જમજીર ધોધ (ગીર)
સાસણ ગીરમાં આવેલ જામવાળાના પાદરમાં શિંગોડા નદી આવેલ છે. નજીકમાં જ જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિ જમદગ્નિ શિંગોડાને કિનારે વિચરતા હશે, ત્યારે આ ધોધ જે આજે નગારા જેવો ઘોષ કરે છે તે ત્યારે મંજીરા જેવો મંજુલ રવ કરતો હશે. તેથી ઋષિએ ધોધનું નામ રાખ્યું મંજીરા. ત્યારબાદ ઋષિની યાદ કાયમ રાખવા લોકોએ મંજીરા આગળ જમદગ્નિનો ‘જ’ લગાડી દીધોને ધોધનું નામ જમંજીરા જે વર્ષો જતાં જમજીર થઈ ગયું. ધોધના બંને કાંઠે વિશાળ અડાયા છાણા જેવી શિલાઓ થપ્પી રૂપે ગોઠવાયેલી હોય એવું લાગે. સ્તબ્ધ ઊભેલી શિલાઓને ખબર પણ નથી કે આ મસ્ત મુલાયમ પાણીએ ક્યારે ધસમસતા આવીને એમને વેરી નાખી. તીરાડોમાંથી ઝીણી ધારારૂપે પાણી વહ્યા કરે છે, ને ભળી જાય છે શિંગોડાના વેગમાં. જમજીરના ઉપરવાસમાં આવેલ પાંચ મહાદેવની જગ્યા આરણ્યક સંસ્કૃતિની યાદ અપાવી જાય તેવી છે. અહીં શિંગોડા નાના-મોટા ગોળાકાર પથ્થરોની વચ્ચેથી વહી જાય છે. અહીં ન્હાવાનો લાવો લેવા જેવો છે.
Via Whatsapp :
MASTER MANAN BHAI
Comments
Post a Comment