વાઘા બોર્ડર

ભારત અને પાકિસ્તાનને જોડતી ઐતિહાસિક વાઘા બોર્ડર.

વાઘા બોર્ડર ભારતના અમૃતસર અને પાકિસ્તાનના શહેર લાહોરની બરોબર વચ્ચે આવેલી છે. અમૃતસર અને લાહોર વચ્ચે માત્ર ૫૬ કિલોમીટરનું જ અંતર છે.

વાઘા બોર્ડર ભારત અને પાકિસ્તાનને સડક અને રેલ માર્ગથી જોડે છે. આ બોર્ડર સાથે જોડાયેલો શબ્દ વાઘા પંજાબી ભાષાનો છે. પંજાબી ભાષાના વાઘા શબ્દનો મતલબ થાય છે, રસ્તો. આ બોર્ડરનું નામ વાઘા બોર્ડર કેમ પડ્યું? વાઘા નામનું એક ગામ છે. જો કે આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે. વાઘા બોર્ડરથી પાકિસ્તાનની હદમાં દાખલ થઇએ એટલે માત્ર દોઢ કિલોમીટરના અંતરે વાઘા ગામ આવેલું છે. આ વાઘા ગામના કારણે જ બોર્ડરનું નામ પડી ગયું, વાઘા બોર્ડર.
વાઘા બોર્ડર ભારતમાં છે પણ વાઘા ગામ પાકિસ્તાનમાં છે.

ભારતના પંજાબ રાજ્યના ઐતિહાસિક નગર અમૃતસરથી નીકળીએ એટલે માત્ર ૨૮ કિલોમીટરના અંતરે વાઘા બોર્ડર આવી જાય. વાઘા બોર્ડર ક્રોસ કરીને ૨૮ કિલોમીટર જઇએ એટલે પાકિસ્તાનના નગર લાહોર પહોંચી જવાય. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બાકીની આખી સરહદ ઉપર બંને દેશની સેનાઓ સામસામે છે, પણ વાઘા બોર્ડરે બંને દેશના સૈનિકો સામસામે હોવા છતાં બંને વચ્ચેનો વ્યવહાર દોસ્તાના હોય છે.

વાઘા બોર્ડરથી ભારતની હદમાં બરોબર દોઢ કિલોમીટરના અંતરે અટારી ગામ આવેલું છે. જ્યારે વાઘા બોર્ડરથી પાકિસ્તાનની હદમાં બરોબર દોઢ કિલોમીટરના અંતરે વાઘા ગામ આવેલું છે.

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલાં તો અમૃતસર અને લાહોર વચ્ચે રોજીંદા સંબંધો હતા. ભાગલાની સાથે જ આ બંને નગર વચ્ચે રાતોરાત સરહદ ઉભી થઇ ગઇ. રસ્તા બંધ થઈ ગયા. આ સાથે જ બે નગર વચ્ચેના સંબંધો, લોકો વચ્ચેની દોસ્તી અને સદીઓની સંસ્કૃતિ વચ્ચે જાણે સરહદની રેખા દોરાઈ ગઈ.

દિલ્હી અને લાહોર વચ્ચે બસ સર્વિસ ચાલે છે, તેનું ઇમિગ્રેશન અને બીજી વિધિ વાઘા બોર્ડરે થાય છે. ભારત અને પાકિસ્તાનની બસો રોજ આ સરહદ વીંધીને એકબીજાના દેશોના લોકોને લઇને અવરજવર કરે છે. આ સાથે એ પણ હકીકત છે કે, આ બે વાહનો સિવાય બીજા કોઇ વાહનો અવરજવર કરી શકતાં નથી. અમુક ટુરિસ્ટો સાયકલ, સ્કૂટર, કાર કે બસ લઇને વિશ્વની સફરે નીકળે છે, તેઓને સ્પેશ્યલ કેસમાં અહીંથી તેમનું વાહન પસાર કરવાની છૂટ આપવામાં આવે છે.



ભારત અને પાકિસ્તાન વચ્ચે સમઝૉતા એક્સપ્રેસ ૧૯૭૬માં શરૂ થઈ હતી. આ પછી આ ટ્રેન દરરોજ ભારત – પાકિસ્તાન વચ્ચે અવરજવર કરતી. ૧૯૯૩થી ટ્રેનની ફ્રીક્વન્સી ઘટાડીને અઠવાડીયામાં બે વખત કરવામાં આવી. જો કે આ પછીના સમય દરમિયાન ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં “લવ એન્ડ હેટ’ના તબક્કા આવતાં રહ્યા. આ કારણે ટ્રેનને થોડા – થોડા સમય બંધ કરી દેવામાં આવી. અત્યારની સ્થિતિ જોઇએ તો, સમઝાતા એક્સપ્રેસ બંને દેશો વચ્ચે નિયમિત સફર કરે છે.

પાકિસ્તાન તરફથી આવતી સમઝૉતા એક્સપ્રેસના મુસાફરોના ઇમિગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સની વિધિ વાઘા બોર્ડર નહીં પણ અટારી રેલવે સ્ટેશને થાય છે. બોર્ડર અને અટારી રેલવે સ્ટેશન વચ્ચે બે કિલોમીટરનું અંતર છે.

પાકિસ્તાનની ટ્રેન ભારતીય હદમાં પ્રવેશે એટલે સેનાના ઘોડેસવાર સૈનિકો તૈયાર હોય છે. સરહદથી અટારી રેલવે સ્ટેશન સુધી આ ઘોડેસવાર સૈનિકો ટ્રેનની બંને બાજુ દોડતાં રહે છે. અટારી સ્ટેશનનું કામકાજ એરપોર્ટ જેવું જ હોય છે. ત્યાં બધી ચેકીંગ વિધિ થાય છે.

સમઝોતા એક્સપ્રેસ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુડ્ઝ ટ્રેન પણ દોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર પણ કરોડો રૂપિયાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી ગુડ્ઝ ટ્રેન ૭૨ ડબાની હોય છે. જેવી રીતે કન્ટેનર દ્વારા દરિયાઇ રસ્તે માલની હેરફેર થાય છે તે જ રીતે રેલ માર્ગે પણ માલની હેરફેર થાય છે. હવે તો માત્ર કન્ટેનર લઈને જ જતી ગુડઝ ટ્રેનો દોડે છે. દરિયાઇ અને એર માર્ગ કરતાં ટ્રેન માર્ગે માલની હેરાફેરી ખૂબ જ સસ્તી પડે છે.

વાઘા બોર્ડરને જીવંત બનાવે છે, બંને દેશોના જવાનો વચ્ચે રોજ યોજાતી ફ્લેગ રિટ્રીટ સેરેમની. આ સેરેમનીએ તો બંને દેશોના લોકો માટે વાઘા બોર્ડરને પિકનિક પોઈન્ટ બનાવી દીધુ છે.

આખી દુનિયામાં બે દેશો વચ્ચે જો ક્યાંય આવી રિટ્રીટ સેરેમની થતી હોય તો તે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર વાઘા બોર્ડરે થાય છે. સવારના સમયે સૂર્યોદયની સાથે જ બંને દેશના જવાનો પોતાના દેશની સરહદમાં પોતાનો ધ્વજ લહેરાવે છે અને સાંજ પડ્યે ધ્વજ ઉતારી લ્ય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ આ સમય થોડો બદલાતો રહે છે. રિટ્રીટ સેરેમની જોવા જવા માટે હવે તો અમૃતસરથી વાઘા બોર્ડર સુધીની ખાસ લક્ઝરી બસો દોડે છે. આ ઉપરાંત ખાનગી વાહન લઇને પણ વાઘા બોર્ડર સુધી જઇ શકાય છે.

રિટ્રીટ પહેલા બંને દેશોના સૈનિકો એકબીજાને મળે છે. હાથ મીલાવે છે. જો કે તેઓ એક શબ્દ પણ બોલતા નથી. આ મુલાકાત “મૌન” હોય છે. એ પછી ફલેગ ઉતારવાની અને ફલેગ સંકેલવાની વિધિ થાય છે. આ સમયે બંને દેશના સૈનિકો વચ્ચે થતી એકશનો જોવાનો લ્હાવો અદૂભૂત હોય છે.

વાઘા બોર્ડર રોજ સાંજે યોજાતી આ રિટ્રીટ સેરેમની જોવા તો જાણે માણસોનો મેળો જામે છે. આ સેરેમની લોકો આરામથી જોઈ શકે તે માટે ભારતની હદમાં તો ખાસ ગેલેરી બનાવવામાં આવી છે. આ સમયે માત્ર પંદર-વીસ ફૂટના અંતરે બંને દેશોના લોકો સામસામે ઉભા હોય છે.

ભારતમાં ટૂર યોજતાં ટ્રાવેલર્સવાળાઓએ પણ તેમની જોવાલાયક ટૂરની યાદીમાં વાઘા બોર્ડરનું નામ ઉમેર્યું છે. પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર અને જલીયાવાલા બાગ બતાવીને પ્રવાસીઓને સીધા વાઘા બોર્ડર લઈ જવાય છે. પંજાબ જવાની તક મળે ત્યારે એકવખત વાઘા બોર્ડર જઇને આ ફલેગ રિટ્રીટ સેરેમની જોવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )