માણા :- ભારતનું છેલ્લું ગામ




માણા, બદ્રીનાથ તરફનું આ સીમાંત ગામ. પરંતુ આ ગામની ઓળખ માત્ર આટલી જ નથી. એ પ્રાચીન પણ એટલું છે અને પૌરાણિક પણ. આપણા પુરાણોની રચના અહીં જ થયેલી. અહીં જ બેસી ભગવાન શ્રી ગણેશે શ્રીમદ્દ ભાગવતના શ્લોક લખ્યા. આપણી પવિત્ર નદી સરસ્વતી સ્થાવર સ્વરૂપે અહીં જ વહે છે અને મહાપ્રસ્થાન માટે નીકળેલા પાંડવો અહીંથી જ આગળ વધી સ્વર્ગરોહિણી તરફ ગયેલા. આ ગામના મારા અનુભવો આ કથાઓ સાથે અહીં વર્ણવું છુ.


બદ્રીનાથના દર્શન કરી મેં મારી પદયાત્રા પુરી કરેલી. એ બાદ મળવા આવેલા હોસ્પિટલના મિત્રોની રજા લઈ હું માણા ગામ તરફ રવાના થયેલો. એ દિવસે આ સીમાંત ગામમાં મારે રોકાવાનું મન. પીપલકોટી ના એક સ્ટાફ Era Martoliaનું ઘર ત્યાં હોવાથી એને સ્નેહ અને આગ્રહ પૂર્વક ત્યાં જવાનું કહેલું. તાઈજી અત્યારે ત્યાં રહે. મૂળ એ એના માસી. પરંતુ એ એમને ત્યાં જ મોટી થયેલી એટલે એના માટે યશોદા માં સમાન. એમનો સ્નેહ મેળવવા હું બદ્રીનાથથી માણા તરફ આગળ વધ્યો. 


માણા ગામ બદ્રીનાથથી લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર. અંધારું થવા લાગેલું અને એ બાજુ એ સમયે ગામમા જતું કોઈ વાહન પણ નહીં. એટલે એ અંતિમ ગામ સુધીની બાકીની સફર પણ મારે પગપાળા જ કરવાની હતી. એક સ્થાનિકનો સાથ મળવાથી હું થોડા સમયમાં એ ગામ સુધી પહોંચી ગયો. એ ભાઈ મને છેક મારા મુકામ સુધી મુકવા આવેલા. છેક ગામના છેવાડે વ્યાસગુફા સુધી ઉપર સુધી. રાત્રે તો ખબર ન પડી પરંતુ સવારે જોયેલું ત્યારે ખ્યાલ આવ્યો કે જો એમનો સાથ ન મળ્યો હોત તો અંધારા માં એ ગલીઓ અને પગદંડીઓ વાળા રસ્તે પહોંચતા મને કેટલી તકલીફ થઈ હોત.


હું એમના ઘરે પહોંચ્યો ત્યારે તાઈજી હજી એમના ખેતરેથી આવેલા જ. મને આવતો જોઈ એક હળવા સ્મિત સાથે મારુ સ્વાગત કરેલું. ડોક્ટર છું અને ફરવા આવેલો એવું સાંભળેલું એટલે અલગ રૂપ આપી વિશ્રામ કરવા કહેલું. પરંતુ મારે તો એમના ઘરના સભ્ય બની રહેવું હતું. મહેમાન કે પ્રવાસી બની સૂઈને જતા રહેવા હું ત્યાં નહતો ગયેલો. એટલે થોડીવારમાં નીચે આવી કવિતાના ભાઈ જોડે વાતો કરવા લાગેલો. તાઈજી એ સ્વાદિષ્ટ ભોજન બનાવી આપ્યું. એમના નાના બારણા વાળા રસોડામાં અંદર બેસીને જ અમે બધા જમ્યા. ઠંડી વધવા લાગેલી એટલે થોડી વાતો બાદ હું સુવા ગયેલો. એમની આપેલી બે જાડી રજાઈ ન હોત તો ત્યાંની ઠંડીમાં મારુ શરીર જ નહીં સાથે હાડકા પણ ધ્રુજવા લાગત. 


આગળના દિવસની સવાર કંઈક અલગ જ સુંદરતા સાથે ખીલતી લાગી. એનો હળવો સ્પર્શ લેવા હું વહેલો જ જાગેલો. સવારનો ઝાંખો પ્રકાશ ફેલાવા લાગેલો. પૂર્વની ક્ષિતિજ પરથી સૂર્યના કિરણો આવવાની હજી વાર હતી. ચારેતરફ ના પહાડો  હજી આછા આછા દેખાતા હતા. ઠંડી પણ ખાસી એવી. પરંતુ થોડીવારમાં એ ટાઢ દૂર કરતા હુંફાળા કિરણો આવવા લાગ્યા. એક પછી એક પહાડો પરની રાત્રીની ચાદર ઊંચકાવતા બધે ફેલાવા લાગ્યા. પ્રકૃતિ જાણે આળશમાંથી ઉભી થઈ ખીલવા લાગેલી. અને આ સુંદર દ્રશ્ય સાથેના સ્વચ્છ વાતાવરણ જોઈ હું પણ ખીલ્યો. કેમ કે એ ખુલ્લા આકાશ નીચે નર નારાયણ અને ઐરાવત જેવા મનોહર પહાડોની સુંદરતા મારી સામે ઉભી હતી.


એમનું ઘર વ્યાસ ગુફા પાસે જ આવેલું. વ્યાસ ગુફા કે જ્યાં ભગવાન વેદ વ્યાસે આપના બધા પુરાણ રચેલા. અત્યારે આ સ્થાન દૂરથી જોતા એક મોટી પોથી જેવું લાગે છે. જાણે એ પુરાણો જ પથ્થર બંનેની બેઠા હોઈ એવો ભાસ થઈ આવે છે. એટલે જ એ સ્થાનને વ્યાસપોથી પણ કહે છે. પુરાણોની રચના બાદ પણ વેદવ્યાસજી ના મનને સંતુષ્ટિ ન મળી. ત્યારે નારદજી એ આવી ને વ્યાસજી ને શ્રીમદ્દ ભાગવત ની રચના કરવાની પ્રેરણા આપેલી. આ સાથે જ મહાભારત જેવા મહાકાવ્યની રચના થયેલી. આ મહાન ગ્રંથના લખાણ માટે વ્યાસ મુનિએ ગણેશજી ને આમંત્રિત કરેલા. વેદવ્યાસજી ઉપરની ગુફામાં બેસી શ્લોકો ની રચના કરતા અને ગણેશજી નીચે આવેલી અન્ય એક ગુફામાં બેસી એને લખતા. વ્યાસ ગુફાથી થોડે નીચે આવેલી એ બીજી ગુફા ગણેશ ગુફા કહેવાય છે.


માણા ગામ માં દર્શનીય સ્થાનોમાં આ ગુફાઓ સિવાય અહીં વહેતી સરસ્વતી નદી છે. આપણે ગુપ્ત રીતે વહેતી સરસ્વતી નદી વિશે તો અનેક સ્થાને સાંભળેલું હશે જ. પરંતુ આ ગામમાં એ શાશ્વત સ્વરૂપે પણ વહે છે. માત્ર વહે છે એટલું જ નહીં. એક પ્રચંડ નાદ સાથે પહાડોને વીંધતી આગળ વધે છે. એના આ અવાજના લીધે મહાભારત લખતા ગણેશજીને વિઘ્ન થયેલો અને એથી એમને શ્રાપ આપેલો કે અહીંથી આગળ એ ક્યાંય પણ દ્રશ્ય સ્વરૂપે પ્રગટ નહીં થઈ શકે. એટલે જ માણા ગામ પાસે કેશવપ્રયાગ માં સરસ્વતી નદી અલકનંદા ને ભળી અહીં જ અલિપ્ત બની જાય છે.


મહાભારતના અંતિમ પર્વ મુજબ માણા ગામથી જ પાંડવો સ્વર્ગના રસ્તે આગળ વધ્યા હતા. એ સમયે સરસ્વતીના પ્રચંડ પ્રવાહને જોઈને દ્રૌપદી અસ્વસ્થ બનતા ભીમે એક વિશાળ શીલા મૂકી નદી પર એક પુલનું નિર્માણ કરેલ. આજે પણ ભીમ પુલ તરીકે ઓળખાતી એ શીલા અને એની બાજુમાં ભીમના પગના ચિહ્નો છે. અહીંથી જ કહેવાતો સ્વર્ગની સીડી નો રસ્તો એટલે કે સતોપંથ સ્વર્ગરોહિણી ટ્રેકની શરૂઆત થાય છે. વસુધારા નામનું પવિત્ર સ્થાન પણ એ જ માર્ગમાં આવેલ જેનું વર્ણન આગળની પોસ્ટમાં આપીશ. આ ભીમ પુલ પાસે એ સમયે સરસ્વતી મંદિર પુનઃનિર્માણ પામી રહ્યું હોવાથી માતાજીની મૂર્તિને બાજુમાં એક ગુફામાં રાખેલી. એ સાથે સરસ્વતી નદીના વિવિધ સ્વરૂપોના દર્શન પણ આ ભીમ પુલ પાસેથી કરી સકાય છે.


સવારે તાઈજી એ નાસ્તા સાથે ત્યાંની ઔષધિય ચા અને સત્તું આપેલા. હું વધુ આગળ જવાનો હોવાથી થોડા ફ્રૂટ જોડે બાંધી આપેલા. એમની અનુમતિ બાદ આ નાના અને સુંદર ગામ માણા ને જોતો વર્ણવેલ સ્થાનોના દર્શન કરી વસુધારા તરફ આગળ વધ્યો. રોકાણ દરમિયાન એમને ત્યાંના લોકજીવન વિશે પણ અનેક માહિતી આપેલી. 


અહીંના મકાનના બારણાઓની ઊંચાઈ નીચી રાખવામાં આવે છે. જેથી ઠંડો પવન અંદર ઓછો આવે. તાઈજી મને વારંવાર કહેતા કે માથું નમાવીને ચાલજો. છતાં પણ એક વખત માથાનો એની સાથે નાનકડો ટકરાવ થઈ જ ગયેલો. કપરા વાતાવરણના લીધે અહીંના લોકોનું જીવન પણ અનેક મુશ્કેલીઓ થી ભરેલું છે એ એમની વાતો પરથી જાણ્યું. છતાં લોકો એને સહર્ષ સ્વીકારી છ મહિના આનંદથી અહીં જ રહે છે.  શિયાળો આવતા મકાન બંધ કરી નીચે જતા રહે છે અને બદ્રીનાથના કપાટ ખુલતા ફરી ઉપર આવે છે. ખેતી અને ઊનના ગરમ કપડાના વણાટનો એમનો મુખ્ય વ્યવસાય. 500 - 700 જેટલી દિવસની મજુરી આપતા પણ કોઈ કામે ન મળતું હોવાથી ખેતી મોટાભાગે એ લોકો જાતે જ કરે છે. એ ઉપરાંત પહાડોમાં થતી ઔષધિઓ લાવવાનું પણ કામ સ્થાનિક લોકો કરે છે. શિયાળો આવતા બદ્રીનાથની જેમ આ ગામ પણ 6 મહિના બંધ રહે છે અને બર્ફ થી દટાઈ જાય છે. 


આમ એ પરિવાર સાથે રોકવા મળેલા એ એક દિવસથી મેં આ ગામ વિશે ઘણું જાણેલું. એમનો આ પ્રેમાળ અતિથિસત્કાર અહીંના લોકો સ્વભાવ વર્ણવી આપે છે. અને એમના લીધે જ મેં આ સીમાંત ગામને એક અલગ રીતે આજે આપણી સમક્ષ મૂકી શક્યો. તો કેવો લાગ્યો તમને મારો આ અનુભવ? 


સાભાર

ડો. વિજય નકુમ

#હું_અને_હિમાલય

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )