આભાપરા:- બરડાની સૌથી ઉંચી ટૂંક
#આભપરો... આભાપરાને કોઈ ઉપમા ઘટે તો સદેહે બિરાજતા શિવની. આભાપરાની બાજુની ટેકરી, શિવની વામકક્ષે બેઠેલાં પાર્વતી સમી છે; તો દક્ષિણનો વેણુ, ઋષિ-મુનિઓના પ્રતિનિધિ સમા ભૃગુ જેવો, શિવથી ય બે વેંત ઊંચો શોભી રહ્યો છે. ચરણોમાં ગંગાના પુનિત વારિભર્યા બે તળાવો અને બાજુમાં જ ફેણ ચડાવી સ્તુતિ કરતા નાગ દેવતાના ઊભા પથ્થરો. સામે જુદું તરી આવતું દંતારનું શિખર જાણે નંદી છે તો કાનમેરો અને હડિયો શિવના બે ગણો - આમ ભગવાન શિવનો અદ્ભૂત પરિવાર, કલ્પનાની આંખથી જોઈએ તો આપણી સમક્ષ ખડો થાય છે. બરડાની આજુબાજુ રહેનારો માણસ આભાપરા ઉપર રાત ન રોકાયો હોય તો તેને આપણે શું કહેશું ? અરસિક અને બુદ્ધુ કહેવા કરતાં, ગીતાની પરિભાષામાં 'અયોગી' કહેવો વધુ ઉચિત છે. અને સાચી જ વાત છે ને, ઘરની ચાર દીવાલો વચ્ચે તો અયોગી જ પડ્યો રહે ને ? યોગી ભાવનાશીલ છે અને ભાવનાશીલ આ...