ગીરનો પ્રવાસ :- સીમા મહેતા

આ પોસ્ટ લખવાનો હેતુ ખબર નથી. કહેવાય છે કે ખુશીઓ વધારવી હોય તો એને શેર કરાય. બસ એ કારણે કદાચ આટલું લખી શકાયું....
2019માં અલગ અલગ સમયે કુલ ત્રણ વખત ગીરનો પ્રવાસ કર્યો, અને દરેક વખતે ગીર અલગ સ્વરૂપે જોવા મળી. જાન્યુઆરીમાં, એપ્રિલમાં અને છેલ્લે નવેમ્બરમાં. પણ આ છેલ્લી વખતની ટ્રીપ એટલે ભવ્ય રહી કે આ વખતે હજી ચોમાસુ પાછલા મહિને જ પૂરું થયું. એટલે ગીરમાં અત્યારે જે વનરાઈ ખીલી છે, તે બેજોડ છે.
પહેલા બે પ્રવાસ વખતે અવઢવમાં હતા કે ગીરમાં ક્યાં જવું અને શું જોવું? પણ આ વખતે બિલકુલ ક્લિયર હતા કે ગીરમાં શા માટે જવું છે. પહેલી બે વખત મોટાભાગના ટુરિસ્ટોની જેમ સિંહ દર્શનની ઉત્કંઠા હતી. જેમાં જાન્યુઆરીના પ્રવાસમાં અનાયાસ જ એક સિંહણ જોવા મળી ગયેલ. અને એપ્રિલના પ્રવાસમાં ગીરની ગરમી માણીને જ સંતોષ લેવો પડેલો. પરંતુ આ વખતે દિમાગ સાફ જ હતું કે ગીરમાં બસ પ્રકૃતિનો આનંદ માણવા જવું છે.
પચ્ચીસ નવેમ્બરની વહેલી સવારે 6 વાગ્યે બે મોટા વાહનમાં અમારો કાફલો રવાના થયો. નાના-મોટા મળીને કુલ 18 સભ્યો હતા. અમારું પહેલું રાત્રી રોકાણ હતું સાસણમાં દેવળીયા સફારી પાર્કથી 500 મીટરની રેન્જમાં આવેલ એક ફાર્મ હાઉસ.
પોરબંદરથી જૂનાગઢ તરફના રસ્તે પડ્યા. વચ્ચે સવારે સાતેક વાગ્યે સરાડીયા ગામે નાસ્તો કરવા સ્ટોપ કર્યો. અને આગળ જતા વંથળીથી મેંદરડા તરફનો રુટ લીધો. ત્યાંથી ફળ અને બીજી ખરીદી કરી. 2019માં કરેલા ત્રણ પ્રવાસોના અનુભવે એક વાત કહી શકું કે આપણી બાજુ શહેરમાં મળતા ફળ કરતા ગીરના ફળો અલગ હોય છે. આકાર અને સ્વાદમાં પણ ચડિયાતા હોય છે.
કોઈ પણ જાતની ઉતાવળ વગર અમે આશરે 145 કિમીનું અંતર કાપીને લગભગ સાડા દસ વાગ્યે દેવળીયા સફારી પાર્ક પહોંચ્યા. અમારો ઉતારો જ્યાં નક્કી કરેલ હતો તે ભાઈ કે જે એપ્રિલ મહિનાની ટ્રીપથી હવે લગભગ કૌટુંબિક મિત્ર જેવા બની ગયા છે, તેઓ અમને ત્યાં પીકઅપ કરવા આવ્યા. વેકેશન પૂરું થઇ ગયું હોવાથી અત્યારે સાસણ ગીરમાં પ્રવાસીઓ નહિવત આવે છે. એ હિસાબે આખા રિસોર્ટમાં રાત્રી રોકાણ વાળા અમે એક જ હતા.
રિસોર્ટમાં પગ મુકતા જ આહલાદક વાતાવરણ મને ઘેરી વળ્યું. અમારા ચાર કોટેજ તૈયાર હતા. પણ છતાંય કોટેજમાં બેસવાના બદલે બહાર આંબાના ઝાડ નીચે ખાટલા અને હીંચકા પર બેસવાનું વધુ પસંદ કર્યું. અમારી ઈચ્છા તરત જ ફરવા નીકળી જવાની હતી. પણ અમને ગાઈડ કરનાર ભાઈએ સલાહ આપી કે જમીને પછી નીકળવાથી ફાયદો એ રહેશે કે ફરીથી જમવા માટે ધક્કો ન થાય, અને સાંજ સુધી ગમે ત્યાં ફરી શકાય.
અગિયારેક વાગ્યે સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા. અને પાણી ટાઢુંબોળ હોવા છતાં એક કલાક સુધી નહાતા રહ્યા. કદાચ એ ગીરના પાણીની અસર હશે. વગર શેમ્પૂએ વાળ શેમ્પુ કર્યા હોય એનાથી ય વધારે સુવાળા બની જાય. નહાઈને કપડાં ચેન્જ કર્યા, તો પણ બાળકો સ્વિમિંગ પૂલની બહાર નીકળવાનું નામ નહોતું લઇ રહ્યા.
સાડા બારેક વાગ્યે વાંસની બનાવેલી મોટી ઝૂંપડીમાં જમવા બેઠા. મેં રસોડાની મુલાકાત લીધી. એક મોટી ઉંમરના બહેન અને એક મારા જેવડી જ છોકરી ચૂલા પર રોટલા-રોટલી બનાવી રહ્યા હતા.
ઘણા સમય પછી ચૂલાની રસોઈ ખાધી. રીંગણનો ઓળો, સેવ-ટમેટા, અને ગુવાર બટાકા એમ ત્રણ શાક, રોટલા-રોટલી, છાશ, પાપડ, સલાડ, અથાણું દાળ, ભાત અને છેલ્લે ગોળ ઘી... એ વાતાવરણની અસર હોય, ખુલ્લા પાણીમાં નહાવાથી ભૂખ લાગી હોય કે જે કારણ હોય એ પણ સવારે વણેલા-જલેબી ખાધા હોવા છતાં અમે રોજ કરતા વધુ ખાઈ ગયા.
જમ્યા પછી ફરવા જવાનું ભુલાઈ જ ગયું. આંબાના ઝાડ નીચે ખાટલા અને હીચકામાં બેઠા બેઠા એમ જ થયું કે ભાડમાં જાય બધું. બસ અહીંથી ક્યાંય ખસવું જ નથી. પવન ઓછો હતો. પણ શિયાળાની અસર અને ત્યાં વૃક્ષોને સતત પાણી પીવડાવવામાં આવતું હોવાથી આહલાદક ઠંડક હતી. વચ્ચે ક્યારેક લહેરખી આવી જાય તો આંબાના પાન જાણે વીંઝણો વીંઝતા હોય એવી અનુભૂતિ થઇ આવતી. ક્યારે આંખો ઘેરાઈ ગઈ તે ખ્યાલ જ ન રહ્યો.
મને કોઈએ ઢંઢોળીને જગાડી, અઢી વાગી ગયા હતા અને અમારા મિત્ર કમ ગાઈડ અમને ફરવા લઇ જવા માટે તૈયાર ઉભા હતા. ફટાફટ મ્હોં ધોઈ ને ચા પીધી અને ક્યાં જવાનું છે તે પૂછ્યા વગર અમે કારમાં સવાર થયા. અમારી એક કારનું ડ્રાઇવિંગ પેલા ગાઈડે જ હાથમાં લીધું, અને અમે રસ્તે પડ્યા.
એ ભાઈ અમને જે પહેલા સ્થળે લઇ ગયા એ સ્થળે જવા માટેનો રસ્તો જ એવો સાંકડો અને ભયાવહ હતો કે એક નાની કાર પણ માંડ પસાર થઇ શકે. બે વખત એવું બન્યું કે હરણે કૂદકો મારીને એ સાંકડો રસ્તો અમારી કારથી લગભગ ત્રણેક મીટર આગળથી પસાર કર્યો. વેગ એવો કે આંખના પલકારામાં પસાર થઇ જાય. રસ્તામાં એક જગ્યા થોડી પહોળી હતી ત્યાં અમને નીચે ઉતાર્યા અને ત્યાંની બોરડીમાં ઉગતા કાળા રંગના બોર ચખાડયા.
એ વિકટ રસ્તો પસાર કરીને અમે જે જગ્યાએ પહોંચ્યા તે સ્થળનું નામ દેવ-વીરડો હતું. ત્યાં ખોડિયાર માતાનું મંદિર છે. અને ત્યાંથી આગળ રસ્તો નથી. અરે કેડી પણ નથી. આગળ જવું હોય તો ગીચ જંગલમાં ચાલીને જવું પડે.
પણ અમે ઉભા હતા એ સ્થળ જ એવું શાંત, વિરાન અને ભેંકાર ભાસતું હતું કે ત્યાંથી હવે આગળ જવાનું તો વિચારી શકાય તેમ જ નહોતું. આટલી નીરવ શાંતિ મેં ભાગ્યે જ કોઈ જગ્યાએ જોઈ હશે. અમારી ડાબી તરફ અસંખ્ય મોર અને જંગલી સુવર આંટા મારી રહ્યા હતા. ત્યાં એક વીરડો છે, જ્યાં ક્યારેય પાણી સુકાતું નથી. બે દિવસ પહેલા તે જગ્યાએ સિંહ પરિવારે પાણી પીવા ધામાં નાખેલા, એ પણ અમને જણાવ્યું.
એ સ્થળે થોડા ફોટા ખેંચીને અમે ત્યાંથી પાછા વળ્યાં. મેં કમલેશ્વર ડેમ જોવાની ઈચ્છા વ્યક્તિ કરી, પણ ફોરેસ્ટ ખાતાએ એ સ્થળને હમણાં સામાન્ય લોકો માટે બંધ કર્યું છે એ જાણવા મળ્યું. છતાં અમારી ઈચ્છા પુરી કરવા અમારા મિત્રે મધુવંતી ડેમ તરફ ગાડી વાળી.
અદભુત દ્રશ્યો હતા. અમે ખુબ ઊંચાઈએ હતા, એક તરફ મધુવંતી ડેમ અને બીજી તરફ નીચાણમાં દૂર દૂર સુધી ફેલાયેલ ગીરનું ગીચ જંગલ. ત્યાં કુદરતે ઠાંસી ઠાંસીને સૌંદર્ય ભર્યું છે. એ દ્રશ્યોને પહેલા આંખોમાં ભરી પછી કેમેરામાં કેદ કરીને અમે પાછા વળ્યાં.
અમારા ગાઈડ મિત્ર અમને પોતાના ફાર્મ હાઉસ પર લઇ ગયા. ત્યાં વળી અલગ પ્રકારના દ્રશ્યો હતા. જંગલ વચ્ચે પાક્કા એ.સી રૂમ, હીંચકા, વૃક્ષો અને ટેન્ટ હાઉસ. બાજુમાંથી જ મધુવંતી નદીનું પાણી ખળખળ વહી રહ્યું હતું.એ જોઈને બે ઘડી અફસોસ થયો કે અમે અહીંયા રાત્રી રોકાણનું કેમ ન ગોઠવ્યું? અમારો અફસોસ જઈને અમારા રૂટમાં નહોતું તો પણ બીજી રાત્રી ત્યાં રોકાવી છે તેવું ફટાફટ નક્કી થયું.
ત્યાં ચા પાણી પીધા ત્યારે સાંજના છ જેવો સમય થઇ ગયેલો. અમારે દેવળીયા સફારી પાર્ક તરફ જતું ફોરેસ્ટ નાકુ સાંજે સાત સુધીમાં પસાર કરવાનું હતું. એ પછી પ્રવેશ નિષેધ છે. પરંતુ અમારા ગાઈડ મિત્રે અમને નવી ઓફર આપી કે હું તમને જન્ગલની વચ્ચે નેસડામાંથી પસાર થતા રસ્તે લઇ જઈશ, અને ત્યાં ચા પાણી પીશું તથા નેસડાનું જીવન કેવું હોય એ પણ બતાવીશ.
અમે આનંદથી ઉછળી પડ્યા. આ એક અણમોલ લ્હાવો હતો, જે ત્યાંના લોકલ વ્યક્તિની મદદ વગર શક્ય નહોતો. અમારો ગાઈડ મિત્ર અમારી સાથે રહેલ પુરુષો સામે સૂચક દ્રષ્ટિએ જોઈને ખંધુ હસ્યો. અને અમારા જેન્ટસે પણ આંખો આંખોમાં કાંઈક મસલત કરી, જેનો અર્થ એ વખતે અમને ન સમજાયો.
ગીરમાં સાંજ વહેલી ઢળી જાય છે. સાડા છ વાગ્યા હતા છતાં પુરેપુરો અંધકાર ગીર પર પથરાઈ ચુક્યો હતો. કાચા રસ્તા પર સલામત અને પેક વાહનમાં બેઠા હોવા છતાં કાંઈક ન સમજાય તેવો ભય લાગતો હતો. ચારે તરફ સુનકાર અને વાહનના અવાજ સાથે તમરાંનો અવાજ તથા સાંજે પોતપોતાના માળા તરફ પાછા ફરી રહેલ પક્ષીઓના અવાજ સિવાય ભેંકાર સન્નાટો છવાયેલો હતો. એ કાચા રસ્તા પર અર્ધો કલાક જેવો સમય ડ્રાઈવ કર્યા પછી અમને ડાબી તરફ લાઈટો દેખાઈ. એ એક નેસ હતો. વાહન એ બાજુ વળ્યાં.
વાહન ઉભું રાખીને અમારો મિત્ર અમને કારમાં જ બેસી રહેવાની સૂચના આપીને નેસ તરફ આગળ વધ્યો. ઉત્સુકતાથી અમે એને જોઈ રહ્યા. નેસમાંથી બે પુરુષો બહાર આવ્યા. અમારા મિત્રે એની સાથે પાંચેક મિનિટ વાત કરી. પેલા માલધારી એક તરફ હાથ બતાવીને કશુંક કહી રહ્યા હતા. વાત પુરી એટલે અમારો મિત્ર ઉતાવળા પગલે પાછો આવ્યો અને અમારું વાહન ડ્રાઈવ કરવાના બદલે સૌથી આગળ જે પુરૂષોનું વાહન હતું એ તરફ ગયો. તેમની સાથે કાંઈક વાત કરીને એ કારમાં બેઠો અને એ કારનો ડ્રાઈવર અમારી કારમાં આવી ગયો. ગાઈડ મિત્રે પોતાની કાર સૌથી આગળ લીધી, અમને કાંઈ સમજાઈ નહોતું રહ્યું, પણ કાંઈક અકથ્ય રોમાંચ શરીરમાં વ્યાપી ગયેલો.
લગભગ દસેક મિનિટ કાર ચાલી હશે ને આગળ ચાલતી કાર ઉભી રહી. કારતક વદ ચૌદસના અંધકારે આખા વિસ્તારને પોતાના બાનમાં લઇ લીધો હતો. રસ્તાની બંને તરફ અઢી ત્રણ ફૂટની કુદરતી ઝાડીઓની દીવાલ હતી, અમારો ગાઈડ સાવચેત છતાં ઉતાવળા પગે અમારી પાસે આવ્યો, અને કહ્યું.
"હું જ્યા લાઈટ મારું ત્યાં કદાચ સાવજ(એ લોકો સિંહને 'સાવજ' કહીને જ સંબોધે છે) જોડકું જોવા મળશે. પણ કોઈએ જરાય અવાજ નથી કરવાનો. ફ્લેશ થાય તેવા કેમેરાથી કે મોબાઈલથી ફોટો પણ નથી પાડવાનો. બસ ચુપચાપ જોવાનું છે. શોર ન થાય એ તકેદારી રાખજો."
બાય ગોડ !! અમારા જીવ ઉછળીને ગળે આવી ગયેલા. આવા ભયાનક અંધકારમાં સિંહ જોવો એ એક કલ્પનાતીત વાત હતી. પેટમાં એક લાંબો ધ્રાસ્કો પડ્યો. અમે અગાઉથી રોમાંચિત થઈને અવાજ ન કરી બેસીએ એ માટે અમારાથી આ વાત છુપી રાખેલી.
અમારો મિત્ર પાછો કારમાં ગયો. અને કાર તદ્દન ધીમેથી આગળ વધારી, પણ બે જ મિનિટ ડ્રાઈવ કરીને પાછી બંધ કરી, હેડલાઇટ પણ ઓફ કરી. અમારી કારના ડ્રાઈવર કે જે અમારા કાકા જ હતા. તેઓએ પણ એમ જ કર્યું.
આગલી કારમાંથી ગાઈડ મિત્ર ઉતર્યો. એના હાથમાં શક્તિશાળી બેટરીવાળી ટોર્ચ હતી. તેણે કશીય પૂર્વભૂમિકા વગર અમારી ડાબી તરફ ઝાડીઓની અઢી ફૂટની દીવાલને પાર ટોર્ચનો દુધિયા શેરડો ફેંક્યો.
ત્રણથી ચાર સેકન્ડ એને લોકેશન મેળવતા લાગી. પછી ટૉર્ચનું ગોળાકાર વૃંદ પચ્ચીસેક મીટર દૂર એક મોટી ઊંચી કાળી છીપર પર પડ્યું.
એ દુધિયા પ્રકાશમાં પથ્થર ઉતરીને બીજી તરફ નિરાંત ચાલે સરકી રહેલ વનરાજની પીઠ અને પૂછડું માત્ર દેખાયા.(સાવજનું આ નેચર નથી. દીપડાની જેમ એ શરમાળ પ્રાણી નથી. કે ન તો એ માણસને જોઈને ઉભું થઈને ભાગે એવું પ્રાણી છે. પણ અંધકારમાં ય એને અમારી હાજરીની ગંધ આવી ગયેલ. અને ખાસ તો બેટરીનો પ્રકાશ થોડી સેકન્ડો માટે એની આસપાસ ઘૂમ્યો એ બાબત વનરાજને ખાસ પસંદ નહિ આવી હોય, એટલે એ પથ્થરની પાછળ ચાલી ગયા હશે. આ વાત અમારા ગાઈડ મિત્રે અમને ફાર્મ હાઉસે પહોંચીને કહેલી ) પણ એની પીઠ તથા પુંછડાનો એક સેકન્ડ જેટલો અણસાર ય અમને દુનિયાના સર્વોત્તમ દ્રશ્ય કરતા વધુ ગમ્યો.
ગાઈડ મિત્રે તરત જ બેટરી ઓફ કરી નાખી. હવે અમને ખબર હતી કે અમારાથી પચ્ચીસેક મીટર દૂર મોટા પથ્થરની પાછળ સાવજ બેડલું છે. પણ એ ત્યાંથી બહાર આવે તો થાય. થોડી થોડી વારે એક સેકન્ડ માટે ગાઈડ મિત્ર ત્યાં બેટરી મારતા રહ્યા. પણ કશીય હિલચાલ જણાઈ નહિ.
અમે ત્યાં નજર જમાવીને કલાકો સુધી બેસવા તૈયાર હતા. પણ મુસીબત હતી અંધારું....અમારી હાજરીનો અણસાર આવી ગયા યાદ વનરાજ આજુબાજુમાં ક્યાંય સરકી જાય તો અમને ખબર પડવાની નહોતી.
પરંતુ વિચાર્યું ન હોય તેવું અણધાર્યું બન્યું.
એક ફોરેસ્ટ ઓફિસર, કે જે કદાચ અમારી પાછળ જ આવી રહ્યો હશે. તેણે હળવે રહીને બાઈક અમારી કાર પાસે ઉભું રાખ્યું. અને અમારા ગાઈડ મિત્ર પાસે જઈને અમે ક્યાંથી આવી રહ્યા છીએ ને ક્યાં જય રહ્યા છીએ તે પૂછપરછ શરૂ કરી. અમારો ગાઈડ મિત્ર દેવળીયા સફારી પાર્કમાં ટ્રેકર રહી ચુક્યો હોવાથી એને એ ઓફિસર ઓળખી ગયો, તે કારણે સખત શબ્દોમાં તો નહિ પણ ફરિયાદસૂચક શબ્દોમાં કહ્યું કે આ રસ્તે આટલા લોકોને લઈને ન આવવું જોઈએ.
અમારા ગાઈડ મિત્રે અમારી ઓળખાણ પોતાના મહેમાન તરીકે આપીને કહ્યું કે અત્યારે દેવળીયા સફારી પાર્ક તરફ જતો રસ્તો બંધ થઇ ગયો હોય છે. જેથી આ રસ્તે મહેમાનોને ફાર્મ હાઉસે પહોચાડું છું.
ફોરેસ્ટ ઓફિસરે આછું હાસ્ય કરતા કહ્યું કે "બે છે, સવારથી અહીંયા આસપાસમાં ધામાં નાખ્યા છે. હું એને અંદરની તરફ હાંકી કાઢવા જ આ રસ્તા પર ફરું છું. એટલે મને મૂર્ખ બનાવવાનું રહેવા દ્યો."
અમારા ગાઈડે એક્ઝેટ લોકેશન બતાવ્યું. એટલે પેલો ઓફિસર ચમક્યો, અને કહ્યું "માફ કરજો, પણ લોકેશનની 50 મીટર આસપાસ હું તમને રહેવા ન દઈ શકું. તમે વહેલાસર અહીંથી રવાના થાઓ. "
હવે એમનો જે કોઈ રૂલ્સ હોય તે અમારે ફોલો કરવો જ પડે તેમ હતો. એટલે ન છૂટકે અમારે જવું પડે તેમ હતું. એ સ્થિતિ વધુ અફસોસજનક હતી કે આપણને ખ્યાલ હોય કે આપણી આસપાસ થોડે જ દૂર સાવજ જોડકું છે અને આપણે એને મન ભરીને જોઈ ન શકીયે.
ક-મને અમે ત્યાંથી રવાના થયા.
ફાર્મ હાઉસે પહોંચ્યા ત્યારે હજી માંડ આઠ વાગ્યા હશે, પણ અધરાત થઇ ગઈ હોય તેવું વાતાવરણ હતું. બપોરે પેટ ભરીને ખાધું હોવાથી ખાસ કાંઈ ભૂખ નહોતી તેથી ગાઇડને રિકવેસ્ટ કરીને રાત્રે અમે અમારા હાથે ત્યાં નાસ્તા જેવી રસોઈ કરી, ફિંગર ચિપ્સ, ખારી સીંગ, મેગી, છાશ અને થમ્સઅપનું કોમ્બિનેશન જંગલની અંદર ખુબ મોજ કરાવી ગયું. ખાધા પછી કેમ્પફાયરનો આનંદ લીધો.
બીજા દિવસની અમારી સફર લાંબી અને અઘરી હોઈ અમે દસેક વાગ્યે પોતપોતાના કોટેજમાં આવી ગયા. શિયાળની લારીઓ અને તમરાંના અવાજ રાત્રિને વધુ બિહામણી બનાવતા હતા. પથારીમાં પડતાવેંત જ આંખો ઘેરાઈ ગઈ.
* * * * * * * *
બીજા દિવસની અમારી સફર હતી ગીરના હાર્દ સમી જગ્યા બાણેજ અને કનકાઈ
બાણેજ અને કનકાઈ બંને સ્થળોએ જવા માટે સાસણથી 55 કિમિ દૂર જામવાળા ફોરેસ્ટ રેન્જની ચેકપોસ્ટથી અમારે એન્ટ્રી લેવી પડે તેમ હતી. સવારે સાત વાગ્યે ખાવાપીવાનો સમાન અને ફળ નાસ્તા સાથે અમારો કાફલો સાસણથી તલાલા રોડ પર ચડ્યો, ત્યારે ગીર નેશનલ પાર્કમાં જીપ્સી રાઈડ કરનારા લોકોને પણ જોયા. લગભગ સાડા આઠે અમે જામવાળા પહોંચ્યા ત્યારે વાતાવરણ ઠંડુ હતું, અને દિવસ માંડ ઉગ્યો હતો.
જંગલમાં એન્ટર ત્યાં પછી અમે પાછા એ રસ્તે આવવાના નહોતા, બાણેજ, કનકાઈ થઈને મેલડીઆઈ ચેકપોસ્ટથી સતાધાર થઈને પાછા સાસણ રાત સુધીમાં પહોંચવાનું હતું. પણ જામવાળા જઈએ ને જમજીર ધોધ ન જોઈએ તે કેમ બને? એટલે અમે જમજીર તરફ વળ્યાં.
જ્યાં સુધી વાહન જઈ શકે ત્યાંથી લગભગ 500+ મીટર ચાલીને જવાનું થાય છે. વાહન પાર્ક કર્યા ત્યાં જ જમજીરનો અવાજ આવવો શરૂ થઇ ગયેલો. આ વખતે ગીરમાં વરસાદ ખૂબ હોઈ જમજીર પોતાના સર્વોત્તમ ઉફાણ પર હતો. એ સ્થળનું વર્ણન કરવાના બદલે એના ફોટા જ સાથે મુક્યા છે. એથી વધુ સારી રીતે સમજી શકાશે. જો કે આનંદ લેવા માટે તો ત્યાં રૂબરૂ જ જવું પડે.
જમજીરથી પાછા ફર્યા. રસ્તામાં જામવાળાના પ્રખ્યાત પેંડા ખરીદ્યા અને દસેક વાગ્યે જામવાળા ફોરેસ્ટ રેન્જની ઓફિસે પહોંચ્યા. ત્યાં પરમિશન પાસ કઢાવીને હવે અમે ઓફિસીયલી એવા જંગલમાં હતા, જ્યાં પરવાનગી વગર જય શકાય નહિ.
આ હા હા....!! ગીરની સુંદરતા આ ચોમાસામાં પોતાના સર્વોત્તમ મુકામે હતી. પ્રકૃતિ જાણે સોળે શણગાર સજીને અમને સત્કારવા તૈયાર બેઠી હતી. લીલાછમ વૃક્ષો અને રસ્તાની બંને તરફ ઉગી નીકળેલ ઘૂંટણ જેટલું ઊંચું ઘાસ, અરે રસ્તાની બંને તરફ આ કોમળ ઘાસ ચરી રહેલ હરણના અર્ધા પગ પણ ઘાસમાં ડૂબી જતા હતા એટલું ગીચ ઘાસ હતું. વળી જે જગ્યાએ ઘાસ સુકાઈ ગયું હતું, તે સોનેરી રંગનું બનીને હવાની આછી લહેરખીઓથી ડોલીને ચમકી રહ્યું હતું.
જામવાળા ચેકપોસ્ટથી બાણેજ -કનકાઈ જ માટે 16 કિમિ જંગલમાં કાચા અને પથરાળ રસ્તા પર કાર ચલાવ્યા બાદ અમે છોડવળી ચેક પોસ્ટ પહોંચ્યા. અહીંથી જમણે જતો રસ્તો 8 કિમિ દૂર બાણેજ તરફ જાય છે. અને ડાબે જતો રસ્તો 12 કિમિ દૂર કનકાઈ તરફ જાય છે. અમે અમારી પરમીટ રિકંફર્મ કરાવીને પહેલા બાણેજ તરફ વળ્યાં.
હવે અમે ગીરના કોર એરિયામાં હતા. અહીં જંગલ વધુ ગાઢ હતું, એટલું ગાઢ કે ઘણી જગ્યાએ સૂર્યપ્રકાશ પણ નહોતો પહોંચી રહ્યો. ક્યાંક હરણના ટોળેટોળા જોવા મળતા, તો ક્યાંક હૂપાહૂપ કરતા કપિરાજ એક ઝાડથી બીજે ઝાડ કૂદી રહ્યા હતા. ક્યાંક સાબર તો ક્યાંક નીલગાય. પણ આ બધામાં એક વાત કોમન હતી કે આપણું વાહન પસાર થાય ત્યારે મોટાભાગના પ્રાણીઓ તીવ્ર ઉત્કંઠાથી આપણી સામે એકી રહે. હરણના મોં પર બાળક જેવી નિર્દોષતા અને આંખોમાં એવું ભોળપણ હોય કે આપણને નીચે ઉતરીને હાથ ફેરવવાનું અને નાના બચ્ચાઓને ખોળામાં લઈને વ્હાલ કરવાનું મન થઇ જાય. હા કપિરાજોનું કાંઈ નક્કી નહિ. એ તોફાની બારકસો રસ્તાની વચ્ચે ય બેઠા હોય. અને કારણ વગર દાંતિયા કરે.
8 કિલોમીટરનું ગાઢ, વિકટ અને ઘનઘોર જંગલ કાપીને અમે બાણેજ પહોંચ્યા.
મેં જોયેલ રળીયામણા સ્થળોમાં હું બાણેજને ટોપ પર મુકું છું. જાણે કોઈ પ્રાચીન ઋષિનો આશ્રમ હોય તેવું વાતાવરણ .. એક નાનકડી ખુલ્લી જગ્યામાં મોટી સાઈઝના બે હરણ આંટા મારી રહ્યા હતા. વાંદરા, મોર અને કાગડાઓના તો પાર નહિ. પણ વિશેષ ધ્યાન ખેંચે તેવું કાંઈ હોય તો એ હતા પાણીના રાજા આળસુના પીર એવા મગરભાઈ.....
અમે બેઠા હતા ત્યાં પાણીનું ઝરણું હતું. લંબાઈ તો છેક હિરણ નદીને મળે તેટલી, પણ પહોળાઈ અમારા બેસવાના સ્થાનેથી પચ્ચીસેક ફુટ હશે. સામે કાંઠે એટલે કે પચ્ચીસ ફુટ દૂર જ એક મોટા મગરભાઈ આરામ ફરમાવી રહ્યા હતા. પાણીમાં અસંખ્ય માછલીઓ પોતાના વિવિધ આકાર અને રંગો સહીત એ ઝરણાને વધુ સુંદરતા અર્પી રહી હતી.
એમાંય પુજારીજીએ અમને ત્યાં રસોઈ બનાવવાની છૂટ આપી, પછી તો પૂછવું જ શું? અમારી પાસે કાચા સામાનમાં મેગી અને ચણાનો લોટ હતો. તરત જ મેગી બાફવા મૂકી અને ભજીયાની તૈયારી કરી. ચૂલા પર મેગી અને પછી ભજીયા બનાવ્યા, સાથે ફળો, જામવાળાના પેંડા, વેફર, કચોરી, માંડવીપાક, તલસાંકળી, અને છાશ. કોમ્બિનેશન ભલે વિચિત્ર હતું, પણ જાતે બનાવીને વનભોજન કરવાની એ તક જીવનની શ્રેષ્ઠ પળોમાંની એક પળ હતી.
મજાક, મસ્તી, ધમાલ કરવાની સાથે અમે આસપાસનું પ્લાસ્ટિક ભેગું કરીને એક મોટું બાચકું ભર્યું. અને અમારી કારમાં મૂક્યું . જે અમારે જંગલની બહાર ડસ્ટબીનમાં ફેંકવું હતું. આમ કરીને આ રીતે પ્રકૃતિની સેવા કરવાનું મિથ્યાભિમાન પણ તો જ લઇ શકાય ને !
લગભગ ત્રણ વાગ્યા સુધી અમે ગીરના આ હાર્દ સમા સ્થળે કુદરતની અજાયબીઓ જોઈ. પછી કમને ઉઠવું પડ્યું. કેમ કે સાંજે છ પહેલા અમારે ન માત્ર કનકાઇવાળી ચેકપોસ્ટ પસાર કરવાની હતી, બલ્કે સાસણ પહોંચતા પહેલા એક ચેકપોસ્ટ આવે છે ત્યાંથી પરવાનગી લેવાની હતી..
બાણેજથી પાછા છોળવળી ચેકપોસ્ટ આવ્યા. અને ત્યાંથી કનકાઈના માર્ગે ચડ્યા.
હવે જંગલની સાથે રસ્તો પણ ખરાબ હતો. રસ્તામાં ઠેર ઠેર પાણી હતા. એક જગ્યાએ ટેમ્પો લઈને નીકળેલા સાત આઠ વૃદ્ધોનો ટેમ્પો પાણીમાં ગયેલો. એને કાઢવા અમે બધાએ હાથ દીધો ને મદદ કરી હોવાનો ફાંકો મનમાં લઈને કનકાઈ પહોંચ્યા.
સવા ચાર જેવું થઇ ગયેલું. તડકાએ કુમાશ પકડી હતી. કનકાઈ ખાલી દર્શન કરી, પાણી પી અને અમે અમારી સતાધાર તરફ જતી છેલ્લી ચેક પોસ્ટ તરફ વાહન આગળ વધાર્યું।. અહીંયા રસ્તો ખુબ ખુબ ખુબ ખરાબ છે. નાના વાહનો લઈને જવું હિતાવહ નથી. રસ્તામાં બે ત્રણ જગ્યાએ વહેતુ પાણી પણ આવે છે.
રસ્તામાં એક જ નોંધપાત્ર .વાત બની.
ચેકપોસ્ટથી અમે હજી દૂર હોઈશું અને એક બાઈક સવારે અમને રોક્યા.
એ ફોરેસ્ટ ઓફિસર હતો. અમારી પાસેથી પરવાનગીના કાગળો માંગ્યા, ત્યાં સુધી બરાબર હતું, પણ પછી કારણ વગરની પૂછપરછ શરૂ કરી એટલે અમારું દિમાગ સત્તેજ થયું. અમે એમને સિંહ વિષે પૂછ્યું.
ઓફિસરે લુચ્ચું હસતા કહ્યું કે સાતેક મિનિટ પહેલા જ અહીંથી જંગલની અંદર ગયો છે. રસ્તા વચ્ચે બેઠો હતો. હું જ એને દોરીને લાવ્યો છું. ઇલાકો અહીં પૂરો થતા એ જંગલમાં ઉતરી ગયો.
ગોટ ઈટ ! અમે ને સિંહ એકબીજાને ક્રોસ ન કરી શકીયે એ માટે અમને નિરર્થક દસેક મિનિટ રોક્યા હતા. ગુસ્સો તો ખુબ આવ્યો, પણ લાચાર હતા. છતાં એક વાત પોઇન્ટ કરી કે જ્યાં ફોરેસ્ટ ઓફિસર જંગલની વચ્ચે મુસાફરી કરવાના બદલે ઉભા હોય ત્યાં 100 મીટર આસપાસના એરિયામાં સિંહ હોવાની શક્યતા વધારે હોય.
ખૈર જે હોય તે, પણ બે દિવસમાં બે વખત અમારા અને સિંહ વચ્ચે સંતાકૂકડીની રમત થઇ, બે વખત અમને જોઈને સાવજ નાસી ગયો. ભૂતકાળમાં ચારણ કન્યાથી ભાગવું પડેલું. તો આ વખતે બ્રાહ્મણ કન્યા પાસે આબરૂ ન જાય એ માટે કદાચ વેળાસર નાસી ગયો હશે.
મેલડીઆઈ ચેકપોસ્ટ આવીને અમારા પેપર ત્યાં જમા કરાવ્યા અને ફરી અમે સાસણના રસ્તે પડ્યા. હવે થાક વર્તાતો હતો. આખો દિવસ જંગલના રસ્તે થડકા ખાઈ ખાઈને હવે શરીરના સાંધેસાંધા દુખતા હતા. મોબાઈલમાં કવરેજ આવતા જ અમે અમારો ઉતારો જે બીજા ફાર્મ હાઉસ પર રાખેલો ત્યાં ફોન કરીને અમે શું જમશું એ સૂચના આપી.
સતાધારથી સાસણનો રસ્તો હવે ભેંકાર ભાસતો હતો. કેમ કે છ વાગતામાં જ અંધકાર પથરાવાનો શરૂ થઇ ગયેલ. હવે કેમેરાથી ફોટા પાડી શકાતા નહોતા અને અમારામાં હોશ પણ નહોતી.
સાડા-સાત આસપાસ સાસણ પસાર કરીને ત્યાંથી દસ કિમિ દૂર આવેલા અમારા રિસોર્ટ પહોંચ્યા. અહીંયા કૉટેજના બદલે પાક્કા રૂમ હતા. પહોંચીને સીધું પથારીમાં પડતું મૂક્યું. અર્ધો કલાક થાક ઉતાર્યા પછી ન્હાયા અને ડાઇનિંગ રૂમમાં ગયા.
કઢી ખીચડી, ઓળા રોટલા, પરોઠા સેવ ટમેટા , છાશ પાપડ, સલાડ અને ગોળ-ઘીનું ચુરમુ ખાધા પછી બેસવાના ય હોશ નહતા.
નવ વાગતા સુધીમાં તો સાસણમાં અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું, અને અમારી આંખોના પોપચાં પર નિદ્રારાણીનું..........!
પડ્યા પથારીમાં, તે વહેલી પડે સવાર.
**
ગીરની વહેલી સવારનું ને એમાંય હેમંત ઋતુનું વર્ણન શબ્દમાં શક્ય નથી. એ ત્યાં જઈને જ માણવું પડે. સવારે જાગ્યા ત્યારે એકદમ ફ્રેશ લગતા હતા. બાકી બધાએ ચા પીધી જયારે અમે પાંચ છે એ ગીરની ભેંસનું દૂધ પીધું.
આજે અમારી સફરનો છેલ્લો દિવસ હતો અને આજનું અમારું લક્ષ્ય હતું તુલસીશ્યામ
તલાલા-જામવાળા, થોરડિગીર, ગીરગઢડા, ધોકડિયા અને નગડિયા જેવા ગામો પસાર કરીને અમે લગભગ અગ્યારેક વાગ્યે તુલસીશ્યામ પહોંચ્યા, રસ્તામાં નકરી હરિયાળી જ હરિયાળી, ક્યાંય સૂકું તણખલું ય જોવા ન મળે.
પહોચીને દર્શન કર્યા ત્યાં તો હરિહરની હાકલ પડી. સાદું છતાં સ્વાદિષ્ટ ખાણું લીધું. પછી બાજુમાં જ આવેલી ટેકરીના આશરે 400 જેટલા પગથિયાં ચડીને ત્યાં ઉપર આવેલા રૂક્ષ્મણી મંદિરે પહોંચ્યા. રસ્તામાં એ ટેકરી પર જ રાની પશુઓએ એક ગાયનું મારણ કરેલું, એ દ્રશ્ય જોઈ ન શકાયું. પણ એ ય કુદરતની ફૂડ ચેઇનનો એક ભાગ જ છે એમ મન મનાવીને અમે મા રુક્ષ્મણીનાં મંદિરના ભાગમાં જ બેઠા
અને એવો મસ્ત પવન આવતો હતો કે સાડા બાર વાગ્યે આખો મીચાઈ તે કોઈકે ઢંઢોળી ત્યારે ત્રણ વાગ્યે ખુલી
નીચે ઉતરીને ચા પીધી ને થોડું રખડ્યા ત્યાં ચાર વાગી ગયેલા. અહીંથી પોરબંદર આશરે 225 કિમિ થાય છે. એટલે ચારેક કાકનો રસ્તો ખરોજ, વળી બધાની ફરમાઈશ હતી કે રસ્તામાં કોઈ હોટેલમાં પંજાબી ખાવું છે એટલે અમારે પાંચેક કલાક તો ગણી જ લેવી પડે
ચાર વાગ્યે તુલસીશ્યામથી ધારી વિસાવદરના રસ્તે પડ્યા ત્યારે મન અકારણ ઉદાસ થઇ ગયું.
ગીરને કુદરતે બધું આપ્યું છે. કુદરતી સૌંદર્યથી લઈને એશિયાટિક સાવજથી લઈને ગૌરવવંતી નદીઓ સુધીનું બધું જ એટલે બધું જ, આ વર્ષની અમારી સફર આજે પુરી થતી હતી. પણ મને ગીર સાથે પ્રેમ થઇ ગયો છે. દુનિયામાં ફરવા જેવા હજારો સ્થળ હશે જ, પણ મારા માટે ગીર એક સંપૂર્ણ પેકેજ છે, જ્યાં મને ગમતી પ્રગાઢ શાંતી અને પ્રાકૃતિક સુંદરતા ઠાંસી ઠાંસીને ભરી છે. મારી કોઈ એક ઈચ્છા ભગવાન પૂછે તો મારે ગીરમાં જન્મીને પેલી "અકૂપાર" નોવેલની 'સાંસાઈ' ની જેમ ગીરની માટીમાં, ગીરના ખૂણેખૂણામાં રખડવું છે. ગીરની રાણી સાથે મિત્રતા કરવી છે. કોમળ હરણાંઓને મારા હાથે પાણી પાવું છે, ને સસલાઓને ઉંચકીને રમાડવા છે. ખંધા દીપડાઓને લાકડી લઈને ભગાડવા છે
ઓપ્સ !! આ બધા સ્વપ્ન જ રહેવાના છે, પણ રસ્તામાં ક્રિશ્ના-પાર્ક હોટેલમાં જમતા જમતા અને અહીં ઘરે પહોંચી ગયા પછી આ લખતી વખતે ય ગીરની વનરાઈ વારંવાર નજર સામે તાદશ્ય થઇ ઉઠે છે. મને લાગે છે ટૂંક સમયમાં ફરીથી ગીર જવું પડશે.
ખમ્મા ગયર ને

સાભાર :- સીમા મહેતા
https://m.facebook.com/story.php?story_fbid=1010510715961519&id=100010077991867

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )