કનકાઈ માતા ગીર

સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ગીર જંગલમાં સ્થિત કનકાઈ માતા મંદિર કે જેને કનકેશ્વરી મંદિર પણ કહેવાય છે. શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર એ ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે. જે તુલસી શ્યામથી આશરે ૨૨ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વીસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દૂર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજના ૭ વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે.

ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે કનકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યાં હતાં. મંદિરમાં અધિષ્ઠાત્રી દેવી સુવર્ણ જેવી જેની ક્રાન્તિ છે તેવી નંદરાજાને ઘેર જન્મેલી અને શ્રીકૃષ્ણએ જેમની ઉપાસના કરી હતી તેવી શક્તિનું પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે.

બીજી એક લોકવાયકા એવી પણ છે કે વળાના મૈત્રક વંશનાં મૂળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સૂર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનના વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્ય ગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે મા કનકાઈની સ્થાપના કરી હતી.

કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી સૌપ્રથમ જીર્ણોદ્ધાર સંવત ૧૮૬૪માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યુ અને સંવત ૨૦૦૮માં ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદિરો પણ આવેલાં છે. મંદિરની બરાબર નીચે શીંગવડો નદી વહે છે. માતાજીના મંદિર પાછળ ભુદરજીનું મંદિર છે. તેની બાજુમાં પાંચેક પાળિયા ઊભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહીર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

સમભાવ મેટ્રો(પત્રકાર)

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )