કોંકણ રેલવે (યાદગાર મુસાફરી)

મુંબઈથી ગાડી આવે રે….ઓ દરિયા લાલા


આજે તમે વરસાદી ઋતુમાં ગોવા કે પછી કેરલનાં પ્રવાસે જવાનું વિચારતા હો તો ટ્રાવેલ એજન્સીનાં મિત્રો તમને હવાઈ કે બસ પ્રવાસનાં બદલે રેલ પ્રવાસ પસંદ કરવાનું સૂચન કરે છે અને તેનું કારણ ‘કોંકણ રેલવે’ ની યાદગાર મુસાફરી છે. કેવળ ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી પડી છે એ કોંકણ રેલવે આપણા દેશનું ગૌરવ છે. રત્નાગીરીનાં ગાઢ જંગલોમાંથી પસાર થતી ટ્રેન લીલીછમ વનરાજીનાં દર્શન કરાવે છે તો ટ્રેનની બારીમાંથી નજરે પડતો ગોવાનો નયન રમ્ય દરિયા કાંઠો તમને પાણીમાં છબછબીયા કરાવતો હોય તેવું લાગે છે. પર્વતોનાં બોગદા વટાવીને બહાર આવતી રેલગાડી તરત જ ઊંડી ખીણ ઉપરનાં પુલ ઉપરથી પસાર થતી હોય ત્યારે અનુભવાતો રોમાંચ કોઈ રોલર કોસ્ટરથી કમ નથી લાગતો. ચોમાસાની ઋતુમાં તો પહાડોમાંથી વહેતાં ઝરણાં અને ધોધની ઝરમરો ટ્રેનની બારીમાંથી પ્રવેશી ચહેરાને ભીંજવી નાંખે છે. રસ્તામાં આવતાં અનેક નયનરમ્ય દ્રશ્યો આપણને હંમેશાં યાદ અપાવતા રહે છે કે સુંદરતા માણવા માટે આપણા દેશમાં પણ કંઈ ઓછા સ્થળો નથી.

૧૯૯૮નાં પ્રજાસત્તાક દિને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને સૌથી ટૂંકા અંતરે જોડી આપતા આ અતિ રમણીય અને મનોરમ્ય એવા અનોખા રેલરૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભારતને આવી અજોડ રેલવેની ભેટ આપનાર શિલ્પીનું નામ છે : ઇ.શ્રીધરન…૧૨ જૂન ૧૯૩૨નાં રોજ કેરલમાં જન્મેલા તથા બાસીલ મીશન સ્કૂલ અને વિક્ટોરીયા કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર શ્રીધરનને મેટ્રો મેન તરીકે ઓળખવામાં આવે છે. (ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આણનાર કમિશનર ટી.એન. શેષાન તેમનાં સહપાઠી હતાં) કારણ કે તેમણે કોલકાતા, દિલ્હી, કોચી તથા લખનૌ જેવી મેટ્રો ટ્રેન સિસ્ટમ વિકસાવીને ભારતીય રેલવેને વિશ્વ સ્તરીય સન્માન અપાવ્યું છે.

તેઓ ૧૯૫૩માં એન્જિનિયર તરીકે દક્ષિણ રેલવેમાં જોડાયા. ૧૯૬૪માં તામિલનાડુમાં ત્રાટકેલા દરિયાઈ વાવાઝોડાનાં કારણે તબાહ થઈ ચૂકેલા પામ્પન રેલવે બ્રિજના સમારકામની અઘરી જવાબદારી તેમને સોંપવામાં આવી. આ કામગીરી માટે ૬ મહિના ફાળવવામાં આવ્યા હતા, પરંતુ શ્રીધરન અને તેમનાં સાથીદારોએ કેવળ ૪૬ દિવસમાં જ સમારકામ પૂર્ણ કરી બતાવ્યું. તેમને આ પ્રશંસનીય કામગીરી માટે રેલવે તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

તેમને ૧૯૭૦માં ભારતમાં સર્વપ્રથમ વાર શરૂ થઈ રહેલી કોલકાતા મેટ્રો રેલવેનું કામ સોંપવામાં આવ્યું. તેમણે એ કામ સફળતાપૂર્વક પૂરંુ કરી ભારતમાં મોડર્ન ઈન્ફાસ્ટ્રકચર એન્જિનિયરિંગનો પાયો નાંખ્યો. ૧૯૯૭માં તેમને દિલ્હી મેટ્રોનાં નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું. એ કાર્ય પણ તેમણે નિશ્ચિત અવધિ અને સોંપેલ બજેટમાં પૂરંુ કરી બતાવ્યું. તેમને કોચી મેટ્રો રેલવેનાં મુખ્ય સલાહકાર તરીકે પણ નીમવામાં આવ્યા હતા. પોતાનાં કામમાં કોઈપણ પ્રકારનાં રાજકીય હસ્તક્ષેપને નહીં ચલાવી લેવાની ટેવ ધરાવતાં શ્રીધરનને શરૂઆતમાં થોડી અડચણો તો નડી પણ તેમણે મક્કમતાથી એ વિવાદસ્પદ પ્રોજેક્ટને પણ સફળ રીતે પૂરો કરી દીધો હતો. એ પ્રોજેક્ટ આજે પણ તેનાં વર્ટીકલ ગાર્ડનિંગ, સોલાર પાવરનો ઉપયોગ, વ્યંઢળ તથા પરદેશી કારીગરોની સામેલગીરી અને અજોડ કંટ્રોલ સિસ્ટમ જેવી અનેક વિશેષતાઓ માટે જાણીતો છે. તેમને કોચી મેટ્રો તૈયાર કરવા માટે ૪ વર્ષ લાગ્યા હતા, પરંતુ તેમાં થયેલા અનુભવોનો ઉપયોગ કરીને તેમણે એ પછી કેવળ ૨ વર્ષ અને ૯ માસમાં જ લખનૌ મેટ્રો પ્રોજેક્ટ પૂરો કરી દીધો. ગૌરવની વાત એ છે કે આ પ્રોજેક્ટ આજ દિન સુધીનાં મેટ્રો રેલવેનાં ઇતિહાસનો વિશ્વમાં સહુથી વધુ ઝડપે પૂર્ણ થયેલો પ્રોજેક્ટ ગણાય છે.

વર્ષ ૧૯૭૯માં મરણતોલ હાલતમાં પડી રહેલાં કોચી શીપ યાર્ડને પુર્નજીવિત કરવાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી અને તેમણે ‘યોગ્ય સમયે યોગ્ય નિર્ણય તથા યોગ્ય કામ ઉપર યોગ્ય વ્યક્તિ’ નો સિદ્ધાંત અપનાવી ‘રાની પદ્મીની’ જહાજનું નિર્માણ કરી બતાવ્યું. કોચી શીપ યાર્ડમાં તૈયાર થયેલું એ સર્વપ્રથમ જહાજ હતું.

ભારતીય રેલવે તંત્રનાં અનેક ઉચ્ચ હોદાઓ ઉપર ફરજા બજાવ્યા બાદ ૧૯૯૦માં તેઓ નિવૃત્ત થયા. જો કે સરકારે તેમની કુશળતાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખતા તેમને કોંકણ રેલવેનાં નિર્માણનું કામ સોંપ્યું. (તેમની પસંદગી તાજેતરમાં જ અવસાન પામેલા તત્કાલિન રેલવે મંત્રી જયોર્જ ફર્નાન્ડિસે કરી હતી કારણ કે એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.)

આ પ્રોજેક્ટ તેની માળખાકીય વ્યવસ્થાઓ ઉપરાંત બીજી રેલ યોજનાઓથી અનેક રીતે અલગ પડતો હતો. રેલવે નિર્માણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ક્રીસ ટેરાન્ટે એવું લખ્યું છે કે, ‘કોંકણ રેલવે એ વિશ્વમાં સહુથી અઘરા ગણાતા રેલવે પ્રોજેક્ટસમાંનો એક છે.’ એન્ટિ કોલીસન ડિવાઈસ, સ્કાય બસ તથા રો-રો સુવિધા (બસ તથા ટ્રક જેવા વાહનોને રેલવે વેગનોમાં ચડાવીને લઈ જવાની સવલત. ૨૦૦૯ સુધીમાં આશરે ૧.૬ લાખ ટ્રકોનું વહન થયું અને રેલવેને ૧૨૦ કરોડની આવક થઈ.) એ આ રેલવે રૂટની વિશ્વ સ્તરીય વિશેષતાઓ છે.

કુલ ૭૬૦ કિ.મી.ને સમાવતો કોંકણ રેલવે પ્રોજેક્ટ અઘરો હોવાનું કારણ એ હતું કે તે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક જેવાં ત્રણ મહત્ત્વનાં રાજ્યોમાંથી પસાર થતો હતો. તેમાં દરિયાની સમાંતરે વિસ્તરેલી પર્વતીય હારમાળામાં કુલ ૮૨ કિ.મી. લાંબા બોગદાઓ કોતરવાના હતા અને ઊંડી ઊંડી ખીણો ઉપર ૧૫૦ પુલો પણ બાંધવાનાં હતાં. હવામાનની પ્રતિકૂળતા, પોચી જમીન તથા વરસાદનાં લીધે ધસી પડતી ભેખડોનાં કારણે રેલવે ટ્રેકનાં નિર્માણમાં અવારનવાર અડચણો આવતી રહી. શ્રીધરન અને તેમની ટીમે આ તમામ પ્રશ્નો સામે લડત આપી. તેમણે ભૂસ્ખલન ટાળવા માટે તારની વાડો લગાવી જો કે ૨૨ જૂન ૨૦૦૩માં અને ૧૬ જૂન ૨૦૦૪માં આ જ કારણસર બે રેલ અકસ્માત સર્જાતા બોલ્ડર નેટિંગ, રોક બોલ્ટિંગ, માઈક્રો પાઈલિંગ તથા સ્પીડ લીમીટિંગ થકી સુરક્ષા વ્યવસ્થાને વધારે અસરકારક બનાવી દેવામાં આવી હતી.

શ્રીધરને ત્રણ રાજ્યો અને તેમનાં ૭ જિલ્લાઓનાં વહીવટતંત્ર પાસેથી જમીન સંપાદન કરવામાં પણ ભારે કુનેહ દાખવી હતી. તેમણે પ્રોજેક્ટને જુદા જુદા વિભાગોમાં વહેંચીને પ્લાનિંગ અને મેનેજમેન્ટનાં વિશ્વગુરુઓની પ્રશંસાઓ મેળવી હતી. એ કાર્યમાં તેમણે ટાઈમ મેનેજમેન્ટની નવી જ પદ્ધતિ ગણાતી રીવર્સ કલોકનો ઉપયોગ શરૂ કર્યો. તેમણે ટીમનાં સભ્યોને કામ કરવામાં કેટલો સમય ખર્ચાયો એ તરફ લક્ષ નહીં આપતાં કામ પૂરંુ કરવા માટે હવે કેટલો સમય બચ્યો છે તેની ઉપર લક્ષ આપતા શીખવ્યું અને તેનાં લીધે એ લગભગ અશક્ય ગણાતો પ્રોજેક્ટ કેવળ ૫ વર્ષનાં ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શક્યો.

રેલવે નિર્માણનાં ક્ષેત્રે આપેલા આવા અજોડ યોગદાન બદલ શ્રીધરનને ભારત સરકારે પદ્મ વિભૂષણ તથા પદ્મ શ્રી જેવા શ્રેષ્ઠ ખિતાબોથી નવાજ્યા છે. તેમની સિદ્ધિઓની નોંધ લેતાં યુનોના જનરલ સેક્રેટરી બાન કી મૂને ૨૦૧૫માં તેમને વાહનવ્યવહાર માટેની અતિ ઉચ્ચ સ્તરીય સમિતિમાં સલાહકાર તરીકેની નિમણૂક આપી છે. ૨૦૦૩માં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને તેમને ‘હીરો ઓફ ધી એશિયા’ ગણાવીને માન આપ્યું હતું તો ફ્રાન્સની સરકારે પણ ૨૦૦૫માં sh
એવોર્ડથી તેમનું સન્માન કર્યું હતું. આવા શ્રીધરને શત સલામ.
Courtesy Naresh Aniruddha Baxi
Many thanks.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )