નૈનીતાલ - ઉત્તરાખંડનું રમણીય સ્થળ

આમ તો નૈનીતાલ જવા માટે અમારે કોઈ ખાસ કારણ ન હતું. ભીડભર્યા એ પર્વતીય નગરમાં જવાનું આકર્ષણ થાય એવું અમારા માટે તો કંઈ નથી એમ કહું તો ચાલે, પણ બધાની માન્યતા એવી ન પણ હોય. નગરમાં અને આસપાસ હજુ ઘણું એવું સચવાયું છે કે ત્યાં જવાનું ખેંચાણ દરેકને રહે જ છે પણ અમારો હેતુ તો ત્યાં વસતા એક મિત્રને મળવાનો જ હતો, આ કારણે ત્યાંના કોઈ પ્રસિદ્ધ સ્થાનોની મુલાકાત અમે આ વેળા તો નહોતી લીધી..

આમ છતાં જે મિત્રો ત્યાં ગયા નથી પણ જવા માટે ઉત્સુક છે તેમને માટે કેટલીક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું.. આ વિશે થોડું તો મેં પ્રવાસ વખતે જ લખ્યું હતું એટલે પુનરાવર્તન નથી કરતો. જે મિત્રોને રસ હોય તેઓ મારી વોલ પર એક મહિનો પાછળ જશે તો એ પોસ્ટ મળી જશે.. એટલે આજે અહીં સામાન્ય રીતે બધાને ઉપયોગી થાય એવી માહિતી જ આપું છું..

પ્રવાસ જ્યારે લાંબો હોય ત્યારે ખર્ચની બાબતમાં કરકસર એ પહેલી જરૂરિયાત છે... હિમાલયમાં પણ હવે દિવસે દિવસે મોંઘવારી ખૂબ વધી રહી છે. જ્યાંને ત્યાં ગજવું ઠીક ઠીક હળવું થઈ જાય એવી સ્થિતિ છે. એમાંયે પ્રસિદ્ધ હીલ સ્ટેશનોની મુલાકાત લેતાં તો સાત વાર વિચાર કરવો પડે ! જો તમે અમારી જેમ બધું ચલાવી લેનાર અલગારી પ્રવાસી હો તો વાંધો ઓછો આવે પણ એ માટે કેટલીક સગવડો છોડવી પડે અને થોડું કઠણ થવું પડે.. પણ એનાથી પ્રવાસની મજાને કોઈ અસર થતી નથી..

નૈનીતાલ પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, ત્યાંથી નૈનીતાલ લગભગ પાંત્રીસ કિલોમિટર દૂર છે. આખો દિવસ અહીંથી બસ અને શેરીંગ વાહનો મળી રહે છે, જેમાં બેસી ફક્ત 40 કે 70 રૂપિયામાં નૈનીતાલ પહોંચી શકાય. કાઠગોદામ પહેલા હલ્દ્વાની શહેર આવે છે જે કાઠગોદામથી ફક્ત ચાર કિલોમિટર દૂર છે ત્યાં આખા પ્રદેશમાં ગમે ત્યાં જવા માટે બસ મળે છે. દિલ્હી, હરિદ્વાર, દહેરાદૂન કે મુનસ્યારી જેવા દૂરના સ્થાન માટેની બસ પણ અહીંથી મળશે. આ બન્ને શહેરોમાં રહેવાનું પણ નૈનીતાલ કરતા ત્રીજા ભાગનાં ખર્ચમાં બની શકે...

નૈનીતાલમાં એક સરસ અને આલીશાન ધર્મશાળા છે.. એકદમ સ્વચ્છ અને સગવડકારક. તેનું નામ છે `સાહ ધર્મશાળા´ તેમાં ફક્ત સો રૂપિયામાં વિશાળ ડબલ બેડ રૂમ મળે છે. ત્રણ બેડનો રૂમ ફક્ત દોઢસોમાં અને ડોર્મેટ્રી પણ છે. ફક્ત લૅટ્રીન અને બાથરૂમ રૂમમાં નહી પણ બહાર છે, પણ પુષ્કળ સંખ્યામાં હોવાથી રાહ જોવી પડતી નથી. કેન્ટીન પણ છે જ્યાં નાસ્તો ભોજન મળી રહે છે. અહીંથી ફક્ત પાંચ મિનિટ ચાલવાથી નૈનીતાલ ઝીલ પહોંચી જવાય છે. બસ સ્ટેશન તો એનાથી પણ ઓછું દૂર છે. આ ધર્મશાળા કાઠગોદામ રોડ ઉપર જ આવેલી છે. રૂમની સ્વચ્છતા કોઈ હોટલથી ઊતરતી નથી. બજેટ પ્રવાસ કરનાર અહીં રહીને ઘણી બચત કરી શકે છે. સામાન્ય હોટલ કે ગેસ્ટહાઉસમાં રૂમ માટે 600 થી 1000 ચૂકવવાનાં રહેશે. થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટલોની વાત અલગ..
ભોજન માટે પણ અનેક વિકલ્પ હાજર છે પણ એ બાબત વ્યક્તિની મરજી ઉપર આધાર રાખે છે..

નૈનીતાલમાં શું જોશો..?
આ સ્થળ એટલું પ્રસિદ્ધ છે કે તેના વિશે તો લગભગ બધા જાણતાં જ હોય. ઇન્ટરનેટ ઉપર પણ તેની પુષ્કળ માહિતી અને ફોટાઓ મળી રહે છે એટલે વધારે શું લખવું..?

એક વાત તો દરેકને માન્ય હશે કે, હિમાલયમાં તો પ્રકૃતિ જ સર્વવ્યાપી છે. પ્રથમ દર્શન તો તેનું જ હોય..! નાની મોટી અનેક પહાડીઓ વચ્ચે વસેલી આ નગરી પણ એ કારણે જ વિશ્વપ્રસિદ્ધ બની છે, એટલે જો એ પરિબળ માણવાનું ચૂકી જવાય તો અહીં આવવું જ વ્યર્થ ગણાય.. બાકી, ખાણીપીણી, રંગબેરંગી લાઈટો, ભવ્ય ઇમારતો અને રેશમી રસ્તાઓ તો અમદાવાદ કે મુંબઈમાં પણ મળશે જ..! જે તે સ્થળ જેના માટે પ્રસિદ્ધ હોય એ પરિબળ તો માણવું જ જોઈએ..

નૈનીતાલ એક સરોવર નગરી છે. અને એ સરોવરનું આકર્ષણ તો દરેકને હોવાનું જ. અહીં બોટિંગ થઈ શકે છે. જેમાં ક્યાકિંગ (બે વ્યક્તિ દ્વારા હલેસાથી ચાલતી હોડી) મોટરબોટ કે સઢવાળી હોડીમાં બેસીને સરોવરવિહારનો આનંદ લઈ શકાય છે. બાળકોને અહીં મજા પડશે..

ચારે તરફ ઊંચી ઊંચી ટેકરીઓથી ઘેરાયેલી આ સરોવરનગરીને પંખીની આંખે જોવાનો આનંદ અનોખો છે. એ માટે તમારે એકાદ ટેકરી તો ચડવી જ પડશે. ત્યાંથી નૈનીતાલનો સમગ્ર પરિવેશ તમને સ્તબ્ધ કરી દેશે.. અહીં ઉત્તરમાં આવેલી નૈના પીક સૌથી વધારે ઊંચાઈ ધરાવે છે. ત્યાં જવા માટે થોડે સુધી તો વાહન પણ મળી શકે છે પણ ખરી મજા તો ચાલી નાખવામાં જ હશે. સરોવરનાં ઉત્તર છેડેથી ગામમાં થઈને એક સરસ રસ્તો ત્યાં જાય છે. એ માર્ગે ચાલીને તમે તેના શિખરે ચડી શકશો. એ રીતે અહીંનું લોકજીવન અને મકાનોની રચના વગેરે જોઈ જાણી શકશો. વાહન રસ્તો અલગ છે. આ ટેકરી લગભગ અઢી હજાર મિટર ઊંચી છે પણ નૈનીતાલ પોતે બે હજાર મિટર ઊંચે આવેલું હોવાથી ફક્ત પાંચસો છસો મિટર જ ચડવાનું રહેશે. અહીં જતા હશો અને હવામાન અનુકૂળ હશે તો ઉત્તરમાં આવેલી બરફાચ્છાદિત પર્વતમાળાનાં સુંદર દર્શન થઈ શકશે. જેમાં નંદાદેવીથી કેદારનાથ સુધીનાં અનેક શિખરો જોઈ શકાશે. (એ માટે હિમાલયદર્શન નામનું સ્થાન આ માર્ગે જ આવે છે. ત્યાં વાહનમાં પણ જઈ શકાય છે) વહેલી સવારે વાતાવરણ મોટાભાગે સાફ હોય છે ત્યારે ત્યાં પહોંચીને સૂર્યોદયનો અદભૂત દેખાવ જોવાનું ચૂકશો નહી. દરેક પર્વતો સોનેરી રંગે ચમકી ઊઠશે.. જો કે આ બાબત નસીબ માથે આધાર રાખે છે ! હિમાલયમાં હવામાનનો કોઈ નેઠો હોતો જ નથી. આ ટેકરી પરથી જ ચીના પીક નામની ટેકરી પર પણ જઈ શકાશે. (કેટલાક લોકો ચાઈના પીક કહે છે પણ સાચું નામ ચીના પીક છે) આ એક સુંદર ટ્રેક થશે, જે તમે કોઈની મદદ વગર કરી શકશો. જિમ કોર્બેટે તેમના એક પુસ્તકમાં આ ટેકરી પરથી જોવા મળતાં દૃશ્યોનું સુંદર વર્ણન આપેલું છે...

અમારી પાસે ફક્ત એક દિવસનો સમય હોવા છતાં આખો દિવસ આ ટેકરીમાં રખડવાનો જ આનંદ લીધો હતો..! અહીં ચાલતાં ચાલતાં તમને હિમાલયનાં વિવિધ વૃક્ષોનો પરિચય પણ થશે. બાંઝ, ચીડ, પાંગર, બુરાંશ વગેરે. સિઝન હશે તો ચારે તરફ બુરાંશનાં લાલ લાલ ફૂલોથી પરિવેશ લચી પડતો હશે. પાંગરની સફેદ મંજરીથી વાતાવરણ મઘમઘતું હશે તો ચીડવનમાંથી પસાર થતાં એક અનોખી ફોરમ ઘેરી વળે. પંખીઓની વિવિધતા પણ એટલી જ જોવા મળશે તેની ઓળખ કરાવનાર કોઈ સાથે હશે તો એ આનંદ બેવડાઈ જશે. એક નાનું બાયનોક્યુલર સાથે જરૂર રાખજો. પહાડોની મુસાફરીમાં એ સાધન ખૂબ ઉપયોગી થાય છે..

પ્રવાસીઓ માટે અન્ય સ્થાનોમાં, સરોવર કાંઠે નૈનાદેવી મંદિર, બ્રિટિશ કાળનાં સુંદર મકાનો, સેન્ટ જહોન ચર્ચ, કૉલેજનું મકાન, જિમ કોર્બેટનું ઉનાળુ નિવાસસ્થાન, હિમાલયન ઝૂ વગેરે ખાસ જોવાલાયક છે. અહીં એક ટેકરી પર જવા માટે રોપ વે પણ છે..

અહીં એક વાત નોંધી રાખજો. આસપાસ જવા માટે તમે ટેક્ષી કરો તો ભાવતાલ જરૂર કરજો. ગાડીવાળો પહેલા તો લગભગ બમણું ભાડું કહેશે ! જેને તમે થોડી દલીલ કરીને ઠેકાણે લાવી જ શકશો.. સરોવર કાંઠે આવેલ ટુરિસ્ટ સહાયતા કેન્દ્રમાંથી પહેલા માહિતી મેળવી લેશો તો પ્રવાસ સરળ બની જશે..
નૈનીતાલ બારે મહિના જઈ શકાય છે પણ સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન વાતાવરણ ભારે ખુશનુમા હોય છે એવો મારો અનુભવ છે...

કાઠગોદામ ટ્રેનમાંથી વહેલી સવારે ઊતરીને અમે સીધા નૈનીતાલ ગયાં હતાં. એ દિવસ ત્યાં વિતાવીને બીજા દિવસે સવારે સાતતાલ પહોંચ્યા એનું વર્ણન હવે પછી આપીશ.

સાભાર

હસમુખ જોષી (હિમાલયના ભોમિયા)

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )