હાથલા શનિદેવ જન્મતીર્થ
હાથલા શનિદેવનું જન્મ સ્થળ હોવાનું કહેવાય છે, હાથલામાં મળી આવેલા અવશેષો 1500 વર્ષ જૂના છે. અહીં શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન 6-7મી સદીની મૂર્તી, શનિકુંડ સહિતની વસ્તુઓ અહીં મળી આવી હતી.
પૌરાણિક માન્યતા એવી છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજારો શનિભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે આવે છે.
કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ. પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા તે આજનું હાથલા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે.
શનિદેવના જન્મસ્થળને લઈને અનેક લોકવાયકાઓ રહેલી છે. પુરાણોમાં શનિદેવના જન્મસ્થાનને લઈને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં શનિદેવના જન્મસ્થાન નજીક સ્મશાન આવેલું છે તેમજ નદી, પીપળો, ઉકરડો આ તમામનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીં જોવા મળે છે. જેને લઈને શનિદેવનું સ્થાનક હોવાનું પુરવાર થાય છે.
હાથલા ગામે શનિમંદિરની બહાર શનિકુંડ આવેલો છે. આ શનિકુંડમાં સ્નાનની એવી લોકવાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે તમારી ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે તેથી તમે પાંચેય ભાઈઓ શનિધામ હાથલા જઈને શનિકુંડમાં સ્નાન કરી, શનિદેવનું પૂજન-અર્ચન કરો, જેથી શનિદેવ તમારા પર કૃપા વરસાવશે. એટલે એવી પણ માન્યતા છે, કે આ મંદિરનું નિર્માણ મહાભારતકાળ દરમિયાન પણ થયું હોઇ શકે છે.
મુખ્ય આકર્ષણો: શનિદેવના હાથલા મંદિરના આકર્ષણોની વાત કરીએ તો આ મંદિરમાં શનિદેવની સાથે-સાથે સાડા સાતી અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ બિરાજે છે. આ મંદિરની બાજુમાં સૂર્યમંદિર, બગવદર ગામમાં આવેલું છે.
શનિ અમાવસ્ય, શનિ જયંતી અને શનિવારના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. ખાસ કરીને શનિજયંતીના દિવસે આ મંદિરે મેળા જેવા માહોલ હોય છે. શનિજયંતીમાં લોકો અહીં દૂર દૂરથી પગપાળા આવે છે.
દર્શનનો સમય: મંદિરને દરવાજા ન હોવાથી દર્શનાર્થી માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે.
કેવી રીતે પહોંચવું:
પોરબંરથી 45 કિલોમીટર દૂર હાથલા ગામ શનિ જન્મસ્થળ તરીકે ઓળખાય છે. હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ છે. હાથલા ગામે જવા માટે પોરબંદરથી વાયા બગવદર ગામ થઈને જઈ શકાય છે, જ્યારે જામનગરથી વાયા ખંભાળિયા પોરબંદર તરફ આવતા રસ્તેથી હાથલા ગામે જઈ શકાય છે. અમદાવાદથી હાથલા 423 કિમી, રાજકોટથી 209 કિમી, જામનગરથી 108 કિમી અને દ્વારકાથી 92 કિમીના અંતરે આવેલું છે.
સરનામું: શનિદેવ મંદિર હાથલા, તાલુકો- ભાણવડ, જિલ્લો- દેવભૂમિ દ્વારકા
રહેવા-જમવાની સુવિધા:
મંદિરમાં શનિદેવ સેવા ટ્રસ્ટની ધર્મશાળા આવેલ છે.. તેમજ શનિદેવ હાથલાથી હર્ષદમંદિર 21 કિમી દૂર છે જ્યાં જગડુશા ધર્મશાળા છે. જેમા રહેવા-જમવાની વ્યવસ્થા છે. જેનો ફોન નંબર-9925510575.
Comments
Post a Comment