ગોવર્ધન પર્વત સતાપર

વૃંદાવનધામની પ્રતીતિ કરાવતો અંજારનો `ગોવર્ધન પર્વત''

અંજાર તાલુકાનાં સતાપર ગામ પાસે આવેલા ધાર્મિક સ્થળ ગોવર્ધન પર્વત પર ગોકુળિયા માહોલ.

નિજાનંદ સંપ્રદાયના સાતમા ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના નેજા હેઠળ અંજારનાં સતાપર ગામ પાસે આવેલા સંપ્રદાયની 30 એકર જેટલી વિશાળ વાડીમાં ગોવર્ધન પર્વત અને તેની તળેટીને વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવેલો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ત્યાંનો વિકાસ એટલો ઝડપી અને મનમોહક બની રહેશે. એક સમયના તદ્દન વેરાન અને પથ્થરોથી ઊબડખાબડ પર્વત હાલે અગિયાર હજાર કરતાં પણ વધુ વૃક્ષોના ઉછેરથી લીલુંછમ બન્યો છે. વૃંદાવનની જેમ જ ગોવર્ધન પર્વતની તળેટીએ કામવન, કોકિલા, મધુવન, વ્રજ, વ્રજરમણ રેતી, પ્રદક્ષિણા માર્ગમાં ગુરુ મહારાજની દેરીઓ, પશુ પક્ષીઓ માટે ચબૂતરા-કુંડાઓ, ગોપીઓ સાથે રાસ માણતા રાધાકૃષ્ણને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે તેમજ તળેટીની બિલકુલ સામે પ્રથમ જ નજરે કોઈનું પણ મન મોહી લે એવી રીતે યમુના મહારાણીનું અત્યંત રમણીય લાગતી પશુ-પક્ષીઓની પ્રતિકૃતિ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. તળેટીની નીચે જ `સંત કુટિર' તૈયાર કરવામાં આવી છે. જેના નિર્માણમાં સંપૂર્ણ ગાયનું ગોબર, ગૌમૂત્ર, વાંસ, માટીકામ અને દાભડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેની અંદરનો કચ્છી કલાનો શણગાર કોઈ પણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી લે એટલો મોહક છે તેમજ આ સ્થળે સપ્તઋષિ ઝૂંપડી સાથે વૃંદાવનનું આબેહૂબ દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે. ગોવર્ધનજીની પૂજાનું મહત્ત્વ લોકોને સમજાય એ હેતુથી અહીં ગોવર્ધન મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ ગોવર્ધન મહાપૂજામાં અજનોખર વિહારીજી, ભાનોખર વિહારીજી, પીળીપોખર વિહારીજી, ચંદ્ર સરોવર, માન સરોવર, પ્રેમ સરોવર, કુસુમ સરોવર, સુરભિ કુંડ, ઐરાવત કુંડ, શ્યામ ઠાઠ, ગોવિંદ કુંડ, રાધા કુંડ, કૃષ્ણ કુંડ તેમજ વિછુવા કુંડની ગોવર્ધનનાથજીની સાથે પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવી છે. સતાપરના ગોવર્ધન પર્વત અને વૃંદાવન મધ્યે આવેલા ગોવર્ધન પર્વતનો આધ્યાત્મિક સંબંધ છે. ભગવાન ગોવર્ધનની પૂજા કરતા રસિકજનો જ્યારે સતાપર મધ્યે આવેલા ગોવર્ધન પર્વતની 108 પ્રદક્ષિણા કરે છે ત્યારે એવું કહેવાય છે કે તે 108 પ્રદક્ષિણા વૃંદાવનના ગોવર્ધન પર્વતની એક પ્રદક્ષિણા સમાન છે. આમ ધાર્મિક બાબતે વૃંદાવન અને સતાપર એકબીજાથી જોડાયેલા છે. ગોવર્ધન પર્વતના વિકાસકામો પર પ્રકાશ પાડતાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ગાદીપતિ પૂ. ત્રિકમદાસજી જણાવે છે કે કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ કચ્છ પડી ભાંગ્યું હતું. કચ્છ પ્રત્યે લોકોનો પ્રેમ, શ્રદ્ધા અને લાગણી થકી અહીંના અનેક ધાર્મિક સ્થળો કચ્છના પ્રવાસનને નવી દિશા આપી રહ્યા છે અને એ જ દિશામાં ગોવર્ધન પર્વત દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ દ્વારા ગોવર્ધન પર્વત માનો કે લીલી ચૂંદડી ઓઢી લીધી હોય અને કુદરતના સાંનિધ્યમાં લોકોને આકર્ષી રહ્યો હોય. ગોવર્ધન પર્વતનો બેનમૂન વિકાસનો અંદાજો એ જ વાત પરથી લગાવી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના વિકાસકાર્યોના લોકાર્પણ માટેના સ્થળ તરીકે ગોવર્ધન પર્વત પર પસંદગી ઉતારી. હાલમાં ગોવર્ધન પર્વત લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રજા તેમજ તહેવારોમાં આ સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નિસર્ગનો આનંદ માણવા અહીં આવે છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના પ્રયાસો થકી રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આ સ્થળની પાસે 3 કરોડ જેટલા ખર્ચે પાકા રોડનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું, જેથી અહીંનો વિકાસ વધુ વેગવંતો બની શકે. ત્રિકમદાસજી મહારાજ દરરોજ ગોવર્ધન પર્વતની મુલાકાત લે છે અને ત્યાં દરરોજ કરવામાં આવતા નાના-મોટા કામોની રૂબરૂ ચકાસણી કરે છે.


વિશ્વની મહાનત્તમ સંસ્કૃતિઓમાંની એક એવી ભારતીય સંસ્કૃતિ ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ સભ્યતા તરીકે જાણીતી હતી. પ્રાચીન ભારતીય સભ્યતામાં પર્યાવરણ અને મનુષ્યો વચ્ચે એક સંતુલિત સંબંધ સ્થપાયેલ હતો. માત્ર એટલું જ નહીં તેની યોગ્ય જાળવણી થાય તે માટે લોકોમાં જાગૃતિ પણ હતી. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે જળવાય રહે તે માટે પ્રકૃતિનું વિભાજન કરી દિશા નિર્દેશોે પણ બનાવાયા હતા.
પ્રકૃતિ અને સંસ્કૃતિ અને ધર્મ નું ઉત્તમ ઉદાહરણ એટલે ગોવર્ધન પર્વત
સંતશ્રી ત્રિકમદાસજી મહારાજ ની નવી જનરેશન ને પર્યાવરણ તરફ લઈ જવાનું ઉત્તમ ઉદાહરણ એટલે ગોવર્ધન પર્વત
પી.એમ .શ્રી નરેન્દ્રભાઇ મોદી ને પણ આ જાણ થતાં 1 કલાક સુધી તેમની સાથે ગોષ્ઠિ કરી અને ભુજીયા ડુંગર (શહીદ સ્મૃતિવન ભુજ) ને પણ લીલોછમ બનાવવા અપીલ કરી .... અને સંતશ્રી ત્રિકમદાસજી (રતનાલ)અને તેમના અનુયાયીઓ દ્વારા આ કામ ને ખુબજ સારી રીતે થઈ રહ્યું છે .
સંતશ્રી ના ચરણો માં વંદન.......

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )