કિલેશ્વર મહાદેવ
બરડા ડુંગરમાં અનેક ફરવાલાયક સ્થળો છે તેમજ અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ ઉપલબ્ધ છે. ચોમાસામાં બરડો ડુંગર પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠે છે.
બરડા ડુંગરના કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભાણવડ તાલુકાના કપૂરડી નેશથી દસ કિ.મી.નો કિલેશ્વર જવા માટેનો રસ્તો એકદમ પથરાળ અને નાના-મોટા વોકળાઓ વચ્ચેથી પસાર થતો હોઈ, થોડો મુશ્કેલ હોવા છતાં આજે હજારો-લાખો શિવભક્તો આ મંદિરે માથું ટેકાવવા તેમજ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા આવે છે.
કિલેશ્વર મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યા પછી શ્રદ્ધાળુઓ પગપાળા પસાર થતા તેમને નીચેના ભાગમાં કિલગંગા નદી જોવા મળે છે. જેના ઉપરથી આવતા પાણી નીચે જમણી તરફ આવેલ રેવતિકુંડમાં ધોધ સ્વરૃપે પડે છે. આ કુદરતી સ્વીમીંગ પુલમાં સ્નાન કરવાનો અનેરો આનંદ છે.
આ મંદિરનો વહીવટ હાલમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી (જામ ધર્માદા ટ્રસ્ટ) સંભાળી રહ્યું છે. ઐતિહાસિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રાકૃતિક સૌંદર્ય હોય તેવા સ્થળે વસવાટ કરવાનું ઈચ્છતા હતાં, અને બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને ભગવાન કિલેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમજ લોકવાયકા મુજબ કુદરતી વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરના હસ્તે ડુંગર વચ્ચે આવેલી નદી પાસે સ્વયંભૂ શિવલીંગની સ્થાપના કરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. પાણીના સળસળાટ વહેતા ઝરણા અને પાણીના કૂંડ પ્રાકૃતિક સૌંદર્ય અને મસ્ત નદીનું વહેણ આ બધુ કિલેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં જોવા મળે છે. બરડા ડુંગર વિસ્તારમાં પથ્થરો અને સોમરસનો ખાંડણિયો પણ છે તે કૃષ્ણ અહિં આવ્યાના પુરાવા આપે છે.
મંદિરના પટાંગણમાં પ્રવેશી પગથિયા ચડ્યા પછી મંદિરનો વિશાળ ઓટલો છે જેમાં નંદી, કાંચબો તથા જમણી તરફ શ્રી ગણેશજી તથા ડાબી તરફ શ્રી હનુમાનજીની પ્રતિમા છે. તેમજ મંદિરના ગર્ભગૃહમાં શ્રી કિલેશ્વર મહાદેવના અલૌકિક શિવલીંગના દર્શન કરી શકાય છે.
કીલેશ્વર જવા માટે જામનગરથી વાયા લાલપુર થઈ પોરબંદર રસ્તે મોડપર ગઢ ગામ પહેલા કપુરડી નેસ ચેક પોસ્ટથી મંજૂરી લઈ 10 કિમિ જેટલું પર્વતીય ચઢાણ કરી પહોંચી શકો છો. અને પોરબંદરથી રાણાવાવ થઈને પણ પહોંચી શકાય છે. તેમજ ભાણવડ રેલ્વે સ્ટેશનથી 15 કિલોમીટરની મુસાફરી કરીને પણ પહોચી શકાય છે.
આ સ્થળની મુલાકાત સાથે નજીકના અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. જેની લિંક નીચે આપેલ છે.
Comments
Post a Comment