જલિયાંવાલા બાગ અમૃતસર
જલિયાવાંલા બાગ અમૃતસર
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું
ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી
【જલિયાંવાલા બાગ ના ફોટોગ્રાફ】
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
આજથી બરાબર 100 વર્ષ પહેલાની આ વાત છે. 13 એપ્રિલ 1919. ઇતિહાસ વાંચનરા દરેક ભારતીયને આ દિવસ બરાબર યાદ રહે છે. આજના જ દિવસે દુનિયાએ એક બાગમાં રાક્ષસને ઉતરતા જોયો હતો. તે બાગ હતો પંજાબના અમૃતસરનો જાલિયાવાલા બાગ અને રાક્ષસ હતો જનરલ ડાયર. પંજાબમાં આ દિવસ વૈશાખીનો હતો અને જનરલ ડાયરે આખા અમૃતસર શહેરમાં ફરમાન આપ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના શહેરની બહાર ન જાય. જેને પણ શહેરની બહાર જવું હોય એને પાસ લેવો પડશે. જનરલ ડાયર શહેર આખામાં ફરતો જતો હતો અને સાથે જ દુભાષિયો અંગ્રેજીમાં લખેલી ઘોષણા પંજાબી અને ઉર્દુમાં વાંચતો જતો હતો. એક તરફ જ્યાં જનરલ ડાયર શહેર આખામાં પ્રતિબંધ લગાવા નીકળો હતો તે જ સમયે એક છોકરો ઢોલ પીટીને કહી રહ્યો હતો કે સાંજે ચાર વાગ્યે જલિયાવાલા બાગમાં સભા છે, બધાજ પહોંચો.
તે દિવસે વૈશાખી હતી, આ દિવસ પંજાબમાં નવવર્ષ તરીકે ઉજવાય છે. બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.
સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તે કુવામાં લાશોનો ઢગલો થયો હતો.
જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.
ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું
જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.
ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી
જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા
【જલિયાંવાલા બાગ ના ફોટોગ્રાફ】
Comments
Post a Comment