નડા બેટ
આ જગ્યાને ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય. બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે.
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. BSFનાં કેમ્પની બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે,
દેશની સરહદે આવેલા રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા હતા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે.
ઉ૫ર તમે જે ફોટો જોઇ રહયા છો તે નડાબેટ પાકિસ્તાન બોર્ડરનો જ છે. અહીં સામેના કાંઠે છે જે જમીન દેખાય છે તે પાકિસ્તાનની જમીન છે. છેક બોર્ડરની ઝીરો લાઇનને અડીને આવેલ આ સ્થળ લોકો માટે એક લ્હાવો બની ગયુ છે. નોંધનીય છેકે 100 કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ અને બીએસએફએ સીમા દર્શન પ્રોજેક્ટનો વિકાસ કર્યો છે.
24 ડિસેમ્બર 2016થી વાઘા બોર્ડરની જેમ નડા બેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે BSFની સયુંકત રિટ્રીટ પરેડની શરૂઆત કરવામાં આવી. આ સીમા દર્શનમાં તમને BSF જવાનોની બહાદુરી અને દેશદાઝ જોવા મળશે જે તમારા રુંવાટા ઉભા કરી દેશે. સૂર્યાસ્તના સમયે ડૂબતા સૂર્યની સામે ક્યારેય પણ ના ડૂબતી આપણા બહાદુર જવાનોની હિંમત જોવાનો આ લ્હાવો ગુજરાતમાં આ એક જ જગ્યા એ મળે છે.
દર શનિવાર અને રવિવારે સાંજે 5 થી 6 વચ્ચે આ સીમા દર્શન કાર્યક્રમનું આયોજન થાય છે પણ આપણે 5 વાગે પહોંચી જવું હિતાવહ છે જેથી જવાનોની પરેડને નજીકથી જોઈ શકાય. હવે આટલે દૂર ગયા હોય તો ફોટા પાડીને ફેસબૂક ને ઇન્સ્ટગ્રામમાં નાખવાના જ હોય! તો એની પણ સગવડતા છે અહીં. રણમાં સેલ્ફી લેવા માટે 3 ટાવર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં તમે મસ્ત સેલ્ફી લઈ શકશો.
અહી તમને ચારે બાજુ ખારોપાટ (રણ) જોવા મળે છે. જે એક દલદલ છે. ૫રંતુ તે જોવાનો નજારો ખૂબ જ રમણીય છે દુર દરુ સુઘી તમને કશુ જ દેખાતુ નથી. જાણે આભ ઘરતીને અડી રહયુ હોય તેવો અદભુત નજારો રહી જોવા મળે છે.
નડાબેટ ખાતેના મુખ્ય આકર્ષણો:-
- સ્મારક દર્શન
- ટૂંકી ફિલ્મ સરહદ ગાથા
- મ્યુઝિયમ આર્ટ ગેલેરી
- કિડ્સ પ્લે એરિયા
- ટોય ટ્રેન
- સોવેનિયરની દુકાન
- AV અનુભવ ઝોન
- નડાબેટ ખાતે સાહસિક પ્રવૃત્તિઓ:-
- પેંટબૉલ રોકેટ ઇજેક્ટર
- દોરડું સાહસ
- ઝિપલાઇન
- મુક્ત પતન
- પર્વતારોહણ
- રેપેલિંગ
- વિશાળ સ્વિંગ
- મેલ્ટડાઉન
- બંજી બાસ્કેટ
- રણ સફારી
આ સ્થળ સોમવારે બંધ રહે છે અને પરેડ કરવામાં આવતી નથી. સુઈગામથી નડાબેટ જતાં જ નડેશ્વરી મંદિરે જવા અલાયદો રસ્તો અને દર્શન કરી પરત 500 મીટરના અંતરે આવેલા ટી જંકશન પર પ્રત્યેક વ્યક્તિના રૂ.100 પ્રવેશ ફી લઈ અહીં મુક્ત મને ફરી શકાશે. ત્યાંથી બસમાં ઝીરો લાઈન સુધી લઈ જવાશે. જેમાં તમામ મ્યુઝિયમ અંદરથી જોઈ શકાશે. માત્ર એડવેન્ચર એક્ટિવિટી ચાર્જ અલગથી ચૂકવવો પડશે. ફી અથવા પરમિટ ચાર્જ નથી.
યાત્રાની શરૂઆતમાં નડાબેટ પહોંચી પહેલાં નડેશ્વરી મંદિરમાં દર્શન કરી ત્યાં જ જમીને પરત ટી જંકશન આવી શકે. જ્યાં 1 કલાકનો સમય લાગી જશે. ત્યાં વાહન પાર્ક કરી 3 મોટી અને એક નાની બાળકની ટિકિટ મળી કુલ રૂ.350માં 4 જણની ટિકિટ લઇ જુદી જુદી જગ્યાએ ફરી તમામ વસ્તુ જોઈ 2થી વધુ કલાક વિતાવશે. ત્યાંથી બસમાં બેસી જીરોલાઈન પહોંચી પરત આવતાં ત્રણ થી સાડા ત્રણ કલાક લાગી જશે. જે બાદ સાંજે પરેડમાં 1 કલાકનો સમય મળી 7 કલાકનો સમય વિતાવી પરત ફરશે.
100 રૂપિયામાં આ બધું જોવા મળશે
- સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન, પ્લાઝા-વિશ્રામ સ્થળ
- 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ
- ચેન્જિંગ રૂમ
- સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ
- ડેકોરેટિવ લાઇટિંગ
- સોલાર ટ્રી
- રિટેનિંગ વોલ
- બીએસએફ બેરેક
- 5000ની ક્ષમતાનુંં પરેડ ગ્રાઉન્ડ
- એક્ઝિબિશન સેન્ટર
- અજય પ્રહરી સ્મારક
- 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો
- BSF દ્વારા બીટિંગરિટ્રીટ સેરેમની
- મિગ-27 એરક્રાફ્ટનું પ્રદર્શન
- જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ
- ટી-55 ટેન્ક
- આર્ટિલરી ગન
- ટોરપીડો
- વિંગ ડ્રોપ ટેન્ક
- BSFની કાર્યપદ્ધતિ અને ફરજની વિવિધ પ્રતિકૃતિઓ
- સરહદ ગાથા મ્યુઝિયમ જેમાં યુદ્ધમાં વપરાયેલા હથિયારો, વિષમ સંજોગોમાં નિભાવાતી ફરજ
- ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી રસ્તા પર 1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ વિમાન, આર્ટિફિસરી ગન, ટોર્નેડો મિસાઈલ, યુદ્ધ ટેન્ક
- સેલ્ફી પોઇન્ટ
- ટી જંકશનથી પાકિસ્તાન બોર્ડર સુધીની ઝીરોલાઈન.
મુલાકાતીઓ ઝીરો પોઈન્ટથી 150 મીટર દૂરથી પાકિસ્તાનને જોઈ શકે છે અને BSFની સિદ્ધિઓ અને તેમની કાર્યશૈલી જાણીને હર્ષ અને ગર્વની લાગણી મેળવી શકે છે.
રાત્રિ રોકાણ માટે ત્યાં ધર્મશાળા છે, જ્યાં નજીવા ખર્ચે રોકાઈ શકાય છે અને હોટેલમાં રોકાવું હોય તો 85 કિમી દૂર થરાદ અથવા 50 કિમી દૂર ભાભર જવું પડશે.
ખાસ વાત એ છે કે અહીં એક દિવસમાં ફક્ત 600 લોકોને જ વિઝીટ કરવાની પરવાનગી છે એટલે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરાવીને પોતાનો પાસ કઢાવી લેવાનો.
Comments
Post a Comment