બીલેશ્વર મહાદેવ પોરબંદર
પોરબંદર પાસે બિલેશ્વર ગામે આવેલું 1300 વર્ષથી પણ વધુ પૌરાણિક બિલનાથ મહાદેવ મંદિર
પાંડવ કાળના શિવાલયનું અનેરૂં મહાત્મ્ય પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગ પર સવા લાખ કમળ ચડાવીને પુજાવિધી કરી હતી
પોરબંદરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા બિલેશ્વર ગામના બિલનાથ મહાદેવ મંદિર પ્રત્યે શિવભકતોને અનેરી શ્રધ્ધા છે. સ્વયંભૂ બિલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે ૧૩૦૦ વર્ષથી પણ વધુ જુનું અને પૌરાણિક છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તીના હેતુથી કરેલ હતી. પુત્ર પ્રાપ્તી માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગ પર સવા લાખ કમળ ચડાવી પુજા કરી હતી.
આ સમયે પૂજામાં શુધ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા. માટે અહીં બિલનાથ મહાદેવના શિવલીંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે. ઉપરાંતમાં પૂજનવિધી સમયે સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા. આ વરદાનથી ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઇ હતી.
બિલેશ્વર ગામમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે. ત્યાં અસંખ્ય બિલીપત્રના વૃક્ષો છે, ભકતો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે.
દરેક શિવ મંદિરમાં શિવની સમીપમાં જ નંદી મહારાજત બિરાજમાન હોય છે, જ્યારે અહીં નંદી શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે, અહીં નંદી મહારાજની કથા કંઇક અલગ અને અનોખી છે. એક સમયે મહમ્મદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતના શિવાલયો તોડવા નીકળી પડયા હતા. શિવ મંદિરો તોડતા તોડતા અહીં બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવના શિવાલયમાં લશ્કર પહોંચ્યું ત્યારે ભગવાન શિવે નંદીને આદેશ આપી કહ્યું કે, આ લશ્કરને તું અહીંથી ભગાડી દે ત્યારે નંદી બિલનાથ મહાદેવ પાસેથી દોડીને મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઇ બેસી જાય છે, ત્યાં બેસી મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર કાઢે છે અને આ ભમરાના ત્રાસથી મહમ્મદ ગઝની અને તેનું લશ્કર આ સ્થાનેથી પરત ભાગી જાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શ્રી બિલનાથ દાદાના શિવલીંગ પર ગંગાજળ તેમજ દૂધ ચડાવી દાદાને બિલીપત્ર અર્પણ કરે છે. આ સમયે દાદાને અવનવા શણગારો પણ કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન દ્વારા તિલક કરવામાં આવે છે.
Comments
Post a Comment