Rajkot hotel Real Urban Deck
તમારી પોતાની માલિકીની હોટેલ કે રેસ્ટોરન્ટમાં સો જણાનો સ્ટાફ હોય તો તમે જાતે વાસણ સાફ કરવા બેસો ખરા..!?
આજે એક એવા અદ્ભૂત વ્યક્તિની વાત કરવી છે જેની વિચારસરણી આપણા સૌના રોમેરોમમાં નવી ઉર્જાનો સંચાર કરે તેમ છે.
રતિભાઈ બુટાણી મૂળ જૂનાગઢના. ચાલીસેક વર્ષ પહેલાં કાળવા ચોકમાં કનૈયા પાન નામની તેમની નાનકડી કેબીન. માણસ કોઠાસૂઝવાળો અને મહેનતુ. તનતોડ મહેનત એનો સ્વભાવ. પ્રગતિ કરવી એ જીવનનું ધ્યેય. ધંધો જ જેનો જીવનમંત્ર બની ગયો હોય તેને કોણ રોકી શકે..!
પાનની સાથે સાથે દાબેલી અને વડાપાઉંની કેબીન પણ કરી. ગુણવત્તા અને સ્વાદ સાચવો પછી તો લોકો મધમાખીઓની જેમ ટોળે વળે. દાબેલીની લારીમાંથી દુકાન થઈ અને દુકાનમાંથી રેસ્ટોરન્ટ..!!!
આજે આ રતિભાઈ અને તેમના દીકરાઓએ એવી તો પ્રગતિ કરી છે કે વાત પુછોમાં. રીયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ, રીયલ ટેસ્ટ પીઝા(જૂનાગઢ), રીયલ ટેસ્ટ પીઝા(સુરત), રીયલ કેટરર્સ (જુનાગઢ) અને રીયલ અર્બન ડેક ધ રેસ્ટોકાફે(રાજકોટ). રસોઈનો આ રથ પ્રગતિના પથ પર સતત આગળ ધપ્યે જ જાય છે.
ગઇકાલે બપોરે FB ઉપર વજન ઘટાડવાની સૂફીયાણી સલાહ માગનારો અને શરીરની ચિંતા કરતી પોસ્ટ મુકનારો હું સાંજે જ ફેમેલી સાથે પહોંચી ગયો રાજકોટના પ્રસિદ્ધ કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક પાછળ આવેલ સૂખ્યાત 'રીયલ અર્બન ડેક રેસ્ટોકાફે'માં.
એક વ્યક્તિ દીઠ 299 રૂપિયા(5 થી 10 વર્ષના બાળકોના 199)માં 55+ અનલિમિટેડ આઈટમ પીરસનારું મારા ધ્યાનમાં આવેલું રાજકોટનું આ એક માત્ર રેસ્ટોરન્ટ છે. સાનંદ આશ્ચર્ય સાથે આનંદ આપે તેવું આ રેસ્ટોરન્ટ અનેક રીતે વિશિષ્ટ છે.
રોજના 400-500 માણસો જ્યાં જમવા ઉમટી પડે છે તેવા આ રેસ્ટોરન્ટમાં તમને વેલકમ ડ્રિન્ક્સથી લઈ છેક આઇસ્ક્રીમ સુધી લગભગ સિત્તેર ઉપરાંત ખાવાની ચીજવસ્તુ મળી રહે. ટોમેટો કે વેજીટેબલ સુપથી શરૂ થનારી સ્વાદ શોખીનોની આ યાત્રા વાયા અનેક પ્રકારના સ્ટાટરથી લઈ ઢગલાબંધ સલાડ (US pizza ટાઈપ), સ્ટીમ ઢોકળા, પાણીપુરી, ચાઈનીઝ ભેળ-નુડલ્સ-પાસ્તા, , ચાર-પાંચ પંજાબી શાક, રોટલી, નાન દાલફ્રાય, જીરા રાઈસ, ગુલાબ જાંબુ, સાઉથ ઇન્ડિયન (મસાલા ઢોસા), ગુજરાતી સાથે ત્રણેક પ્રકારના કોલ્ડ્રિન્ક્સ, છાસ-પાપડ-સલાડ,મુખવાસ પોપકોર્ન...
ઓહોહો... કેટલુંક યાદ રાખવું...!!!
જો તમે અલગ અલગ સ્વાદનો આસ્વાદ લેવા માગો છો, ખાવાના રસિયા છો, ભરપૂર સ્વાદિષ્ટ ખોરાકનો અનલિમિટેડ આનંદ માણવા માંગો છો... તો તમારે આ રેસ્ટોરન્ટની એકવાર મુલાકાત અવશ્ય લેવી રહી.
સ્વાદના બેતાઝ બાદશાહ એવા સંજયભાઈ,નીરવભાઈ, વિકાસ, જય, રોહિત,વિજયની મહેનત દાદ માગીલે તેવી તો ખરા જ... પણ આ રેસ્ટોરન્ટના માલિકો માનવતાવાદી પણ એવા જ. ઓછા માર્જિનથી વધુ ધંધો કેમ કરવો તે તેમની પાસેથી શીખવા જેવું ખરું. પાંચ હજાર કમાતા પોતાના પરિવારના અને અન્ય અનેક લોકોને પણ તેમણે મહિને પચાસ, સાઈઠ, સીત્તેર હજાર રૂપિયા કમાતા કરી દીધા છે. નીરવભાઈ કે તેમના પત્નિ અથવા તો નાનાભાઈ વિકાસને ખુદને તમે મેઈન ગેટ ઉપર ટોકન ઉઘરાવતા કે રસોડામાં વાસણ સાફ કરતા જુઓ તો અચરજ ન પામતા. કારણ કે અર્થ ટુ ડાઉન એવા નીરવભાઈ કહે છે કે જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારનો અહંકાર ન આવે તે માટે જાતને સતત જમીનથી જોડેલી રાખીએ છીએ. બાકી સો જણાનો સ્ટાફ ધરાવતા રેસ્ટોરન્ટના મલિક આપણને જોવા પણ ન મળે.
રોજેરોજ નવાનવા માણસોને મળવું, તેઓને એજ ઉમળકાથી સ્વાદ અને જમવાની ગુણવત્તા પૂછવી અને સારું જમાડ્યાનો સંતોષ માણવો તે જ જાણે કે આ લોકોનું જીવન.
"જાત મહેનત, ધંધાની ઝીણી સૂઝ, ગ્રાહકને પૂર્ણ સંતોષ, નીતિથી ધંધો કરવાની વડીલોની ગાઠે બંધાવેલી શીખ... આ બધી જ પોઝીટીવ બાબતોએ અમને સફળતાનાં શિખરો સર કરવામાં સહાય કરી છે." આવું કહેનારા નીરવભાઈ કહે છે કે અમે બહુ ભણ્યા નથી પણ ભણેલાને ભાડે રાખતા શીખ્યા છીએ.
મેનેજર નહિ, મલિક બનો...
એ થિયરીને જીવનમાં અપનાવી કેટરસ અને રેસ્ટોરન્ટની દુનિયામાં રાજકોટ, જૂનાગઢ, સુરત સુધી પોતાનો ડંકો વગાડનારા આ યુવાનો પાસેથી બેરોજગાર યુવાનોએ ઘણું શીખવા જેવું છે.
સ્વાદના શોખીન માણસોની નાડ પરખતા તમે શીખી જાઓ તો ચોક્કસ સફળતા મળે જ. એવું ગાઈ વગાડી કહેનારા આ બુટાણી પરિવાર પાસેથી દરેક ક્ષેત્રના લોકોએ સફળ કેમ થવું તેની પ્રેરણા લેવા જેવી ખરી.
લેખન -સુનીલ જાદવ
Comments
Post a Comment