીને આવ્યા હોય, તેમને માન આપવા, ઘણા ચાર રસ્તાઓ પર આવા વિરલાઓનાં સ્મારકો જોવા મળ્યાં. અહીં થોડા થોડા અંતરે મકાનો તેમ જ ફૂટપાથો રંગબેરંગી ફૂલોથી સજાવે છે, જે ઘણું ગમ્યું. ‘હાઈડ પાર્ક’ આગળથી પસાર થયા તો ત્યાં પાર્કમાં લોકોનું ટોળું જોવા મળ્યું. આ પાર્કમાં કોઈ પણ વ્યક્તિને, લોકોના સમૂહ આગળ કોઈ પણ જાતનું ભાષણ કરવાની છૂટ છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનું ઉત્તમ ઉદાહરણ !!
૧૪ મિલિયન પુસ્તકો ધરાવતી બ્રિટીશ લાયબ્રેરીને જોઈને ધન્યતા અનુભવી. બધા વિષયો પર અસંખ્ય પુસ્તકો ધરાવતી દુનિયાની આ મોટામાં મોટી લાયબ્રેરી છે. પછી ટેમ્સ પરના ટાવર બ્રીજ પરથી પસાર થયા. આ બ્રિજના બંને છેડે મોટા ટાવર બનાવેલા છે. ટાવર બ્રીજ એ લંડનની ઓળખ છે. લંડનના ફોટા જુઓ તો તેમાં આ બ્રીજ હોય જ. ત્યાંથી નજીક જ એક ઉંચા ટાવર પર ગોઠવેલી મોટી ઘડિયાળ જોઈ. તે ‘બીગ બેન’ તરીકે જાણીતી છે. અહીંથી ચાલતા ચાલતા બકિંગહામ પેલેસ પહોંચ્યા. ઇંગ્લેન્ડની રાણીનું આ નિવાસસ્થાન છે. ઈંગ્લેન્ડમાં રાણી સર્વોપરી છે. દુનિયાનાં જે દેશો ઈંગ્લેન્ડના તાબા હેઠળ હતા, તે બધાની માલિકણ આ રાણી ગણાતી. કેટલી બધી મિલકત અને કેટલી વિશાળ સત્તા ! રાણીના આ મહેલ આગળના વિશાળ મેદાનમાં, મહેલના રક્ષણ માટે રાખેલા ખાસ યુનિફોર્મધારી રક્ષકો(ગાર્ડ્સ) જોયા. આ ગાર્ડસની ડ્યુટી પૂરી થાય એટલે ગાર્ડ્સ બદલાય. ગાર્ડ્સ બદલવાની અહીંની પ્રથા જોવા જેવી હોય છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ડ્યુટી બદલાવાનો સમય થયો હતો એટલે અમને એ જોવાની તક મળી ગઈ. બેન્ડવાજા, ઘોડેસવાર સૈનિકો, ગાર્ડ્સની કવાયત, મહેલ પરના ધ્વજને સલામી – આ બધું જોયું અને કેમેરામાં કંડારી લીધું. અહીંથી નજીક ‘વેસ્ટમિન્સટર એબી’ નામનું મોટું મકાન જોયું. અહીં રાજકીય પ્રસંગો તથા પ્રવૃતિઓ યોજાતી રહે છે. પછી કોચમાં બેઠાં બેઠાં જ ભારત ભવન, બીબીસી હાઉસ, ટ્રફાલ્ગર સ્ક્વેર, એક પણ બારી વગરના મકાનમાં ચાલતી બેંક ઓફ ઈંગ્લેન્ડ, પીકાડીલી સર્કસ, સેંટ પોલ કેથેડ્રલ, મેડમ તુષાડ વેક્સ મ્યુઝીયમ અને આ ઉપરાંત ઘણાં બિલ્ડીંગ આગળથી પસાર થયાં. ઉનાળામાં પણ લંડનમાં ઠંડક રહે છે. અમારી સફર વખતે બહારનું તાપમાન ૧૬ ડીગ્રી સેલ્સિયસ જેટલું હતું. જૂના લંડનમાં અમે આ બધું જે જોયું, તે નજીક નજીક આવેલું છે. ૧૬૬૬ની સાલમાં એક બેકરીના ઓવનથી અહીં આગ લાગેલી. એ આગ એટલી બધી મોટી હતી કે જૂના લંડનનો આ બધો વિસ્તાર એમાં સાફ થઇ ગયેલો. અત્યારે પણ ક્યાંક તેના અવશેષો જોવા મળે ખરાં.
બપોરના જમ્યા પછી, ટાવર બ્રિજની પાસે આવેલ ‘ટાવર ઓફ લંડન’ જોવા ગયા. આ એક ખૂબ જ મોટું અને મોટા વિસ્તારમાં ફેલાયેલું મજબૂત કિલ્લા જેવું મકાન છે. અહીં ઇંગ્લેન્ડનો ઘણો ખજાનો, રાણીઓના મુગટ, કિંમતી હીરા- એવું બધું સાચવેલું છે. અંગ્રેજો આપણા દેશમાંથી કોહિનૂર હીરો લઇ ગયેલા અને રાણીના મુગટમાં જડેલો, તે મુગટ પણ અહીં છે. કોહિનૂર હીરો જોવા મળ્યો તેનો આનંદ થયો, પણ આપણે આપણો હીરો પાછો નથી લાવી શકતાં તેનું દુઃખ થયું. શેક્સપીયરનું જન્મસ્થળ લંડન છે, તેની યાદ આવી ગઈ. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક રમતોનું યજમાન બનવાનું છે, એની તૈયારીઓ થતી પણ દેખાઈ. અહીંથી અમે લંડનનું સ્વામીનારાયણ મંદિર જોવા ગયા. મંદિરની બાંધણી સરસ છે. દર્શન કર્યાં. અહીં અમે ભારતમાં હોઈએ એવું લાગ્યું. લંડન શહેરની સેર પૂરી કરી સાંજે અમારી હોટલ પર પહોંચ્યા.
ત્રીજો દિવસ જાતે ફરવા માટેનો હતો. અમને ‘હાઈડ પાર્ક’ની નજીક આવેલા અન્ડરગ્રાઉન્ડ રેલવેના ‘માર્બલ આર્ક’ સ્ટેશન આગળ મૂકી દીધા. ઘણા લોકો અહીં ઓક્સફર્ડ સ્ટ્રીટ અને નજીકના મોટા મોલ્સમાં ખરીદી કરવા નીકળી પડ્યા. પરંતુ અમને મેડમ તુષાડ વેક્સ મ્યુઝીયમ જોવાની ખૂબ ઈચ્છા હતી. અન્ડરગ્રાઉન્ડ રેલ્વે મારફતે જઈ શકાય, એવી માહિતી મેળવી, અમે માર્બલ આર્ક સ્ટેશને પહોંચ્યા. જમીનની અંદર લગભગ ચારેક માળ જેટલે ઊંડે સમગ્ર લંડનમાં પહોંચાય એવી રેલ્વે જાળ બિછાવેલી છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. માર્બલ આર્ક પછીના સ્ટેશન બોન્ડ સ્ટ્રીટથી ટ્રેન બદલી અને ત્યાર પછીના સ્ટેશન ‘બેકર સ્ટ્રીટ’ આગળ જમીન પર આવી ગયા. અહીં જ મેડમ તુષાડ વેક્સ મ્યુઝીયમ ભરચક લત્તામાં આવેલું છે. આ મ્યુઝીયમમાં દુનિયાની મહાન વ્યક્તિઓનાં મીણમાંથી બનાવેલાં પૂતળાં એટલાં આબેહૂબ બનાવીને મૂક્યાં છે કે જાણે સાચે જ તે જીવંત હોય એવું લાગે. એની બાજુમાં ઊભા રહીને ફોટો પડાવીએ તો જાણે તે અસલી વ્યક્તિ સાથે ફોટો ખેંચ્યો હોય એવો ભ્રમ થાય ! અહીં ગાંધીજી છે, ઇન્દીરા ગાંધી છે, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખખાન, સલમાનખાન, ઋત્વિક રોશન અને સચિન તેન્ડુલકર છે. ઓબામા, હિટલર અને માઇકલ જેક્સન પણ છે અને દુનિયાની ઘણી જ જાણીતી હસ્તીઓ છે. અમે દરેક સાથે ફોટા પાડ્યા અને આનંદ કર્યો. અંગ્રેજોએ, અંગ્રેજ હકૂમત સામે લડનારા ગાંધીજીને, તેમના દેશના મ્યુઝીયમમાં સ્થાન આપ્યું, તે ગમ્યું. મ્યુઝીયમ જોઈને કેટલી યે રાજકીય, સંગીત, કલા અને રમતગમત સાથે સંકળાયેલી હસ્તીઓની યાદ મનમાં તાજી થઇ ગઈ. પેરીસ અને ન્યુયોર્કમાં પણ આવાં વેક્સ મ્યુઝીયમ છે. અરે ! ભારતમાં પણ કોલ્હાપુર પાસે વેક્સ મ્યુઝીયમ બન્યું છે, પણ તેની ખાસ નોંધ લેવાઈ નથી. લંડનમાં આ ઉપરાંત, બ્રિટીશ મ્યુઝીયમ, નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ, રોયલ આલ્બર્ટ મ્યુઝીયમ વિગેરે પણ જોવા જેવાં છે. હવે અમારો લંડનનો કાર્યક્રમ પૂરો થયો હતો. અહીંથી અમારે ક્રુઝ દ્વારા ‘ઈંગ્લીશ ચેનલ’ ઓળંગીને નેધરલેન્ડ(હોલેન્ડ)ના આમ્સટરડામ શહેરમાં જવાનું હતું. લંડનથી અમારો કોચ લગભગ ૧ કલાકમાં ‘હરવીક’ બંદરે પહોંચી ગયો. વચમાં લંડનના કીન્ગ્સટન પેલેસ આગળથી અમે પસાર થયા.
બંદરે પહોંચ્યા ત્યારે સાંજના ૭ વાગ્યા હતા. અમારા માટે ‘સ્ટેનાલાઈન’ નામની ક્રુઝ તૈયાર હતી. ક્રુઝ ગજબની મોટી હતી. છેક નીચલા માળ પર અમારો કોચ ક્રુઝમાં ચઢી ગયો ! બીજી કેટલી યે જીપો અને ગાડીઓ ક્રુઝમાં ચઢી. અમારો રૂમ નવમા માળે હતો. જાણે કે હોટેલનો રૂમ જ જોઈ લો ! આઠમા માળે ડાઈનીંગ હોલ હતો. અમે વિશાળ ખુલ્લા તૂતક પર ઊભા રહી દરિયાઈ પવનની લહેરખીઓની મઝા માણી. ક્રુઝ દરિયામાં આખી રાત ચાલી. અડધી રાતે ઊઠીને, હું તૂતક પર જઈ, દરિયા વચ્ચેની રાતનું અવલોકન કરી આવ્યો. ચોમેર અંધકાર અને નિઃશબ્દ શાંતિ હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલર અને અંગ્રેજોનાં કેટલાયે વહાણોએ અહીં રાતની સફર ખેડી હશે, એની કલ્પના થઇ ગઈ. સવારે સાત વાગે અમે ‘હૂક ઓફ હોલેન્ડ’ નામના બંદરે ઉતર્યા. હવે અમે હોલેન્ડની ધરતી પર હતા. વિસા ચેક થયા પછી અમારા કોચમાં ગોઠવાયા. હોલેન્ડ હવે ‘નેધરલેન્ડ’ તરીકે ઓળખાય છે. હોલેન્ડ એટલે પવનચક્કીઓનો દેશ. આ દેશની ધરતી દરિયાની સપાટીથી થોડી નીચી છે, એટલે અવારનવાર દરિયાનાં પાણી જમીન પર ફરી વળે. ખાસ તો પાણી ઉલેચવા માટે પવનથી ચાલતી પવનચક્કીઓની શોધ થયેલી. પછી તો અનાજ દળવામાં પણ તેનો ઉપયોગ થતો. આજે દુનિયામાં ભારત સહિત ઘણા દેશોએ આધુનિક પવનચક્કીઓ ઉભી કરી છે અને તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે.
‘હૂક ઓફ હોલેન્ડ’થી લગભગ એક કલાકની મુસાફરી પછી આમ્સટરડામ શહેર આવ્યું. વરસાદ વરસતો હતો. વાતાવરણ ભીનું ભીનું હતું. આમ્સટરડામની આમ્સટરનો નદી જોઈ. ક્યાંક જૂની પવનચક્કીઓ પણ દેખાતી હતી. ચારે બાજુ લીલોતરી હતી, ખેતરો હતાં. ખૂબ છૂટથી જીવી શકાય એવાં મકાનો હતાં. આપણા દેશ જેવી સંકડાશ ક્યાંય દેખાતી ન હતી. અહીં રહેવાનું હોય તો મઝા આવી જાય, એવું લાગતું હતું. પણ આપણા દેશના સંસ્કાર, કુટુંબ, સામાજિક પ્રવૃત્તિઓ – એ બધું અહીં ક્યાંથી લાવીએ ? અમે આમ્સટરડામમાં ‘મદુરોદમ’ નામના સ્થળે પહોંચ્યા. અહીં એક ખેતર જેટલી જગામાં, આખા શહેરનું મોડેલ-miniature city-બનાવ્યું છે. મકાનો, મહેલ, રસ્તા, માણસો, બસો, ટ્રેન, વિમાન, એરપોર્ટ, ટાવર – બધું જ છે પરંતુ મૂળ સાઇઝ કરતાં લગભગ પચીસ ઘણું નાનું. જાણે કે નાના બાળકનાં રમકડાં ! ખૂબ જ બારીકાઈથી શહેરનું આબેહૂબ દ્રશ્ય ઊભું કર્યું છે. જો ૨૦મી મે પહેલાં આમ્સટરડામ આવ્યા હો તો તુલીપ ગાર્ડન જોવા મળી શકે છે. ભારતમાં કાશ્મીરમાં પણ તુલીપનાં રંગીન ફૂલોથી શોભતો, તુલીપ ગાર્ડન છે. મદુરોદમ જોઈને અમે ચીઝ તથા લાકડાનાં જૂતાંની ફેક્ટરી જોવા ગયા. અહીં વરસાદમાં લોકો લાકડાનાં જૂતાં પહેરે છે. તે ‘ક્લોગ’ તરીકે ઓળખાય છે. આમ્સટરડામથી અમારા કોચ સાથે અમારી રસોઈની વાન(કેરેવાન) જોડાઈ ગઈ. બપોરે લગભગ એક વાગે અમે જ્યાં પહોંચવાના હોઈએ, ત્યાં વાન અગાઉથી પહોંચી, રસોઈ તૈયાર રાખે. સાંજનું જમવાનું પણ એ રીતે જ. આજે અમે અમારી વાનનું ગુજરાતી ભોજન જમ્યા. ઘણું જ સરસ હતું. બપોરના આમ્સટરનો નદીમાં કેનાલ ક્રુઝની મઝા માણીને, સાંજના બ્રસેલ્સ જવા નીકળ્યા. રસ્તામાં બસ બગડતાં, ત્રણ કલાકને બદલે આઠ કલાકે બ્રસેલ્સ હોટેલમાં પહોંચ્યા.
બ્રસેલ્સ એટલે બેલ્જીયમ દેશનું મુખ્ય શહેર. સવારે અહીંના મુખ્ય વિસ્તારમાં ચાલીને ફરવાનું હતું. એને ‘હેરીટેજ વોક’ કહે છે. પ્રથમ તો ‘ગ્રાન્ડપ્લેસ’ નામની જગાએ ગયા. આ એક ખૂબ જ સરસ ચોક છે. ચારે બાજુ ખૂબ જ ભવ્ય મકાનો છે. ચોકમાં લોકો એકઠા થઈને આ જગાની મઝા માણે છે. ચોક ફૂલોથી સરસ સજાવેલો છે. અમને આ જગા ખૂબ જ ગમી. એમ થાય કે અહીં કલાકેક શાંતિથી બેસી રહીએ. સહેજ દૂર એક નાના બાળકનું સ્ટેચ્યુ મૂકેલું છે. પાછા વળતાં એક મોટું કેથેડ્રલ ચર્ચ જોયું. હવે અહીંથી નીકળ્યા ફ્રાન્સના મશહૂર શહેર પેરીસ તરફ. બ્રસેલ્સથી આશરે ૮૦ કી.મી. ગયા પછી ફ્રાંસની સરહદ શરુ થાય છે. અહીં એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશતી વખતે માત્ર ટોલટેક્સ જ ભરવાનો હોય છે, બીજી કોઈ વિધિ કરવાની હોતી નથી. બ્રસેલ્સથી પેરીસ લગભગ ૩૨૦ કી.મી. દૂર છે. રસ્તો ખૂબ સરસ છે. પેરીસ પહોંચીને સીધા જ એસ્ટેરીક્સ પાર્કમાં ગયા. આ ડિઝનીલેન્ડ જેવો જ પાર્ક છે. મનોરંજન માટે અહીં ઘણી જાતની રાઈડ, ચગડોળ, ડોલ્ફીન શો, વોટર રાઈડ્સ-એમ ઘણી બધી વિવિધતા ઉભી કરી છે. આ બધું જોવા-માણવા મોટો માનવ મહેરામણ ઉમટ્યો હતો. અમે પણ ઘણી રાઇડનો આનંદ લઈને રાત્રે હોટેલ પર પહોંચ્યા. જમીને પેરીસનો પ્રખ્યાત ‘લીડો શો’ જોવા ગયા. પેરીસ તો દુનિયાનું ફેશન સીટી છે. દુનિયાની બધી જ ફેશન પેરીસથી શરુ થાય છે. જાણીતી સેલિબ્રિટીઝ અને ફિલ્મી હીરો-હીરોઈનો પેરીસની ફેશનને દુનિયામાં ફેલાવે છે. ફેશનેબલ ડ્રેસ, પરફ્યુમ્સ, જૂતાં, ઘરેણાં, ગોગલ્સ એવી ઘણી બધી ચીજો માટે પેરીસ પ્રખ્યાત છે. પેરીસની એક મુખ્ય સ્ટ્રીટને ‘ફેશન સ્ટ્રીટ’ કહે છે. આ સ્ટ્રીટ પર જ એક થીયેટરમાં ‘લીડો શો’ થાય છે. આ સ્ટ્રીટ ખૂબ પહોળી છે. બંને બાજુ જાતજાતની ખાણીપીણી અને ફેશનને લગતી વસ્તુઓનું બજાર લાગેલું છે. અહીં રાત્રે પણ મેળા જેવું વાતાવરણ લાગે છે. આધુનિક પહેરવેશમાં ઘુમતાં યુવક-યુવતીઓને જોઈને અહીં ફર્યા જ કરવાનું મન થાય એવી આ જગ્યા છે. ફિલ્મ એક્ટરો અહીંની રેસ્ટોરન્ટમાં બેસીને ફિલ્મોના કોન્ટ્રાક્ટ કરતા હોય છે. ‘લીડો શો’નું થીયેટર અંદરથી ખૂબ જ ભવ્ય છે. વ્યવસ્થિત ગોઠવેલાં ટેબલોની આસપાસ બેસીને શો જોવાનો હોય છે. વેઈટરો પ્રેક્ષકોને જ્યૂસ અને શરાબ પીરસતા રહે છે. ઘણા મોટા સ્ટેજ પર ખૂબ જ આધુનિક પ્રકારના ડ્રેસમાં સજ્જ યુવતિઓ અને યુવકો સંગીતના તાલે ડાન્સ કરી પ્રેક્ષકોને મનોરંજન કરાવે છે અને કલાના ઉત્તમ નમૂના પીરસે છે. આ ઉપરાંત, સ્ટેજ પર જાતજાતની કલાકૃતિઓ, કમળ, ઘોડા, હાથી વગેરેનું પ્રકાશમિશ્રિત સર્જન કરે છે. દોઢ કલાકનો શો ખરેખર અદભૂત છે. પાછા વળતાં પેરીસના ભવ્ય એફીલ ટાવર પર દૂરથી નજર નાખીને થાક્યાપાક્યા હોટેલ પર પહોંચ્યા.
બીજા દિવસે સવારે પેરીસની સીટી ટૂર માટે તૈયાર થઈને અમે નીકળી પડ્યા. પેરીસ પણ લંડનની જેમ જૂનું શહેર છે. પેરીસનો મુખ્ય વિસ્તાર અસંખ્ય જૂનાં ભવ્ય મકાનોથી શોભે છે. શહેરની વચ્ચેથી ‘સીન’ નદી પસાર થાય છે. તેના પર આશરે ૩૭ પુલ બાંધેલા છે. શહેરના કેટલાક રસ્તા ટનલોમાંથી પણ પસાર થાય છે. આવી એક ટનલમાંથી લેડી ડાયેના પસાર થતી હતી ત્યારે તેની કારને અકસ્માત થયેલો અને ડાયેના મૃત્યુ પામી હતી. એ અકસ્માતવાળી જગા અમે જોઈ. ત્યારબાદ, સીન નદીમાં ક્રુઝની સફરનો આનંદ માણ્યો. એફીલ ટાવર સીન નદીને કિનારે જ આવેલો છે, એટલે ક્રુઝમાંથી ટાવર જોવાની ખૂબ મઝા આવી. સીન નદીની બંને બાજુ આવેલાં મકાનો બહુ જ સરસ લાગે છે. પેરીસમાં જૂના વખતનાં કેટલાં યે સ્મારકો આવેલાં છે. નેપોલિયન બોનાપાર્ટ જ્યાં ભણ્યો હતો, તે મિલિટરી એકેડેમી જોઈ. નેપોલિયનની જીતના માનમાં બનાવાયેલી ‘આર્ક ઓફ ટ્રાયમ્ફ’ જોયું. તેનું મૃત શરીર સાત કોફીનમાં બંધ કરીને એક ચર્ચમાં રાખેલું છે, તે ચર્ચ જોયું. આ ઉપરાંત, ગોલ્ડન ટ્રાયંગલ, અલ્મા સ્ક્વેર, મ્યુઝીયમ ઓફ ફેશન, નાનો અને મોટો પેલેસ, કોન્કોર્ડ સ્ક્વેર, ગીલોટીનનો ઉપયોગ જ્યાં કરાતો હતો તે જગા, જ્હોન ઓફ આર્ક, ઓપેરા હાઉસ – એમ ઘણાં સ્થળો કોચમાં બેઠાં બેઠાં જ જોયાં. લુવ્રે મ્યુઝીયમ આગળથી અમે પસાર થયા. આ મ્યુઝીયમમાં વિખ્યાત ચિત્રકારોનાં ચિત્રો મૂકેલાં છે. લિયોનાર્ડો દ વિન્ચીનું વિશ્વવિખ્યાત ચિત્ર ‘મોનાલીસા’ અહીં છે. બપોર પછી ગ્રેવીન વેક્સ મ્યુઝીયમ જોવા ગયા. અહીં શરૂઆતમાં એક શૉ બતાવે છે તે ખાસ જોવા જેવો છે. એક ગોળ રૂમમાં બધી બાજુ મોટા અરીસા ગોઠવીને કેલિડોસ્કોપ જેવી રચના કરેલી છે. એણે લીધે આખા રૂમમાં ઊંડે સુધી ચિત્રોની જે ભાત જોવા મળે છે તે એટલી રોમાંચક છે કે ના પૂછો વાત ! મીણનાં પૂતળાંની વાત કરીએ તો લંડનના મેડમ તુષાડના મ્યુઝીયમ કરતાં ખાસ કશું નવું નથી. આ બધું જોયા પછી એક ટ્રોલીમાં બેસાડીને અંધારામાં ડરામણાં દ્રશ્યો બતાવતાં બતાવતાં ફેરવે છે, જેમાં મઝા આવે છે.
હવે પેરીસમાં એક ખૂબ જ અગત્યની વસ્તુ જોવાની બાકી રહી. એ શું હશે, એ કલ્પી શકો છો ને ? હા, એ છે એફીલ ટાવર. ત્યાં પહોંચીને, ટાવરની બાજુમાં જ ઉભા રહ્યાં ત્યારે મનમાં એક રોમાંચ વ્યાપી ગયો. વર્ષોથી જેનું નામ સાંભળ્યું હતું, જેના વિષે ઘણું વાંચ્યું હતું, જેને જોવાની મનમાં તમન્ના હતી, એ જ એફીલ ટાવર અત્યારે અમારી સામે હતો ! તે જોઈને આનંદની કોઈ સીમા ના રહી. ક્યાંય સુધી ધરાઈ ધરાઈને ટાવરને જોયા કર્યો, બસ જોયા જ કર્યો. તેના મજબૂત મોટા ચાર પાયા, લોખંડની ફ્રેમોથી બનાવેલું માળખું અને ટોચ સુધીની અદભૂત રચના ! આની ડીઝાઈન કરીને બનાવવામાં કેટલું ભેજું કસ્યુ હશે. એન્જીનીયરીંગની આ એક કમાલ છે. ટાવરની ઊંચાઈ ૩૦૦ મીટર છે. ૧૮૮૯ના વિશ્વમેળામાં કોઈ અદભૂત ચીજ રજૂ કરવાના ઈરાદાથી ‘એફીલ’ નામના એન્જીનીયરે આ ટાવર બનાવ્યો હતો. ટાવરમાં લિફ્ટ દ્વારા છેક ટોચ સુધી જઈ શકાય છે. તેના એક પાયામાંથી લિફ્ટ શરુ થાય છે. આ લિફ્ટ પહેલા અને બીજા લેવલ સુધી જાય છે. બીજા લેવલથી લિફ્ટ બદલવાની. આ બીજી લિફ્ટ ત્રીજા લેવલે એટલે કે છેક ટોચે પહોંચાડે છે. ટોચ પર ચારે બાજુ ગેલેરી બનાવેલી છે. તેમાં ઊભા રહેતાં આખા પેરીસનું દર્શન થાય છે. આ બધું જોવાની મજા જ કંઈ ઓર છે. એક જમાનામાં દુનિયાની અજાયબી ગણાતા ટાવરની ટોચે ઊભા રહેવાનો આનંદ તો અનુભવે જ સમજાય ! છેવટે બે લિફ્ટમાં થઈને અમે નીચે આવ્યા. જમ્યા પછી ફરીથી રાતના અહીં રોશની જોવા માટે પાછા આવ્યા. આખા ટાવર પર રાત્રીના ખૂબ જ ઝળહળતી રોશની થાય છે અને અમુક સમયે તો પંદર મિનિટ સુધી, ટમટમતા તારલા જેવી ખાસ પ્રકારની રોશની થાય છે. અમને આ રોશની જોવાનો લ્હાવો મળ્યો અને દિલ ખુશ થઇ ગયું. એફીલની મઝા માણ્યાનો પૂરો સંતોષ થયો. મોડી રાત્રે હોટેલ પર પહોંચ્યા.
એ પછીના દિવસે અમારે પેરીસ છોડીને ટીજીવી ટ્રેનમાં બેસીને જીનીવા જવાનું હતું. અમે પેરીસના ‘ગારે દ લીઓન’ નામના રેલ્વે સ્ટેશને પહોંચ્યા. સ્ટેશન આપણા મુંબઈના ચર્ચગેટ જેવું લાગે પરંતુ ચોખ્ખાઈ ખૂબ જ. ટીજીવી એ ખૂબ જ આધુનિક ટ્રેન છે. તે કલાકના ૨૫૦ કી.મી.ની ઝડપે દોડે છે. જીનીવા સુધીનું ૭૦૦ કી.મી.નું અંતર સવા ત્રણ કલાકમાં કપાઈ ગયું. ટ્રેનની મુસાફરી બહુ આરામદાયક રહી. આજુબાજુ સરસ લીલોતરી હતી. જીનીવા એટલે સ્વીટ્ઝરલેન્ડ દેશનું પશ્ચિમ તરફનું પ્રવેશદ્વાર. હા, હવે અમે સ્વીટ્ઝરલેન્ડ(સ્વીસ)માં હતા ! દુનિયામાં ખૂબ જ જાણીતો, શાંતિપ્રિય અને રળિયામણો દેશ. યુનોનું વડુ મથક અને તેની સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓ જીનીવામાં આવેલી છે. અહીંની સીટી ટૂરમાં આ બધું જોયું. લોકો વધારાનાં નાણાં સ્વીસ બેન્કોમાં મૂકે છે, એ બેન્કો પણ બહારથી જોઈ. હિટલરના જમાનામાં પૈસાદાર યહૂદીઓ પોતાની મિલકત અહીંની બેન્કોમાં રાખતા. હિટલરે યહૂદીઓ પાસે આવાં છૂપાં નાણાંની માહિતી માગી હતી. તે ન મળતાં, હિટલર યહૂદીઓનો દુશ્મન બની ગયો હતો અને અસંખ્ય યહૂદીઓને મોતના મુખમાં ધકેલી દીધા હતાં. જીનીવાની ટૂર અમે અહીંના લોકલ કોચમાં કરી. આ કોચ ‘કોચ ઓફ ધી ઇયર’નું બિરુદ પામેલો હતો અને ખૂબ સરસ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી એવું નક્કી થયેલ છે કે સ્વીટ્ઝરલેન્ડ દેશ જોડે, બીજા દેશોએ ક્યારેય યુધ્ધ કરવું નહીં. આથી સ્વીટ્ઝરલેન્ડે પોતાનું લશ્કર રાખ્યું નથી. પરિણામે લશ્કર પાછળ કરવો પડતો ખર્ચ બચી જાય છે. સ્વીટ્ઝરલેન્ડ આ બચેલા પૈસા દેશની આબાદી વધારવામાં વાપરે છે. સ્વીટ્ઝરલેન્ડ એટલે તો સમૃદ્ધ દેશ છે. વળી, યુધ્ધનું વાતાવરણ ક્યારેય ન હોવાને કારણે લોકો શાંત પ્રકૃતિના અને પ્રામાણિક છે. દુનિયાના બીજા દેશો આમાંથી બોધપાઠ લે તો લશ્કરો પાછળના કેટલા બધા ખર્ચા બચી જાય !
હવે, પ્રવાસનો મૂળ પ્રવાહ આગળ વધારીએ. જીનીવામાં ‘જીનીવા’ લેક આવેલું છે. લેકને કિનારે અમે કલાકેક જેટલું ફર્યાં. લેકમાં ૪૫૦ ફૂટ ઊંચો એક ફુવારો છે. કહે છે કે ૩૩૦૦૦ ફૂટ ઊંચે ઉડતા વિમાનમાંથી પણ આ ફુવારો દેખાય છે ! જીનીવા લેક ૭૨ કી.મી. લાંબુ છે. અમારી સફર જીનીવાથી લ્યુસેન તરફ લેકને કિનારે આગળ ચાલી. બંને બાજુ પહાડો અને વચ્ચે લેક ! કુદરતની ખૂબ જ સુંદર રચના હતી. આ પહાડો એ આલ્પ્સ પર્વત જ છે. આલ્પ્સ પર્વતમાળા આખા સ્વીટ્ઝરલેન્ડમાં તથા ફ્રાન્સ અને ઈટાલીના થોડા ભાગ સુધી ફેલાયેલી છે. સ્વીટ્ઝરલેન્ડમાં અમારે પહાડી વિસ્તારમાં જ ફરવાનું હતું. અમે લ્યુસેન તરફ જઈ રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે પર્વતના ઢોળાવ પર અને ક્યાંક મેદાનમાં લેકને કિનારે ગામડાં આવતાં હતાં. એમ થાય કે અહીં રહેવાની કેટલી બધી મઝા આવે ! ઠંડું વાતાવરણ, મોકળાશ, પ્રદુષણ જરાય નહીં, કોઈ પરેશાની નહીં અને પૈસેટકે સમૃદ્ધિ ! સ્વીસમાં ફરતાં અમને DDLJ ફિલ્મનાં સ્વીસનાં દ્રશ્યો યાદ આવી ગયાં. રાત્રે લ્યુસેન હોટેલ પર પહોંચ્યા. પહાડોના પ્રાકૃતિક સૌન્દર્ય વચ્ચે આવેલી હોટેલ ખૂબ ગમી. સ્વીટ્ઝરલેન્ડના ત્રણ દિવસના રોકાણમાં આલ્પ્સનાં કુલ ચાર શિખરો જોવા જવાનું હતું. બીજે દિવસે લ્યુસેનથી જુન્ગ્ફ્રો શિખર જવા નીકળ્યા. વચ્ચે રસ્તો ખરાબ હતો તેથી ઇન્ટરલેકન બાજુના રસ્તેથી ગયા. વચ્ચે ટ્રમલબેક નામનો ધોધ આવે છે. પહાડોની વચ્ચેથી ધોધ પડે છે. લગભગ દોઢ કી.મી. જેટલું ચાલીને ધોધની નજીક પહોંચાય. પણ મોડું થઇ ગયું હોવાથી આ ધોધ જોવાનું જતું કરવું પડ્યું. ડેલે હાથ દઈને અમે પાછા આવ્યા ! તળાવે ગયા તોય તરસ્યા રહ્યા !!
જુન્ગ્ફ્રો જવા માટે પહાડોમાંથી પસાર થતી ટ્રેનમાં બેસીને જવાનું હોય છે. આ માટે અમે લોટરબ્રુનેન સ્ટેશન પહોંચ્યા અને ટ્રેનમાં ગોઠવાયા. વાંકાચૂકા પહાડી માર્ગે, કુદરતના સાનિધ્યમાં, ભીના ભીના મોહક વાતાવરણમાં ધીમી ધીમી દોડતી ટ્રેનમાં મઝા આવી ગઈ. અમને સિમલા તથા માથેરાનની ટ્રેનો યાદ આવી ગઈ. ભારતમાં હિમાલયનું સૌંદર્ય ખૂબ જ અદભૂત છે. ત્રણેક સ્ટેશનો પછી, ક્લાઈનશીડીંગ નામના સ્ટેશને આ ટ્રેનમાંથી ઉતરી બીજી ટ્રેનમાં બેસવાનું હોય છે. આ બીજી ટ્રેન બાકીના ૧૧ કી.મી.ની મુસાફરી બોગદા(ટનેલ)માં થઈને કરે છે અને જુન્ગ્ફ્રોની ટોચે પહોંચાડે છે. જુન્ગ્ફ્રોનો અર્થ છે ‘young lady’. જુન્ગ્ફ્રોને ‘Top of Europe’ પણ કહે છે. આ શિખરની ઊંચાઇ ૩૪૫૪ મીટર છે. અહીં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, તેમાં અમે જમ્યા. જમીને શિખર પર બરફમાં ફર્યા, રમ્યા, ફોટા પાડ્યા અને બરફની એક ગુફામાં પણ જઈ આવ્યા. ઠંડી તો પુષ્કળ હતી. આજુબાજુના બરફીલા વિસ્તારમાં ફરીને પેલી બે ટ્રેનો દ્વારા પાછા આવ્યા અને લ્યુસર્નમાં અમારી હોટેલ પર પહોંચ્યા.
બીજા દિવસે સવારે લ્યુસર્ન બજારમાં થોડું ફર્યા. આ શહેરમાં તેરમી સદીમાં બનેલો લાકડાનો એક જૂનો બ્રીજ જોયો. એક લાયન સ્મારક જોયું. ફ્રેચ ક્રાંતિ વખતે શહીદ થયેલા સ્વીસ સૈનિકોની યાદમાં તે બનાવેલું છે. હવે અમે ‘ગ્લેશીયર ૩૦૦૦’ નામના શિખર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં લેક લ્યુસર્ન, તેની આજુબાજુ માઉન્ટ ટીટલીસ અને રીગી પહાડો, પૈસાદાર લોકો અને સેલીબ્રીટીઝનાં ફાર્મ હાઉસ – આ બધા આગળથી પસાર થયા. પછી રોપ-વે પાસે આવ્યા. એક રોપ-વેમાં બેસી ‘ગ્લેશીયર ૩૦૦૦’ની લગભગ અડધી ઉંચાઈએ પહોંચ્યા. અહીંથી બીજા રોપ-વેમાં બેસી ટોચ પર પહોંચ્યા. આ બંને રોપ-વેની ટ્રોલીઓ ૭૨ જણ બેસી શકે એટલી મોટી છે. ડીઝાઈન દાદ માગી લે તેવી છે. ‘ગ્લેશીયર ૩૦૦૦’ની ઉંચાઇ ૨૯૫૦ મીટર છે. ઉપર બરફ જ છવાયેલો છે. અહીં પહેલાં તો આઈસ ટ્રોલીમાં બેઠા. આ એક પ્રકારનો બબ્બે સીટોવાળો રોપ વે જ છે. આ ટ્રોલીએ બરફીલા વિસ્તારમાં અમને ફેરવ્યા. પછી સ્નો બસમાં બેઠા. આ બસમાં પણ બરફ પર બેત્રણ કી.મી. ફર્યા. એ પછી અલ્પાઈન કોસ્ટરમાં બેઠા. આ રાઈડમાં સ્પીડ કંટ્રોલ જાતે કરવાનો હોય છે પરંતુ સહેલું છે. શરૂઆતમાં તેઓ શીખવાડી દે પછી ફાવી જાય છે. કોસ્ટર આડુંઅવળું, ઊંચે, નીચે, ત્રાંસુ એમ શરીરને હલબલાવી નાખતું દોડે છે. બીક તો લાગે પરંતુ મઝા તો આવે જ છે. છેવટે પેલા બે મોટા રોપ-વેમાં બેસી નીચે પાછા આવ્યા. ‘ગ્લેશીયર ૩૦૦૦’ ખરેખર જોવા જેવી જગા છે. અહીંથી અમારે ‘કોક્સ એન્ડ કીન્ગ્સ’ નામના શિખર પર જવાનું હતું. અહીં એક મોટી ટ્રોલીવાળા રોપ વેમાં ઉપર પહોંચ્યા. પછી, ચાર-ચાર જણ બેસી શકે એવી ટ્રોલીવાળા બીજા રોપ-વેમાં અમે આગળ ગયા. આ શિખર પર બરફ નથી પરંતુ ઠંડી તો ખરી જ. અહીં, નાસ્તો, દારૂ, પીણાં તથા જમવાની સગવડ છે. આજુબાજુનાં દ્રશ્યો સરસ છે. એ બધું માણી, નીચે પાછા આવી સાંજે હોટેલ પર પહોંચ્યા.
એ પછીના દિવસે, આલ્પ્સ પર્વતનું સૌથી ઉંચુ શિખર mont blanc (ફ્રેંચ ભાષામાં એનો ઉચ્ચાર ‘મો બ્લાં’ થાય છે.) જોવા જવાનું હતું. આ શિખર સ્વીસ અને ફ્રાન્સની સરહદની નજીક ફ્રાન્સના શામોની ગામ આગળ આવેલું છે. શામોનીનો સ્પેલીંગ chamonix લખાય છે. અમે લ્યુસર્નથી નીકળી શામોની પહોંચ્યા. એક પછી એક એમ બે રોપ-વેમાં બેસીને શિખરની ટોચ પર પહોંચ્યા. રોપ-વે ઘણા મજબૂત અને ઈજનેરી કૌશલ્યના નમૂના જેવા છે. ‘મો બ્લાં’ની ઉંચાઇ ૩૮૪૨ મીટર છે. આ શિખર Aguille de midiના નામે પણ ઓળખાય છે. આલ્પ્સની ટોચ પર પહોંચ્યાનો મનમાં રોમાંચ થયો. ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે આલ્પ્સની ટોચ પર જવા મળે. અહીં તો ચારે બાજુ બસ બરફ જ બરફ હતો. બરફ પર બહાર નીકળાય તેમ ન હતું. એટલે ગેલેરીમાં ઉભા રહીને બરફાચ્છાદિત પર્વતને બસ નિહાળ્યા કર્યો ! ક્યાંક દૂર પર્વતારોહકોને મો બ્લાં પર ચડતા જોયા. અમને એવરેસ્ટ સર કરનારા તેનસિંગ નોરકે અને એડમંડ હિલેરીની યાદ આવી ગઈ. છેવટે મનમાં સંતોષ ભરીને નીચે પાછા આવી શામોનીમાં હોટેલ પર પહોંચ્યા. હોટેલની ગેલેરીમાંથી પણ ‘મો બ્લાં’ દેખાતું હતું. સાંજના શામોની બજારમાં ફર્યા. પર્વતની તળેટીમાં વસેલું આ ગામ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવે છે. ‘મો બ્લાં’ હમેશાં બરફથી છવાયેલું રહે છે. મહાન વૈજ્ઞાનિક ડો. હોમી ભાભાનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેમનું વિમાન ‘મો બ્લાં’ જોડે અથડાયું હતું. સ્વીસ તથા યુરોપમાં ફરતાં જોયું કે અહીં ખેતી તથા ડેરી ઉદ્યોગ વધુ વિકસ્યો છે. સફરજન અને દ્રાક્ષની પેદાશ તો બહુ જ જોવા મળી.
ત્યાર પછીના દિવસે અમે ફ્રાન્સનાં બે જાણીતાં શહેરો કેન્સ (cannes)અને નીસ (Nice) તરફ નીકળ્યા. આ માટે થોડુંક અંતર ઈટાલીમાં થઈને કાપવું પડે છે. ઈટાલીની સરહદ આગળ રસ્તો પહાડ કોતરીને બનાવેલી ટનેલમાંથી પસાર થાય છે. આ ટનેલ સાડા અગિયાર કી.મી. લાંબી છે. ભૂતકાળમાં કોઈ કારનું ટાયર ગરમ થવાથી ટનેલમાં આગ લાગી હતી અને તેમાં બીજાં કેટલાયે વાહનો સળગી ગયાં હતાં. એટલે અત્યારે ટનેલના પ્રવેશદ્વાર આગળ, દરેક વાહનને ટાયરનું ટેમ્પરેચર માપીને યોગ્ય લાગે તો જ ટનેલમાં પ્રવેશવા દેવામાં આવે છે. યુરોપમાં આવી ટનેલો ઘણી જગાએ છે. સૌથી લાંબી ટનેલ ૧૮.૫ કી.મી., ઓલ્બર્ગ, ઓસ્ટ્રિયામાં છે. કેન્સ અને નીસ બંને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલાં છે. કેન્સના પ્રખ્યાત થીયેટરમાં ફિલ્મ ફેસ્ટીવલ યોજાય છે. આ થીયેટર બહારથી જોયું. તેની ‘રેડ કાર્પેટ’ આગળ ફોટો પડાવવાનું ખાસ મહત્વ છે. દુનિયાની સેલિબ્રિટીઝ અહીં આવે ત્યારે ‘રેડ કાર્પેટ’ આગળ ફોટો પડાવતી હોય છે. અમે પણ અહીં ફોટો પાડ્યો જ ! બાજુમાં જ દરિયો છે. બીચ સરસ છે. અહીં ખૂબ જ લોકો ફરવા આવે છે. તેઓ દરિયામાં નહાય છે, રમે છે અને કિનારે ખુલ્લા તડકામાં પડ્યા રહે છે. અમે પણ દરિયાના પાણીમાં ઊતરીને મઝા માણી. અહીં કિનારે બગીચાઓ છે.
એ પછીના દિવસે અમે નજીકમાં આવેલો મોનાકો દેશ જોવા ગયા. ૩૫૦૦૦ની વસ્તી ધરાવતો દુનિયાનો આ ત્રીજા નંબરનો નાનો દેશ છે. (ઓછામાં ઓછી વસ્તીવાળો સૌથી નાનો દેશ વેટિકન છે. બીજા નંબરે લીચેન્સ્ટાઈન છે.) તે પણ ભૂમધ્ય સમુદ્રને કિનારે જ છે. અહીં સાતસો વર્ષ પહેલાં કોઈ સાધુએ રાજ કરવાનું શરુ કર્યું ત્યારથી તેના વારસો રાજ સંભાળી રહ્યા છે. રાજાનો મહેલ, વહીવટ માટેનું કાર્યાલય, ચર્ચ વગેરે જોયું. એ પછી નીસમાં આવેલી ‘ફ્રેગોનાર્ડ પરફ્યુમ ફેક્ટરી’ જોઈ. અહીનાં પરફ્યુમ અને અત્તરો દુનિયાભરમાં પહોંચે છે. ભારતથી ઘણી જાતનાં ફૂલ નિકાસ થઈને અહીં આવે છે. પછી મોન્ટે-કાર્લોમાં ખાણીપીણીનાં બજારો, મોલ્સ અને કેસીનો જોયા. અહીં મોટી અને મોંઘી હોટેલો અને માલદાર લોકોના બંગલા જોયાં. બધું ફરીને સાંજે હોટેલ પર પહોંચ્યા. એ પછી બીજે દિવસે નીકળ્યા અમે ઈટાલી દેશ તરફ. સૌ પ્રથમ પીસાનો જગવિખ્યાત ઢળતો મિનારો જોવા જવાનું હતું. બપોર સુધીમાં તો ‘પીસા ગામ’ આગળ પહોંચી ગયા. ગામથી લગભગ ૨ કી.મી. દૂર પાર્કીંગમાં કોચ મૂકી દીધો. આ ૨ કી.મી.નું અંતર પીસાની સીટી બસમાં જવાનું હોય છે. સીટી બસે અમને પીસા ગામ આગળ ઉતાર્યા. ગામના દરવાજામાં થઈને અંદર પ્રવેશ્યા. બસ, અમારી નજર સામે જ, અમારાથી આશરે ૩૦૦ મીટર દૂર પીસાનો ઢળતો મિનારો દેખાતો હતો ! મનમાં ખુશીની એક લહર ફેલાઈ ગઈ. વર્ષો પહેલાં વિજ્ઞાનમાં પીસાના આ ઢળતા મિનારા વિષે ભણ્યા હતા. મિનારો ઢળતો હોવા છતાં કેમ પડી જતો નથી – એવું બધું શીખ્યા હતા. દુનિયાની અજાયબીઓમાં પણ પીસાના ટાવરનું નામ હતું. એ વખતે કલ્પના ન હતી કે જિંદગીમાં ક્યારેક આ ટાવર જોવાની તક મળશે. આજે એ મિનારો બિલકુલ મારી સામે હતો ! પછી આનંદની કોઈ સીમા રહે ખરી ? અસંખ્ય લોકો મિનારો જોવા આવ્યાં હતાં. માનવમહેરામણ ઉમટ્યો હતો. રોજેરોજ આટલા લોકો મિનારો જોવા આવતા હતાં. મિનારો તૂટી ના પડે એ માટે ઢળતી બાજુએ હાથ ટેકવી રાખતા હોઈએ એવા દેખાવવાળા કરામતી ફોટા દૂરથી પાડ્યા ! મિનારાની સાવ નજીક જઈને તેને ધરાઈને જોયો. મિનારાની ઊંચાઇ ૧૮૭ ફૂટ છે. તેને બનાવવામાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરેલો છે. આજે પણ તે નવો ને નવો જ લાગે છે. મિનારો સીલીન્ડર આકારનો છે. તેનો બહારનો વ્યાસ ૫૦ ફૂટ છે. તે સાત લેવલ(માળ)માં બનાવેલો છે. તેની અંદર ૩૦૦ પગથિયાં છે. તે ચડીને તેની ટોચ પર પહોંચી શકાય છે. ટાવરની એક બાજુ ત્રણ ચર્ચ – ડોમા, બેપ્ટીસ્ટ્રી અને બેલ ટાવર – આવેલાં છે. આગળ વિશાળ લોન છે. ટાવરની બીજી બાજુ સંખ્યાબંધ દુકાનો લાગેલી છે, જ્યાં કપડાં, ટાવરના લોગો, બૂટ, સુશોભન માટેની વસ્તુઓ વગેરે મળે છે. પીસાની વસ્તી ૮૯૦૦૦ જેટલી છે. મહાન વૈજ્ઞાનિક ગેલિલીયો પીસાનો વતની હતો. પીસાનો ટાવર જોઈને નીકળ્યા રોમ તરફ. ત્રણેક કલાક પછી રાત પડી. ‘ક્વાટ્રોટોરી’ નામની જગાએ હોટેલમાં મુકામ કર્યો. બીજા દિવસે ત્રણેક કલાકની મુસાફરી પછી રોમ પહોંચ્યા.
રોમ એટલે ઇટાલીનું પાટનગર. જૂનું ઐતિહાસિક શહેર. આ શહેરે કેટલાય વીર યોદ્ધાઓને જન્મ આપ્યો છે. રોમ ભૂતકાળનાં ઘણાં યુધ્ધોનું સાક્ષી છે. પ્રથમ અહીં, શહેરના મુખ્ય વિસ્તારમાં ‘ટાઇમ એલીવેટર’ જોવા ગયા. એક થીયેટરમાં હાલતી ખુરશીઓ(સીમ્યુલેટર)માં બેસાડી, સામે પડદા પર, રોમનો ઇતિહાસ દર્શાવે છે. આપણે પણ રોમના ભૂતકાળમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે ! પ્રસંગને અનુરૂપ ખુરશીઓનું હલનચલન પણ થાય. જુલિયસ સીઝર, ફીડલ વગાડતો નીરો, રોમની જૂના વખતની આમસભા વગેરે જોવાનું ગમ્યું. અહીંથી બહાર આવી ચાલતા જ ‘ટ્રેવી ફાઉન્ટન’ જોવા ગયા. પુષ્કળ પ્રવાસીઓ આવેલા હતા. અહીં એક વાત ધ્યાન રાખવા જેવી છે કે ઈટાલીમાં ખિસ્સાકાતરુઓ, ચોરી, હિંસા, માફિયાગીરી અને ગુનાખોરી બહુ જ છે. પ્રવાસીઓના પૈસા અને પાસપોર્ટ ચોરાઈ જવાના બનાવો બહુ બને છે. અમને અગાઉથી આવી સૂચનાઓ આપેલી હતી એટલે અમે અહીં બધે સાવધાનીપૂર્વક જ ફરતાં હતાં. રોમની વચ્ચે થઈને ટાઈબર નદી વહે છે. તેનું પાણી ટ્રેવીના ફુવારામાં આવે છે. આ ફુવારાની રચના ખૂબ જ કલાત્મક છે. કેટલાયે સુંદર સ્ટેચ્યુથી આ ફુવારો શોભે છે. વિવિધ જગાએથી બહાર આવતું પાણી જોવાની અમને બહુ મઝા આવી. અહીંથી અમારો લકઝરીકોચ શહેરના જૂના વિસ્તારમાં ફરતો ગયો તેમ જૂનાં ઐતિહાસિક મકાનો, મહેલો, કિલ્લા વગેરે જોતાં ગયાં. છેલ્લે ‘કોલેસિયમ’ નામની જગાએ પહોંચ્યા. અહીં એક ખૂબ જૂના, મોટા, ઊંચા ગોળ મકાનની દિવાલના અવશેષો છે. અંદરનું બાંધકામ પણ તૂટેલી હાલતમાં છે. જૂના વખતમાં રોમની લોકસભા અહીં બેસતી. દિવાલ ખૂબ જ ભવ્ય લાગે છે. અસલના વખતમાં તેની જાહોજલાલી કેવી હશે, તેની કલ્પના સહેજે આવી જાય છે. પુષ્કળ લોકો ‘કોલેસિયમ’ જોવા માટે આવેલા હતા.
અહીંથી અમે રોમની જોડે જ આવેલું વેટિકન સીટી જોવા ગયા. ખ્રિસ્તીઓનું સૌથી વડુ ચર્ચ અહીં આવેલું છે. અહીંના વડા પોપ, ખ્રિસ્તીઓના સૌથી ઉપરી પોપ ગણાય છે. વેટિકન સીટી, પોતે જ એક સ્વતંત્ર દેશ છે. દુનિયાના સૌથી નાના આ દેશની વસ્તી માત્ર ૭૦૦ વ્યક્તિઓની છે. પ્રવેશની જગા આગળ તમે એક પગ વેટિકન દેશમાં અને બીજો પગ ઈટાલી દેશમાં રાખી ઉભા રહી શકો છો. પ્રવેશ આગળ ઊભા રહીને અમે ચર્ચને દૂરથી જોયું. ખૂબ જ ભવ્ય લાગે છે. ચર્ચ આગળ વિશાળ ખુલ્લી જગા છે. ચર્ચની દિવાલ ઉપર જૂના પોપનાં સ્ટેચ્યુ લાઈનસર મૂકેલાં છે. ચર્ચ જોવા માટે દેશવિદેશથી અસંખ્ય લોકો આવેલા હતા. અંદર જવા માટે અમે લાઈનમાં ઊભા રહી ગયા. સિક્યોરીટી તપાસ પતાવીને અંદર ગયા. ચર્ચની અંદરનો વિસ્તાર તો અત્યંત ભવ્ય છે. ઈસુના જીવનકાળના પ્રસંગો, થાંભલા અને દિવાલો પર તથા છતમાં, ચિત્રો અને સ્ટેચ્યુરૂપે પ્રદર્શિત કરેલા છે. મુખ્ય દર્શન પણ ખૂબ જ સુંદર છે. અહીં દુનિયાના મહાન ચિત્રકારો અને શિલ્પીઓની કલાકારીગરી રજૂ થયેલી છે. આ બધાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે. આ કલા તો નજરે જઈને જુઓ તો જ માણી શકો. વેટિકનનું ચર્ચ, દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચર્ચ છે. ચર્ચની બાજુના મકાનમાં નામદાર પોપનું નિવાસસ્થાન છે. પોપ દર બુધવારે અને રવિવારે, જાહેર જનતાને સંબોધવા બહાર આવતા હોય છે. દર વર્ષે નવા પોપની નિમણુંક કેવી રીતે થાય છે, તેની માહિતી પણ અમે મેળવી. હવે અમારે જવાનું હતું, ફ્લોરેન્સ શહેર જોવા. ત્રણેક કલાકની મુસાફરી પછી ‘પોન્ટાસિવ’ ગામની હોટેલમાં રાત્રિ પસાર કરી. પછીના દિવસે હોટેલથી નીકળી એક કલાકમાં ફ્લોરેન્સ પહોંચ્યા. આ શહેર ‘આર્નો’ નદીને કિનારે વસેલું છે. નદીમાં બાંધેલો નાનકડો ચેક ડેમ જોયો. શહેરના મુખ્ય વિસ્તારો ચાલીને જોયા પરંતુ જોવા જેવું ખાસ કંઈ છે નહિ. અહીંથી નીકળીને પડુઆમાં રાત્રિ વિશ્રામ કરી, બીજા દિવસે વેનિસ પહોંચ્યા.
ભૂમધ્ય સમુદ્રને કિનારે ૧૧૮ ટાપુઓ પર વસેલું વેનિસ એક સુંદર શહેર છે. અમે કિનારેથી એક મોટી બોટમાં બેસીને કલાકેકમાં વેનિસ પહોંચી ગયા. અહીં ટાપુઓને કારણે સામસામેનાં મકાનો વચ્ચે રસ્તા છે જ નહિ, બલ્કે નહેરો છે. એક મકાનથી બીજા કોઈ મકાનમાં જવું હોય તો નહેરમાં થઈને બોટમાં બેસીને જ જવું પડે. નહેરોમાં ફરતી નાની બોટને ‘ગોન્ડોલા’ કહે છે. તેમાં છ જણ બેસી શકે છે. અહીં ભરચક મકાનોને કારણે, અલગ ટાપુઓ જેવું દેખાતું ન હતું. વેનિસના બજારમાં થઈને અમે ‘સેન માર્ક સ્ક્વેર’ નામના ચોકમાં ગયા. આ એક જાણીતી જગ્યા છે. પ્રવાસીઓને કારણે આ સ્થળ ભરચક લાગતું હતું. અહીં એક ચર્ચ છે, એક પુરાણું મોટું ઘડિયાળ છે. થોડું ચાલ્યા પછી, એક નહેરમાં ‘ગોન્ડોલા’માં બેઠા અને નહેરોમાં ફર્યા. અમને ‘ગ્રેટ ગેમ્બલર’ ફિલ્મના ગીતની એક કડી ‘દો લબ્ઝોં કી હૈ દિલકી કહાની….’ યાદ આવી ગઈ. ગોન્ડોલામાં ફરવાની મઝા આવી ગઈ. ‘બ્રીજ ઓફ સાઈ’ નામે ઓળખાતો એક પુલ જોયો. વેનિસ એક રોમેન્ટીક શહેર છે. ગોન્ડોલાની સવારી બાદ નહેરને કિનારે ‘મુરાનો’ નામની ગ્લાસ ફેક્ટરી જોવા ગયા. અહીં કાચને ગરમ કરી તેમાંથી બોટલ, રમકડાં વગેરે વસ્તુઓ પળવારમાં બનાવી દે છે. એ પછી રાજાનો મહેલ દૂરથી જોયો. વેનિસ જોતાં જોતાં, શેક્સપિયરનું નાટક ‘મરચંટ ઓફ વેનિસ’ સ્મૃતિપટ પર તાજું થયું. શેક્સપિયરનાં નાટકોમાં વેનિસ તરફની વાત વધુ આવે છે. વેનિસ અને ઈટાલી પરથી મને એક બીજી વ્યક્તિ યાદ આવી ગઈ. હા, તે છે સોનિયા ગાંધી. તેમનું વતન વેનિસની નજીક છે. રળિયામણું વેનિસ જોઈ છેવટે અમે પેલી મોટી બોટમાં ભૂમધ્ય કિનારે પાછાં આવ્યાં. બપોરનું જમવાનું બોટમાં જ હતું, જે ખૂબ ગમ્યું.
હવે અમે ઉપડ્યા ઓસ્ટ્રિયા દેશના ‘ઇન્સ્બ્રુક’ શહેર તરફ. સાંજ પડતા પહેલાં ત્યાં પહોંચી ગયા. ઇન્સ્બ્રુકનો અર્થ છે ‘રીવર બ્રીજ’. ‘ઇન્સ્બ્રુક’ના મુખ્ય વિસ્તારમાં થોડું ફર્યા. બજારો, ખાણીપીણી, મકાનો બધું સરસ હતું. રાજાનો મહેલ, ભાષણ કરવાની જગા,ચર્ચ વગેરે જોયું. એક જગાએ મોટી ફ્રેમ ગોઠવેલી હતી, ત્યાં ફોટા પડ્યા. ઇન્સ્બ્રુક મ્યુઝીક માટે જાણીતું છે. એક જગાએ સંગીતકારોની મહેફિલ ચાલતી હતી. ઘણા પ્રેક્ષકો હતા. અમે પણ ત્યાં થોડી વાર ઊભા રહી ગયા. હિટલરે ઇન્સ્બ્રુકમાં યહૂદીઓને મારવા માટેનો એક કોન્સન્ટ્રેશન કેમ્પ(યાતનાગૃહ) ઊભો કર્યો હતો. તે જાણીને ઘણું દુઃખ થયું. અહીંથી એક કલાકને અંતરે ‘એક્ઝામ’ ગામના ડુંગરાળ પ્રદેશમાં આવેલી હોટેલમાં અમારો મુકામ હતો. આ જગા ખૂબ ગમી. બધી બાજુએ ડુંગરો અને ખીણો, લીલાં મેદાનો અને ચરતી ગાયો જોવા મળ્યાં. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો રણકાર તો હજુએ કાનમાં ગુંજે છે ! યુરોપમાં બધે જ નાનામોટા આકારની આવી ઘંટડીઓ વેચાતી મળે છે. જો કે મોંઘી પણ છે. DDLJ ફિલ્મમાં આવી ઘંટડીઓ જોઈ હતી. બીજે દિવસે અહીંથી નજીક આવેલા વોટન્સ શહેર ગયાં. અહીં ‘સ્વોરોસ્કી’ નામની જગાએ એક પ્રખ્યાત ‘ક્રિસ્ટલ વર્લ્ડ’ (સ્ફટિકની દુનિયા) ઊભું કર્યું છે એ જોવા જેવું છે. એક ખુલ્લા વિસ્તારમાં માણસનો એક મોટો ચહેરો બનાવેલો છે. તેના પર પાંદડાં અને લૉન છવાયેલી છે. તેની આંખો ક્રિસ્ટલથી તગતગે છે. તેના મુખમાંથી ધોધની જેમ પાણી નીકળીને નીચે ગોળાકાર કુંડમાં ભેગું થાય છે. તે પાણી પણ નીતર્યા કાચ જેવું ચોખ્ખું છે. માણસના આ મોટા ચહેરાની પાછળ બે માળનું મોટું મકાન છે, પણ એ લોનથી એવી રીતે ઢંકાયેલું છે કે તેનો જરા પણ ભાગ બહારથી દેખાય નહિ. કોઈને ખબર જ ન પડે કે અહીં આવડું મોટું મકાન છુપાયેલું છે. આ મકાનમાં ક્રિસ્ટલની એટલી બધી કલાકૃતિઓ મૂકેલી છે કે ના પૂછો વાત ! ખબર જ ના પડે કે આ બધું કઈ રીતે બનાવ્યું હશે. ક્રિસ્ટલનાં ઝુમ્મરો, માણસ અને પ્રાણીઓના આકારો, પ્રકાશ અને રંગોનું અદભૂત મિશ્રણ. એક ગુંબજમાં અસંખ્ય હીરાઓ જડેલા અને તેના પર પ્રકાશને લીધે લાગતું ભુલભુલામણી જેવું દ્રશ્ય. એક જગાએ ચાલો અને જ્યાં પગ મૂકો ત્યાં ચમકી ઉઠતા રંગબેરંગી ક્રિસ્ટલ. બધું જ અદભૂત લાગે. પછી ક્રિસ્ટલની એક દુકાન જોઈ. તેમાં ક્રિસ્ટલની બધી જ વસ્તુઓ મળે છે, પણ મોંઘી છે. જો કે એક જ જગાએ આટલું બધું મળે, એ વિશિષ્ટતા છે. ‘ક્રિસ્ટલ વર્લ્ડ’ ઘણું જ ગમ્યું. અહીંથી ચાલ્યા નાનકડા દેશ લીચેન્સ્ટાઈન તરફ. ઓસ્ટ્રિયા અને સ્વીટ્ઝરલેન્ડની વચ્ચે આવેલો, ફક્ત ૧૬૦ ચોરસ કી.મી. જેટલી જમીન ધરાવતો, દુનિયાનો બીજા નંબરનો નાનો દેશ છે. તેના પાટનગર વાડુઝમાં પહોંચ્યા. વોટન્સથી વાડુઝ પહોંચતાં અઢી કલાક લાગ્યા. અહીં થોડું ફર્યા, પણ ખાસ કંઈ જોવા જેવું નથી. વાડુઝથી અમે નીકળ્યા ઝુરીચ તરફ. ફરીથી અમે સ્વીટ્ઝરલેન્ડમાં પ્રવેશી રહ્યા હતા. રસ્તો રાઈન નદીના કિનારે કિનારે હતો. આ નદી છ દેશોમાં થઈને વહે છે. તેની મોટા ભાગની લંબાઈ જર્મનીમાં છે. તમે નકશામાં જોશો તો અમે ફરેલા દેશોમાં સ્વીસ વચ્ચે છે. પૂર્વમાં ઓસ્ટ્રિયા, પશ્ચિમમાં ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ, ઉત્તરમાં જર્મની, ઉત્તર-પશ્ચિમમાં નેધરલેન્ડ અને બેલ્જીયમ તથા દક્ષિણમાં ઈટાલી છે.
રાઈન નદી એક જગાએ ધોધરૂપે પડે છે. ધોધની ઊંચાઇ ૨૬ મીટર છે. અમે આ ધોધ જોવા કોચમાંથી ઉતર્યા. ધોધ સામેથી જોયો. શું ભવ્ય ધોધ છે ! નદીનું પાણી તેના આખા પટમાં ધોધરૂપે પડતું હોય તે દ્રશ્ય કેટલું બધું સોહામણું લાગે ! થોડી વાર સુધી તો ધોધનું ઉછળતું, કૂદતું પાણી જોઈ જ રહ્યા. પછી નીચવાસમાં બોટમાં બેસી ધોધની સાવ નજીક ગયા. ધોધના વચલા ભાગમાં થોડો જમીનનો ભાગ છે, એના પર ઉતર્યા અને પગથિયાં ચડીને ઉપર તરફ ગયા. અહીંથી ધોધના બંને બાજુના ભાગ ખૂબ નજીકથી દેખાય છે તથા ઉપરવાસમાંથી આવતી નદી પણ દેખાય છે. કેટલું મઝાનું દ્રશ્ય ! ધોધને સાવ નજીકથી જોયો. હાથ અડકાડી શકાય એટલો નજીક ! પણ જો પડ્યા તો ગયા સમજો. અહીં ધોધમાં ક્યાંય સ્નાન કરી શકાય તેમ નથી. ધોધ જોઈને ખૂબ સંતોષ થયો. નાયગરા ધોધની યાદ આવી ગઈ. સ્વીસમાં ટ્રમલબેક ધોધ નહિ જોયાનો અફસોસ થોડો ઓછો થઇ ગયો. કુદરતી દ્રશ્યોમાં સૌથી વધુ સૌન્દર્ય કદાચ ધોધનું છે. દુનિયાના વિખ્યાત ધોધ જેવા કે અમેરિકામાં નાયગરા, દક્ષિણ આફ્રિકામાં વિક્ટોરિયા, બ્રાઝીલમાં ઇગુઆસુ એવા મોટા અને ભવ્ય ધોધ છે કે બસ, કુદરતની આ લીલાને જોયા જ કરો ! તો ભારત પણ કંઈ કમ નથી. પ્રખ્યાત જોગનો ધોધ તથા કુટ્રાલમનો ધોધ ઉપરાંત કર્ણાટકમાં યેરુથેરાપલ્લી અને મધ્ય પ્રદેશમાં ચિત્રકોટ તથા તીરથગઢના ધોધનો નઝારો જરૂર માણવા જેવો છે. અલકનંદા નદીના માર્ગમાં તો કેટલાયે ધોધ તેમાં પડે છે.
રાઈન ફોલથી અમારી ગાડી ‘ઝુરીચ’ તરફ ચાલી. ૪૫ મિનિટમાં તો ઝુરીચ હોટેલમાં પહોંચી ગયા. રાત રોકાઈને બીજા દિવસે અમે નીકળ્યા જર્મની તરફ. અમે નાનામોટા થઈને કુલ ૧૧ દેશોમાં ફર્યા, તેમાં આ છેલ્લો દેશ હતો. ઝુરીચથી આગળનો રસ્તો ગાઢ જંગલોમાં થઈને પસાર થતો હતો. જંગલો એટલાં ગાઢ કે દિવસે પણ સૂર્યપ્રકાશ વૃક્ષોની વચ્ચેથી પ્રવેશી ન શકે. તેથી આ જંગલો ‘બ્લેક ફોરેસ્ટ’ તરીકે ઓળખાય છે. તે લગભગ ૧૨૦૦૦ ચોરસ કી.મી.માં પથરાયેલાં છે. વચ્ચે ડેન્યૂબ નદીનાં પણ દર્શન થયાં. ઝુરીચથી બે કલાકના ટ્રાવેલિંગ પછી જંગલમાં જ ‘ધ્રુબા’ નામે એક ગામ આવ્યું. ચારે બાજુ જંગલો અને વચ્ચે નાના મેદાનમાં એક નાનું ગામ. કેટલું સરસ લાગે ! એક બાજુ એક ખળખળ કરતું ઝરણું વહેતું હતું. આ ગામ તેના ‘કકૂ ઘડિયાળો’ માટે પ્રખ્યાત છે. આ ઘડિયાળો બનાવવાની અહીં ફેક્ટરી છે. જો કે ફેક્ટરી જેવું ખાસ કંઇ છે નહિ, કેમ કે ઘડિયાળો હાથથી બનાવવામાં આવે છે. કકૂ એટલે કોયલ. આવા ઘડિયાળમાં ટકોરા પડવાના સમયે એક નાની બારી ખુલે અને એક નાની કોયલ બહાર આવી મધુર અવાજ કરે એવી ગોઠવણ કરેલી હોય છે. આથી આ ઘડિયાળો ‘કકૂ ઘડિયાળો’ તરીકે ઓળખાય છે. વળી આ ઘડિયાળોને બહારથી જાતજાતનું કલાત્મક સુશોભન કરવામાં આવે છે, તેથી તો તે બહુ જ આકર્ષક લાગે છે. ફેક્ટરીની એક દિવાલ પર બહારથી એક મોટું બે માળનું ‘કકૂ ઘડિયાળ’ લગાડેલું છે. જર્મનીનું આ સૌથી મોટું ઘડિયાળ છે. તેનાં અંદરનાં ચક્રો પણ પારદર્શક કાચમાંથી જોઈ શકાય છે.અહીં વેચાણ વિભાગમાં જાતજાતનાં કેટલાંયે ઘડિયાળો જોયાં. દેખાવમાં ખૂબ સરસ, ખરીદવાનું મન થઇ જાય એવાં. અહીં બધે થોડું ફર્યા. પછી પેલા ઝરણામાં પથ્થરો પર બેસી, પગથી પાણી ઉડાડવાની મઝા માણી. અહીંથી અમે જર્મનીમાં આગળ ચાલ્યાં. ત્રણેક કલાક પછી ‘હાઈડલબર્ગ’ શહેર આવ્યું. શહેરનો મુખ્ય વિસ્તાર, ચોક, મકાનો, નદી, સુંદર કોતરણી અને સ્ટેચ્યુવાળો પુલ એ બધું જોઈ ‘હેપનહીમ’માં હોટેલ પર પહોંચ્યા. યુરોપનો પ્રથમ મનુષ્ય હાઈડલબર્ગમાં પેદા થયાની સાબિતી મળી છે. એ પછીનો દિવસ આરામનો દિવસ હતો. યુરોપ પ્રવાસનો આ છેલ્લો દિવસ હતો. બપોર પછી હોટેલ પરથી નીકળી, નદી કિનારે બગીચામાં આરામ ફરમાવી, સાંજે ૭ વાગે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પહોંચ્યા અને રાત્રે વિમાનમાં બેસી, ઉપડ્યા વતન તરફ…. હા, વતન કોને યાદ ના આવે ?
૧૯ દિવસનો પ્રવાસ ખૂબ જ આનંદદાયક રહ્યો. જે કંઈ જોવા નીકળ્યા હતા, તે બધું જ જોવા-માણવા મળ્યું હતું. રહેવા-જમવાની સુવિધા ઘણી જ સારી હતી. ઘણી જગ્યાઓ તો એટલી ગમી કે તે સ્મૃતિપટ પર કંડારાઈ ગઈ છે. હા, થોડાં સ્થળો એવાં હતાં કે તે ના જોયાં હોય તો ચાલે. જેવાં કે ચીઝ ફેક્ટરી, નીસ, મોનાકો, મોન્ટે-કાર્લો, ફ્લોરેન્સ, પડુઆ, વાડુઝ, હાઈડલબર્ગ વગેરે. એને બદલે આમ્સટરડામની વિન્ડમીલો, પેરિસનું લુવ્રે મ્યુઝીયમ, એફીલ પરથી પેરીસનું રાત્રિદર્શન, ફેશન સ્ટ્રીટમાં ચાલીને ફરવાનું, ટ્રમલબેક ધોધ, માઉન્ટ ટીટલીસ, સ્લેજ ગાડીમાં સફર, જર્મનીનું બર્લિન, ફેન્ટેશિયા લેન્ડ – આ બધું બતાવ્યું હોત તો વધારે મઝા આવત. આમ છતાં, એકંદરે તો સારું જ રહ્યું. સહપ્રવાસીઓનો સથવારો પણ ખૂબ સારો રહ્યો. અહીં એક-બે બાબતો જરા ના રૂચી. જેમ કે શહેરોને જોડતા એક્સપ્રેસ રસ્તાઓ પર અંતરો દર્શાવતાં બોર્ડ ઓછાં જોવા મળે છે. યુરોપના દરેક દેશને પોતાની અલગ ભાષા છે. જેવી કે ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન વગેરે. જે તે દેશના લોકો પોતાની સ્થાનિક ભાષામાં જ બોલે. (કાશ ગુજરાતમાં એવું થઈ શકે તો કેટલું સારું !) આપણા જેવા અંગ્રેજી સિવાયની બીજી ભાષા ન જાણતા હોય એટલે ત્યાં તકલીફ પડે.
આમ છતાં, પ્રવાસની મઝા તો કોઈ ઓર જ હોય છે. ફરવાના શોખીન લોકો તો તકલીફોમાં પણ આનંદ માણતા હોય છે. તેઓ તો પોતાની મસ્તીમાં ફરતા રહી ભગવાને સર્જેલી આ અદભૂત દુનિયાને જોવાની તક ક્યારેય જવા દેતા નથી. ઈશ્વરે અમને આ પ્રવાસ હેમખેમ પૂરો કરાવ્યો, તે બદલ મનમાં પ્રભુપ્રાર્થના કરીને આ પ્રવાસવર્ણનને અહીં જ વિરામ આપું છું.
- પ્રવીણ શાહ
આભાર
રીડગુજરાતી વેબસાઇટ
(આ સુંદર અને વિસ્તૃત પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો)
Tourist Map
Tourist Map
Comments
Post a Comment