બરડાના ડુંગરનો વૈભવ






બરડા ડુંગરની એ આહલાદક ... કુદરતી ...વાતાવરણ ..જાણે આપણે તમામ પ્રકારની ચિંતાથી પર ઉઠીને કુદરતના ખોળામાં બરડાની ગોદમાં હોય એવું લાગે છે ..તન અને મનથી તમને પ્રફુલિત કરી દયે છે તમને આયાનું વાતાવરણ .... અનેક ફરવા લાયક સ્થળો ... જે સ્થળની મુલાકાત લ્યો તેનું વાતારણ તમારા તમામ થાકને દુર કરી દે તેમ છે ... જેમાં ઘુમલી ગામે આશાપુરા માતાજીનું મંદિર લગભગ ૧૦૦૦ જેટલા પગથીયા ચડતા આવે છે .... વિધ્યાવાસીની માતાજીનું મંદિર ... ૪૦-૫૦ પગથીયા ચડતા આવે છે ... ભૃગુકુંડ... નવલખો ...જે ૧૨મી સદીમાં બંધાયેલ સોલંકીયુગના સ્થાપત્યનું મહત્વનું દષ્ટાંત છે .. આવા તો અનેક સ્થળો છે ... એમાં પણ ઘુમલી થી ૩ – ૪ કિલોમીટર અને બરડા ડુંગરની ટોચ પર આવેલ આભપરાનેશ ... જ્યાં ત્રિકમજીબાપુનું મંદિર આવેલ છે ..જયા પગપાળા જઈ શકાય છે ... ૨ – ૩ કલાક જેવો સમય લાગે છે .... દરરોજ ૩૦-૪૦ જેટલા ભાવિકો ત્યાં દરરોજ આવે છે .. ત્યાં રાત્રી રોકાણ માટે તથા રહેવા માટે રૂમની વ્યવસ્થા છે ... અમારી પારંપરીક ગોદણાની તેમજ જમવા માટે વાસણો તથા રસોઈ માટેની તમામ વ્યવસ્થા છે ... જમવાનો કાચો સામાન સાથે લઇ જવાનો રહે છે .... અને અભયારણ્યમાં આવ્યું હોવાથી રાત્રી રોકાણ માટેની ફોરેસ્ટ વિભાગ પાસેથી મંજુરી મેળવવાની રહે છે ... અને ફોરેસ્ટની કેમ્પ ત્યાજ છે ... જે કપરા સંજોગોમાં મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે ..

તેમજ ભાણવડથી ૫ કિલોમીટર દુર કપુરડીનેશ ... અને ત્યાંથી ૫-૭ કિલોમીટર બરડાડુંગર પર આવેલ કિલેશ્વરનેશ .... જ્યાં કિલેશ્વર મહાદેવનું મંદિર તથા ફોરેસ્ટ વિભાગનું હેડક્વાટર આવેલ છે... જયા કિલેશ્વરનેસમાં આવેલ કિલેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન જામનગરના રાજા જામસાહેબ બાપુ ... અને જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ... જામ સાહેબ બાપુનું આસ્થાનું કેન્દ્ર ... હજુ હાલમાં પણ દર શ્રાવણમાસમાં ... જામનગરના રાજાના પુત્ર જામસાહેબ બાપુ આખો મહિનો ત્યાં વસવાટ કરે છે ... અને શ્રાવણ માસમાં હજારો ભાવિકો ત્યાં દર્શનનો લાભ લ્યે છે .... ત્યાં શ્રાવણ માસમાં પ્રસાદની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ..... અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં નજીકમાંજ હરણો અને સાબર રાખેલ છે ...... . પ્રવાસીઓને પણ વિનંતી કે રાત્રીના સમયે દીપડા જેવા પ્રાણીથી થોડી સાવધાની રાખવી …..











અહેવાલ – ભરત હુણ


બરડાનું વૃક્ષસૌંદર્ય  (અઢાર ભાર વનસ્પતિથી અભરે ભર્યા રહેતા બરડાડુંગરનું લીલુંછમ સૌંદર્ય. )

"ઘૂમલી-રાજકીય અને સાંસ્કૃતિક નામના પુસ્તકમાં કે.કા. શાસ્ત્રી અને સવિતાબેન મહેતાએ એકઠી કરેલી માહિતીને સંપાદિત કરીને નરોત્તમ પલાણ અને નાથાલાલ રૈયારેલાએ "ઘૂમલી ભૌગોલિક નામના પ્રકરણમાં એવું જણાવ્યું છે કે "બરડા ડુંગરની વિશીષ્ટ ભુસ્તરની પ્રકૃતિના કારણે અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ અહીયા થાય છે. બરડાનું ભૂસ્તર વિશિષ્ટ છે, પાણીનો અખૂટ ભંડાર છે. આદિત્યાણા અને અમરદડના પેટાળમાં તો સૌરાષ્ટ્રનો સૌથી વિશાલ જલભંડાર આવેલો છે. બરડા ડુંગરના પશ્ર્ચિમ ભાગે સમુદ્રતટનો જળમળ ખડક અથવા ચૂનાના થરો છે અને ઉત્તરપૂર્વે જવાળામુખીની અસરવાળા કાળમીંઢ અને કાળા પથ્થરો છે. ભૂસ્તરની આ વિશિષ્ટતાને કારણે ગુણધર્મમાં અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ બરડામાં થાય છે. વિરલ કહેવાય એવા થોડા ઉદાહરણો નોંધીએ તો બરડાનું લાડકું જાડ બીલીનું છે. શાસ્ત્રોમાં વર્ણવેલ આઠે આઠ પ્રકારની બીલી (તુલસી, બીલી, નિર્ગુન્ડી, અપામાર્ગ, કપિત્થ, શમી, આમલી અને દુર્વા) બરડામાં થાય છે. બીલી, આમલી અને નગોડ (નિર્ગુન્ડી) ના ઝાડવાથી ડુંગરના બધા જ ભાગો આચ્છાદિત થયેલા છે. એક વખત અહીં રબરના ઝાડ હતા. રક્તચંદન તો આજે પણ જોવા મળે છે. આર્થિક રીતે મૂલ્યવાન ગણાતા ગળીના છોડવાઓ બરડાના ઘણા ભાગોમાં થાય છે. ગળીના છોડમાંથી ગળીનો રંગ બને છે, પોરબંદર સંસ્થાને ગળીના રક્ષણ માટે પગલા લીધા હતા. ગળીને કાપવા ઉપર પ્રતિબંધ હતો. પણ આજે તો ચૂનારિયાની ભઠ્ઠીમાં એ કિંમતી છોડવો સસ્તામાં મળે છે. ગોઢાણા, નળિયાધાર અને હડિયાના જંગલો પોરબંદર સંસ્થાનમાં રક્ષિત હતા.

ખંભાળાનો સરપંખો અને જેઠીમધના છોડવા એક વખત પ્રસિદ્ધ હતા. ગળી જેવી રંગ આપનારી બીજી વનસ્પતિ બિયાનું ઝાડવું છે. બિયાના લાકડામાંથી રંગ થાય છે અને આ પંથકના લોકવરણ ત્રાજવા ત્રોફાવવા માટે એનો ઉપયોગ કરે છે. ખાખરો, રોણ, સીધસરો, શેમળો, શિવણ, ઉમરો, ખેર, જાંબુ, ટીંમરું, બોરડી, ધ્રામણ, ધાવડો, સાજડ, કડાયો, કારીખડો, કોદારો, સીસમ, ચરણ, કરંજ, નેવરી વગેરે જેવા વૃક્ષો તો આજે ભાગ્યે જ દેખાય છે.

વનસ્પતિવિદ્ જયકૃષ્ણ ઈન્દ્રજીએ અધિકારી તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી ગુજરાતના મહાન વનસ્પતિવિદ્ જયકૃષ્ણ ઈન્દ્રજીએ પણ "બરડાની વનસ્પતિ માં એવો ઉલ્લેખ કર્યો છે કે, સને 1885 થી તેઓ પોરબંદરના જંગલ અને બગીચા ખાતાના અધિકારી તરીકે નિમાયા. અને સને 1904 સુધી એટલે કે 18-19 વર્ષ સુધી તેઓ ફરજ ઉપર રહ્યા ત્યારે જંગલખાતાના અધિકારી તરીકે તેઓ ઊંટ ઉપર સવારી કરતા અને બરડા ડુંગરમાં ફરી, ડુંગરમાં કુદરતી રીતે ઉગેલી વનસ્પતિઓને પારખી તેના નમુના મેળવતા અને તેની નોંધ તૈયાર કરતા. બરડા ડુંગરને તેમણે સંશોધન માટેનું મુખ્ય સ્થળ બનાવેલું. બરડા ડુંગરના પ્રત્યેક ઝાડની તેમને માહિતી હતી. કોઈપણ વૃક્ષની ડાળ કોઈ કાપી જતું તો તેમનું દિલ દુભાતું. બાળકને જોઈ માતા માતા હરખાય તેમ ખીલતા અને વિકાસ પામતા વૃક્ષને જોઈને તેમની છાતી ફુલાતી. બરડા ડુંગરના નેસોમાં વસતા રબારીઓ સાથે તેઓ એકરૂપ થઈ ગયા હતા. નેસમાં તેઓ રાત્રિઓ પણ ગાળતા. રબારીઓનો પ્રેમ તેમણે સંપાદન કરેલો હતો. દરરોજ એક વૃક્ષ વાવી તેને નમન કરવું એ તેમનો જીવન સંદેશ હતો. જંગલમાંથી વૃક્ષો કપાતા દેશને ઘણું નુકસાન પહોંચે છે તે બાબત તે સમયમાં જ તેમના લક્ષ પર આવી ગયેલી અને તેથી જંગલના રક્ષણ માટે તેમણે કડક નિયમો રખાવેલા હતા.

વનસ્પતિઓને અલગ-અલગ 18 રીતે વર્ણવી શકાય. વનસ્પતિવિદ જયકૃષ્ણ ઈન્દ્રજીને માતૃભાષા પર તેમને અત્યંત મમતા હતી અને તેથી જ સને 1910 માં "વનસ્પતિ શાસ્ત્ર નામનું અજોડ પુસ્તક તેમણે ગુજરાતી ભાષામાં જ લખી પ્રસિદ્ધ કર્યું. વનસ્પતિશાસ્ત્ર પુસ્તકમાં તેઓએ દરેક વનસ્પતિઓનું આ પ્રમાણે વર્ણન લખેલ છે વનસ્પતિનો કુદરતી વર્ગ, વર્ગનું ટુંકું વર્ણન અને ગુણદોષ, ચાલતો નંબર, વનસ્પતિનું શાસ્ત્રીય નામ, દ્રષ્ટાંત અથવા ઉલ્લેખ, દેશી નામ, વર્ણન, મૂળ, દાંડી અને શાખાઓ, પાન અને ઉપપાન, ફૂલ અને પુષ્પશાખા, પુષ્પપત્રો અને ફૂલની ડીંટડી, ફૂલનો પુષ્પ, બાહ્ય કોષ, ફૂલનો પુષ્પાભ્યંતર કોષ, પુંકેશરો, સ્ત્રી કેશર, ફળ, બીજ, ઉપયોગી અંગ, ઔષધીય ગુણદોષ, ઉપયોગીતા-ઔષધીય અને વ્યવહારૂ, સ્થાનિક અને વિશેષ વિવેચન વગેરેના આધારે વનસ્પતિ વિશેની માહિતી મેળવી શકાય છે.

ટૂંકમાં પોરબંદર નજીકના બરડા ડુંગરમાં વનસ્પતિઓનું અઢળક સૌંદર્ય અને વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેને નુકસાન કરનારાઓને અટકાવવામાં નહીં આવે તો આ વનસ્પતિઓ માત્ર બરડા ડુંગરની યાદ જ બની રહેશે.


ઇતિહાસ પર એક નજર

જયાર થી ઈતિહાસ લખવાની શરૂઆત થઈ ત્યારથી થી અત્યાર સુધી જેઠવાના રાજ ની રાજધાની ઘુમલી-બરડા ડુંગરની ઉપેક્ષા થઇ છે. ઞુજરાતના સૌરાષ્ટ્રના રજવાડાઓમાં એક જ જગ્યાએ લાંબો સમય રાજ કરવાનો ઘુમલીના જેઠવાઓનો કદાચ રેકોર્ડ હશે.


ઘુમલી, સીલધજકુવર, મેહ- ઉજળી, હલામણ જેઠવો- સોન કંસારી (પહેલી), નવલખો, ભૃગુ કંડ, કિલેસ્વર, વીર માંગડાવાળો- પદમાવતિ, ભાણવડ(ભાણ જેઠવાનો ભાણ અને ભૂતવડનો વડ એટલે ભાણવડ), ભાણ જેઠવો, સોનકંસારી (બીજી)નો ભાણ જેઠવાને શ્રાપ, જેઠવા રાજના 999 શિવ મંદિરો, હાથલા શનિ ભગવાનનું જન્મ સ્થળ, આવા અઢળક ઇતિહાસના જીવતા પુરાવા સદીઓથી ઊભા છે.

આજે બરડા ડુંગર વિશે આ પેલા કોઈ દિવસ ના જાણી હોઇ એવી વાત તમારા બધા જોડે share કરીએ છે. જો તમને માહીતી ગમે તો મિત્રો જોડે અચુક share કરજો. ધન્યવાદ.

બરડા ડુંગરમાં પ્રાકૃતિક વૈવિધ્ય સાથે જગ્યાનાં નામોમાં પણ વૈાવિધ્યતા છે.

ભંભો ડુંગર, ચોરચીગો, ભમ્મરીયો કૂવો, ભૂતઘડો, વાંદર ઝર અને જેઠાણીવાવ અનેક ઝર, નેશ, ડુંગર, ધાર, ધડા, પાંઉ, ગાળા, ગાળી અને પાણા ધરાવતા બરડા ડુંગરમાં અઢળક જડીબુટ્ટીઓનો પણ ખજાનો.

ગરવા ગઢ ગિરનારનાં જોડીયા ભાઈ જેવા દેવભુમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની હદમાં આવેલા બરડા ડુંગરમાં ફાટફાટ થતાં સૌંદર્યને માણવા અને જાણવા માટે અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે ભાણવડ નજીકનાં આ ડુંગરમાં ખૂણેખૂણો ફેંદીને ઈતિહાસવિદે સ્થળ અને નામોનું વિલેષ્ણ કર્યું હતું.

જેમાં ત્યાંના નામો ચિત્ર - વિચિત્ર છતાં યોગ્ય અને અનુરૃપ હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આ બરડા ડુંગરમાં પ્રાકૃત્તિક વૈવિધ્યની સાથોસાથ જગ્યાના નામોમાં પણ વૈવિધ્યતા જોવા મળી છે. પોરબંદરનાં ઈતિહાસવિદ નરોતમભાઈ પલાણે અનેક પ્રકારની બરડા ડુંગર અને ધૂમલી ડુંગર આજુબાજુની રસપ્રદ માહિતીઓ આપતા જણાવ્યું હતું કે, અઢી હજાર વર્ષનાં અવશેષો ધરાવતી ધૂમલી નગરી સમૃધ્ધ માનવ વસાહત ધરાવતી હતી. છેલ્લા બારસો વર્ષનાં અભિલેખો તેને ભૂતામ્બીલીકા કહે છે. લોકજીભે જળવાયેલું તેનું નામ ધૂમલી છે. ઈસ્વીસન ૧૮૨૨ માં કર્નલ ટાંડ, ૧૮૩૭માં કેપ્ટન જેકોબ તથા ૧૮૭૪માં જેમ્સ બર્જેસ નામના પ્રવાસીએ તેમજ ઈ.સ. ૧૮૮૬ થી ૧૯૦૧ સુધી સતત ૧૫ વર્ષ બરડા ડુંગરમાં રહેનારા પોરબંદરના પ્રખ્યાત વસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજીએ બરડા ડુંગરની જડીબુટી નામનો બહુમૂલ્ય ગ્રંથે ૧૯૧૦ ની સાલમાં બહાર પાડયો હતો.

ઉપરાંત સૌરાષ્ટ્ર રાજયના મહેસૂલ ખાતાએ પણ ૧૯૫૦ પછી ધૂમલી અને બરડા ડુંગર આસપાસ સ્થળ અને નામોના વિચિત્ર પ્રકારો એકઠા કર્યા હતાં.

જેમાં નેશના નામો આંબલીચારો, રાવણો, ધ્રામણી, પાંસવાડી, પાલરો, દાદરો, કાંસવીડી, ખટારીયો, તાડી ઝરેરો, ખાખરાવાળો ધ્રાફડીયો, બેડાવાળો, આંટીવાળો, ઉમરીવાળો, દાંતણીયો, વાઘપાદી, મુંજીઆ વીરડો, જીંજકા વીડી, કપુરડી, છપીયો, વાગડીયો, સાતવીરા, સાજણવાળો, ફોદાળો, ઘસીયારો, ખોડીયાર ગુંદીયાવાડ, અજમાપાઠ, ખાતરો અને ધોળાધુના છે.

બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરનાં નામ બરડા ડુંગરની પર્વતમાળામાં ડુંગરના પણ વિવિધ નામો શોધવામાં આવ્યા છે. ડુંગરમાળામાં ભિન્નભિન્ન શિખરોને અહીંના લોકો ડુંગર કહે છે. જેમાં વેણું, બંબુતકીયો, ગુગડીયો, કંટોળીયો, માલેક, ગેબનસર, મુરાદીયો, બાબરીયો, આભપરો, હડીઓ, કાનમેરો, હાંડીફોડ, ભંભો, પાયારો, મુંડીયો, વાંકો, ઘોડાલંકી, કાળો, વિજફાડો, દંતાર, પોલો, સરકારીઓ, ક્રોકચીયો અને ભતવારી જેવા નામો છે.

ધાર ચીંગા અને ઘડાનાં નામ શિખરના ઢોળાવને તેમજ ટેકરીઓની નાની હારને ''ધાર'' કહે છે અને બરડા ડુંગરમાં બગાધાર, રેવતધાર, કાતરધાર, ભુકાધાર, નોળીાધાર, હોડીધાર, ચુડાધાર અને પ રીયાધાર છે.

તો બે શિખરોનો ઢોળાવ જે જગ્યાએ ભેગા થતા હોય તેને ''ચીગો'' કહે છે. આવું સ્થળ યાદ રાખવા માટે પથ્થરોના ઢગલા ચણ્યા હોય તેને ''ચગો'' કહે છે અને બરડા ડુંગરમાં કેરેસરનો ચીગો, મોરચીગો, ચોરચીગો અને ભૂત ચીગો આવેલા છે.

કોઈપણ શિખરના ઢોળાવમાં વચ્ચે આઠ દસ ઝુંપડા બાંધી શકે તેવી કે તેથી વધારે જગ્યા ઉપસી આવી હોય તેને ''ઘડો'' કહે છે અને બરડા ડુંગરમાં વિણોયો, મુંજીયો ઘડો, કુંઢારીયો, સોનઘડો, મગતોઘડો અને ભૂતઘડો આવેલો છે.

ઝર, પાંઉ, તળી, ગાળા અને ગાળીનાં નામ બરડા ડુંગરની પર્વતમાળામાં બે શિખરોનો ખાળ જેવા જે ભાગ નીચે સુધી ચાલ્યો આવતો હોય તો તેને ઝર કહે છે. કયાંક એક જ શિખરમાં પણ વચ્ચેથી ઝર શરૃ થતી હોય છે અને ઝરમાં વહેતા પાણીને ઝરણું કહે છે ત્યારે બ રડા ડુંગરમાં ખોડિયાર ઝર, વાંદરઝર, નારઝર, સિંહઝર, ભમરીઝર, છીપાઝર, દીપડાઝર, જાનુઝર, શેમળાઝર, ફૂલઝર, આંબલીઝર, કંદવારી ઝર, મોરચુંપડાની ઝર, સરમણી બરડામાં લાંપડપાંઉ, ડુંઘીપાંઉ અને ભીમપાંઉ આવેલા છે. પાંઉ પછી શરૃ થતો ભાગ ''તળી'' કહેવાય છે અને બરડામાં ઝીંઝવાતળી, ભીંતળી, રાતડ, લાડુડી અને વેમણ વગેરે તળીઓ આવેલી છે.

સામસામે આવેલા બે શિખરો વચ્ચેના ભાગનો ગાળો કહે છે અને બરડા ડુંગરમાં જાવંત્રી ગાળો અને વેઢીગાળો આવેલા છે અને બે ટેકરા વચ્ચે તથા લાંબે સુધી જતા ભાગને તેમજ જમીનની સપાટીથી નીચે રસ્તાને ગાળી કહે છે. બરડામાં બોરડીની ગાળી, ભીમકોટની ગાળી તથા તોરણીયાની ગાળી આવેલા છે.

જંગલ, જમન, પાણા, સરોવર, વોકળા અને નદીનાં નામ બરડા ડુંગર વિસ્તારમાં અનેક જંગલો આવેલા છે. બીલીવન, ઉમવન, ગોઢાણાનું જંગલ, હડીયાનું જંગલ, નોળીયાધારનું જંગલ અને વેરણ જંગલનો સમાવેશ થાય છે. તો બાસર, ગોરાડ, લાંપડ, ખારચ, ખડો, ફૂલેજ, ચીંચર, બનેજ અને માંધલી જેવી જમીનો આવેલી છે. બરડા ડુંગરમાં પ્રખ્યાત પાણાઓમાં પોલો પાણો, વાંકો પાણો, ભીમ પાણો અને નાગ પાણો આવેલા છે. તો છેલેસર, ભોરાસર, સતસર અને રાણસર જેવા તળાવો ઉપરાંત પ્રાંસીયુ, સદોડી, બાબરીયુ, કંસારીયુ, ખંભાળા, મગતું, કાળુભાર જેવા તળાવો આવેલા છે.

ભૃગુકુંડ, દેવકુંડ, સુરજકંડ, શનિસરનો કંડ, હરબાઈનો કંડ તથા તનારીયો કંડ જેવા કંડ પણ આવેલા છે. પાણીથી ભરેલા અને મોટાભાગે કાદવવાળા ખાડા જેમાં ભેંસ બેસતી હોય તેને 'માદણું'' કહે છે અને બરડા ડુંગરમાં આશીયાપાટનું માદણું, ઉંટઢકું, માદણુ અને ધુનારીયુ માદણું આવેલા છે.

બિલેશ્વરી, કિલેશ્વરી ચામુંદ્રી અને નેતરી નદીઓ આવેલી છે. વોંકળા, વોંકળી, વાવ, કુવા , કુઈ અને ભોંયરાનાં નામો બરડા ડુંગરની પર્વતમાળામાં તોરણીયો, ડોકામરડો, ધ્રબકીયો, સુકાળવો જેવા વોંકળા અને વેણુની વોંકળી, ખારી વોંકળી, ખડી વોંકળી જેવી વોંકળીઓ આવેલી છે.

જેતાવાવ, રાણીવાવ, દેરાણીવાવ, જેઠાણીવાવ, વિંકીયાવાવ, નાગવાવ, હમીરવાવ, ભાણવાવ, બાપુની વાવ, અમરા કાજાની વાવ, સરમણી વાવ, ચણચણી વાવ, દેરવાવ અને તનારી વાવ ઉપરાંત આંબલીયારો કુવો, ખીજડાવાળો કુવો, પાતાળીયો કુવો, ભમ્મરીયો કુવો અને ભૂતકુવો આવેલા છે. જાંબુડી કુઈ, અંધારી કુઈ, ધોળી કુઈ અને ભીમકુઈ ઉપરાંત અવનવા ભોંયરાઓ પણ આવેલા છે.

ઉપરાંત બરડા ડુંગરમાં ભોંયરાઓના નામનાં પણ સૌંદર્ય છે. ભુવનેશ્વરનું ભોંયરૃં, કાળકાનું ભોંયરૃં, જાંબુવતીનું ભોંયરૃં, ભગત ભોંયરૃં, અઘોરીયું ભોંયરૃં, આંબલીયું ભોયરૃં, વાંદરઝરનું ભોંયરૃ અને દોલતગઢનું ભોંયરૃં આવેલા છે. ખંભાળાની કેડી, મગતા કેડી, લંબકેડી, કડાકેડી, જીવીકેડી, ભીલકેડી, સાંઢીયા કેડી અને બોકડ કેડી જેવી કેડીઓ પણ બરડા ડુંગરમાં આવેલી છે. તો કાગવીરડો, શેઠવીરડો અને ધાનવીરડો જેવા વીરડાઓ પણ બરડામાં છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )