ઝંડ હનુમાનજી મંદિર
વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે. જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે.પરંતુ હવે પાકો રસ્તો પણ બની ગયો છે, અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે.
ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. મારગ માથે કોઈ લારી-ગલ્લા કે હાટડીઓ નથી. કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય.
ઝંડબાપજીના દર્શને જતાં ૧૧ કિ.મીટરના અંતરમાં તમને તળાવ, નાના નાના ઝરણાં જોવા મળશે. તેને ઓળંગીને જવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે. ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાં ઝરણાં આવે. ઝરણાં જોતાં જોતાં, ઝરણાંમાં હાથમોં ધોઈ એ પાણીમાં છબછબિયાં કરતાં કરતાં, વૃક્ષ, વનરાજિ અને લીલાછમ જંગલ ઝાડિયું અને પ્રકૃતિને પામતાં પામતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની યે ખબર પડતી નથી.
અહીં હરિયાળી વનરાજિ વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાુએ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નયનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે. આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ ‘ઝંડ’ કહે છે. આવું ઝંડ-ઝૂંડવાળું પૂછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડબાપજી તરીકે પૂજે છે. આ ગામનું નામ ‘ઝંડ’ પણ ઝંડબાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે.
ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કોતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી ૧૮ ફૂટ ઊંચી આ મૂર્તિ છે. આવી મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દેવમૂર્તિના ડાબા પગ નીચે છએક ફૂટની ઉંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવળના સમય પહેલાની છે. ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી. ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષ્ણકામ જોતાં આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વઘુ જુની હોવાનું પુરાતત્ત્વવિદો માનતા નથી.
આ જાંબુઘોડા હનુમાનજી નું મંદીર જંગલમાં આવેલ છે. તે મહાભારતના વખતે પાંડવો અહીં રહેતા હતા. અહીં ભીમની ઘંટી છે. ભીમ તે ઘંટીમાં અનાજ દળતાં હતા. અહીં દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણથી કૂવો કર્યો હતો. તે મોજુદ છે. અહીં શિવમંદિર અને ગણેશજીની ની મૂર્તિ ઓ છે. અહીં હનુમાનજી ના ડાબા પગ નીચે શનિદેવની પ્રતિમા ભકતોની પનોતી દૂર કરે છે. શનિ ની પનોતી હોય તે અચૂક આવે છે. મંત્ર જાપ કરાવે છે. પૌરાણિક શિવ મંદિર છે. ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વઘુ પુરાણી ન હોય પણ આ સ્થળ- આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે.
ડુંગર ઉપર હિંગળાજ માતાજી નું મંદીર છે. ત્યાં ભોંયરૂ છે. તે ભોંયરૂ ગુફા હવે બંધ કરી દેવામાં આવી.
Comments
Post a Comment