વછરાજ બેટ, કચ્છના નાના રણના વાછરા ડાડા

 કચ્છના નાના રણમાં આવેલ: વચ્છરાજ બેટ



 કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ બેટ એક આસ્થાનું કેન્દ્ર છે અને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે.વચ્છરાજ બેટ એટલે રણ વચ્ચે મીઠી વીરડી સમાન છે.વચ્છરાજ બેટ નામ એટલે પડ્યું ત્યાં ક્ષત્રિય કુલભૂષણ ગૌ સેવક લોકનાયક શહીદ લોકદેવતા વચ્છરાજ દાદા જેમને વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમણે ગાયો માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા અને ગાયોની રક્ષા કરી હતી વચ્છરાજ દાદાનો પાળિયો આજે પણ અડીખમ ઉભો છે અને દેશ વિદેશથી લોકો દાદાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે.

વચ્છરાજ દાદાનો જન્મ  કાલરી ગામમાં હાથીજી સોલંકી ને ત્યાં પ્રથમ સંતાન તરીકે વિક્રમ સંવત ૧૧૧૭ ના ચૈત્ર સુદ સાતમ ને સોમવારે ઈસ ૧૦૬૧ મા માતા કેસરબાઈ ની કૂખે ઈશ્વરીય અંશાવતાર ગૌ સેવક વીર વચ્છરાજ દાદા અવતર્યા હતા. નાનપણ થી જ દાદાને ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો વચ્છરાજ દાદાના લગ્ન કુવરગામના સતી પુનાદે સાથે વેવિશાળ અને વિવાહ થાય છે પરંતું ત્રીજા ફેરા ચોરીમાં ફરે તે પેલા જ સમાચાર મળે છે કે કુંવર ગામની ગાયોના ધણ ને લુંટારા લઈ ગયા છે અને વચ્છરાજ દાદા તરત જ ચોરી એ થી ઉતરી ને દાદા ગાયો બચાવવા માટે હાથમાં શિહોરી તલવાર અને રતન ઘોડી લઈ ને નીકળી પડે છે અને દુશ્મનોને મારી ને ગાયો પાછી વાળીને દાદા આવે છે અને ત્રીજા ફેરાની તૈયારી કરે છે ત્યાં કુંવરગામના વિધવા ચારણઆઈ દેવલબાનો વિલાપભર્યો સુર સંભળાયો કે આખા ગામની ગાયો આવી પણ જેના દૂધે દીવા બળે એવી મારી વેગડ ગાય પાછી નથી આવી વાછરા બાપ!વેગડના દર્શન પછી જ માટે અન્ન જળ લેવાના નીમ છે આટલું સાંભળતા જ ક્ષત્રિય રાજપુત ગૌબ્રાહ્મણ પ્રતિપાળ શુરવીર વચ્છરાજ દાદા વેગડ ને પાછી વાળવા નીકળે છે અને દાદા દુશ્મનો સામે લડતા લડતા દાદાનું માથું ગૌખરીબેટમાં પડ્યું અને ધડ આજના વચ્છરાજબેટમાં પડ્યું જ્યાં દાદાની સમાધિ આવેલી છે.

      વચ્છરાજ બેટમાં ચારેતરફ નજર નાખો ત્યાં માત્ર રણ અને રેતી સિવાય કશુંજ જોવા ન મળે ,ઉનાળામાં ઝાંઝવાના ભયાનક દ્રશ્યોથી ચિત્ત ભ્રમ થઈ જાય અને ચોમાસાના ચાર મહિના બહારની સૃષ્ટિથી સાવ વિખૂટો પડી જાય એવો વચ્છરાજ બેટ સૌકાથી હિન્દુ આસ્થાળુંઓ માટે શ્રદ્ધા અને ભક્તિના સ્થાનક તરીકે લોક હૈયામાં અનેરું સ્થાન અને માન ધરાવે છે.કચ્છના નાના રણમાં નાના મોટા થઈને દશ થી બાર બેટ આવેલા છે પરંતુ વચ્છરાજ બેટની વાત જ કઈક અલગ છે અહીંયા દરેક પ્રકારના વૃક્ષો ઉગે છે ખાસ કરીને પીલુડીના ઝાડ મોટા પ્રમાણમાં આવેલા છે અને ઉનાળામાં પીલુડીના વૃક્ષો લીલાછમ ઉભેલા આપણને જોવા મળે છે.વચ્છરાજ બેટમાં દર્શનાર્થે કચ્છ કાઠીયાવાડ વઢિયાર તેમજ સમગ્ર દેશ વિદેશથી લોકો આવે છે.આ નાનકડા બેટ ઉપર વચ્છરાજ દાદાની શૂરવીરતાની પ્રતીતી કરાવતું દેવળ મંદિર મોજૂદ છે.

       વચ્છરાજ બેટની મરું ભૂમિમાં મીઠા જળની અખૂટ વીરડી છે.વચ્છરાજ દાદાનું મંદિર, ગૌશાળા,તેમજ ધર્મશાળામાં અલખની ધૂણી લાખો ભાવિકજનોની શ્રદ્ધા તેમજ ભક્તિમયતાને પ્રતિવાદીત કરે છે.મંદિરના સામીપ્યમાં ઢોલીના પાળિયાની પાસે કૂતરાની પણ સમાધિ છે કહેવાય છે કે ઢોલીના પાળિયા પર કાન માંડો તો ઢોલના ધુબાકા આજે પણ સંભળાય છે અને કૂતરાના પાળિયા પાસે કૂતરાનો લસ લસ અવાજ સંભળાય છે.હડકાયા કૂતરા કરડેલા હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભર્યા વાતાવરણમાં આવી અખૂટ શ્રદ્ધાથી ચોખા ગોળ અને ઘી નું નૈવેધ ધરાવે છે.

    વચ્છરાજદાદાની જગ્યામાં અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળા છે તે શ્રીવચ્છરાજ દાદા જીવદયા ગૌશાળાસેવા ટ્રસ્ટ રજીનંએ/1203//સું.નગર તરીકે રજિસ્ટર્ડ થયેલ છે જેમાં

 છ હજાર કુલ ગાયો આવેલી છે એક થી બે વર્ષના વાછરડા પાંચસો ઉપર છે તેમજ આખલા ત્રણ હજાર છે તેમજ 200 જેટલા વાછરડા ધાવણા છે!આ ગૌશાળાનું બાંધકામ અલગ અલગ દાતાઓના સહયોગથી ચાર મોટા ગોડાઉન બનાવી આપેલ છે તેમજ પાંચ શેડ બનાવી આપેલ છે તેમજ ગાયો માટેના ઘાસચારા માટે અનેક વિશાળ ગોડાઉન બનાવેલ છે.ગૌશાળામાં એક સેવક દર વર્ષે બે લાખ ગાઠળી મોકલે છે આવા અનેક ભક્તો છે.

 આખલાની અલગ વ્યવસ્થા ઉભી કરવામા આવેલ છે!ગૌશાળાની બધી જ ગાયો કોઇપણ જાતના બંધન વગર બેટમાં ફરે છે.આ જગ્યાની સૌથી મોટી ખાસિયતએ છે કે, આ ગાયો ગોવાળ વિના ફરવા જાય છે અને સાંજે આરતી સમયે જગ્યા પર આપોઆપ પરત ફરે છે. જ્યારે આખા રણમાં ખારું પાણી મળે છે ત્યારે વાછડાદાદાની જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે.


      રણમાં સમાન્ય રીતે પીપળો, લીમડો કે નીલગીરીના ઝાડ રણમાં થાય જ નહી. પરંતુ અહીં માત્ર આ એક જ જગ્યાએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. રણમાં બધે જ ખારું પાણી છે ત્યારે આ વચ્છરાજદાદાની ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે-ગામડે ગાયોની રક્ષા કાજે જેમણે લગ્નની ચોરીએ બેઠા બાદ પણ પોતાની જાતનું બલિદાન આપ્યું હતું એ વીરપુરુષ વચ્છરાજ સોલંકીની યાદીમાં રણની મધ્યમાં આવેલી વચ્છરાજદાદાની જગ્યા સૈકાઓથી હિન્દુઓના આસ્થાળુઓ માટે શ્રધ્ધા અને ભકિતના સ્થાનક તરીકે લોકહૈયામાં અનેરૂ સ્થાન અને માન ધરાવે છે.

            વચ્છરાજ દાદાની જગ્યાએ હડકાયા કૂતરાની બાધા લોકો રાખે છે કોઇને હડકાયું કુતરું કરડ્યું હોય તો બાધા રાખી પ્રસાદ ધરાવવાથી તે વ્યક્તિને હડકવા ઉપડતો નથી.ચૈત્ર માસની એકમથી પુનમ સુધીના મેળામાં તો કુલ બે લાખથી વધુ લોકોનો માનવ મહેરામણ ઊમટી પડે છે.અહીંની ગાયો કે તેના દૂધને વેપાર અર્થે વેચી શકાતું નથી તેમજ ઘી દૂધ છાશ કે દહીં કઈ પણ વેચી શકાતું નથી રામધણ સ્વરૂપી આ ગાયોનું ધણ એ વચ્છરાજદાદાનું ધણ ગણાય છે.આ ગાયોને કોઇ માલધારી વેચી ન શકે.આશ્રમનું દૂધ જગ્યાના અતિથિઓના આદર સત્કાર માટે વપરાય છે.

આ જગ્યામા ગોબરગેસ પ્લાટનુ કામ પણ ચાલુ છે તેમજ આ જગ્યાને ગુજરાત રાજય દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ બોર્ડમા સમાવેશ કરવામા આવેલ છે અને વર્ષ 2019 માં રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચ વિશ્રામગૃહ ભોજનાલય તેમજ રહેવા માટેના રૂમો બનાવવામાં આવેલા છે!

      વચ્છરાજ બેટમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કુલ 60 જેટલાં સંડાસ બાથરૂમ બનાવેલ છે જેમાં 18 જેટલા સંડાસ બાથરૂમ સરકારી ખર્ચે અને 42 સંડાસ બાથરૂમ ટ્રસ્ટના ખર્ચે બનાવેલ છે તેમજ વચ્છરાજ બેટમાં આવેલ ભોજનાલયમાં વેલજીભાઈ સોલંકી જણાવે છે કે દરોજ પાંચસો માણસો જમે છે અને વાર તહેવારના દિવસોમાં વીસ હજાર લોકો જમે છે તો પણ ક્યારેય અવ્યવસ્થા નથી સર્જાતી એવી આયોજનબધ્ધ વ્યવસ્થા કરેલ છે સાથે સાથે સ્વચ્છતા પણ ખુબ જ સરસ જોવા મળે છે ભોજનાલયમાં દરોજ 100 જેટલા રણના અગરીયા ભોજન આરોગે છે અને સાથે સાથે અહીંયાથી પીવા માટે પાણી, લાકડાં ,ઓઢવા માટે રજાઈ ચાદર વગેરે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.આ જગ્યાએ દર્શન કરીને અભિભૂત થઈ જવાય એવી અદ્ભુત જગ્યા છે રણ દર્શન અને એકાંત જગ્યા એ જવુ હોય વચ્છરાજ બેટની અવશ્ય મુલાકાત લેવી રહી! 

વાગડથી રણ વાટે આડેસર થઈને મેડક બેટથી સીધા 62 કિલોમીટરના અંતરે વચ્છરાજ બેટ જઈ શકાય છે તેમજ પલાંસવા બાજુથી સીધા મેડકબેટ થઈને રણ વાટે 60 કિલોમીટના અંતરે  વચ્છરાજ બેટ જઈ શકાય છે.દર વર્ષે અષાઢ મહિનામાં રસ્તો બંધ થઈ જાય છે અને કારતક માસ પછી રસ્તો શરુ થતો હોય છે.

 વાગડના પલાંસવાના સેવાભાવી લોકો દ્વારા પલાંસવાથી ટેકટર દ્વારા હળ ચલાવીને હળનુ લીટુ છેક વચ્છરાજ બેટ સુધી કરવામા આવે છે વચ્છરાજ બેટ સુધી પહોચી શકાય જેથી રણમા કોઈ પણ લોકો ભુલા ના પડે અને હળના લીટાના સહારે વચ્છરાજ બેટ સુધી સરળતાથી લોકો પહોંચી જાય તે માટે પલાંસવાના અને વચ્છરાજધામ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી વેલજીભાઈ સોલંકી હર હમેશા કાર્યરત છે અને જણાવે છે દેશ વિદેશમાં અનેક વચ્છરાજ દાદાના મંદિરો આવેલા છે પરંતું મૂળ સ્થાનક વચ્છરાજ દાદાનું મંદિર વચ્છરાજબેટમાં આવેલું છે અને હાલે વચ્છરાજધામ ટ્રસ્ટમાં ચાલીશ જેટલો સ્ટાફ કાર્યરત છે જેમાં કલાર્ક, ગોવાળો,રસોયા,વગેરે અને એકદમ સુદઢ રીતે સંચાલન ચાલે છે.વચ્છરાજધામ ટ્રસ્ટની સ્થાપના 1990માં કરવામાં આવેલ હતી અને હાલે ટ્રસ્ટમાં એકવીશ ટ્રસ્ટીઓ છે જેમાંથી કચ્છના ચાર ટ્રસ્ટીઓ છે.

જય વીર વચ્છરાજ દાદા 🙏  ઝીંઝુવાડા થી 25 km ના અંતરે આવેલ સે ઝીંઝુવાડા થી વચ્છરાજ દાદા ના મંદિર શુધી સફેદ રંગના પિલર ઉભકારેલાસે જેથી યાત્રાળુઓને દાદા મંદિરે (રણ ) મા સરળ તાથી પોચી શકાય

સ્થળ પરિચય :-

✍️ મહાદેવ બારડ વાગડ

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )