આભાપરા:- બરડાની સૌથી ઉંચી ટૂંક

 #આભપરો...                  

                   આભાપરાને કોઈ ઉપમા ઘટે તો સદેહે બિરાજતા શિવની. આભાપરાની બાજુની ટેકરી, શિવની વામકક્ષે બેઠેલાં પાર્વતી સમી છે; તો દક્ષિણનો વેણુ, ઋષિ-મુનિઓના પ્રતિનિધિ સમા ભૃગુ જેવો, શિવથી ય બે વેંત ઊંચો શોભી રહ્યો છે. ચરણોમાં ગંગાના પુનિત વારિભર્યા બે તળાવો અને બાજુમાં જ ફેણ ચડાવી સ્તુતિ કરતા નાગ દેવતાના ઊભા પથ્થરો. સામે જુદું તરી આવતું દંતારનું શિખર જાણે નંદી છે તો કાનમેરો અને હડિયો શિવના બે ગણો - આમ ભગવાન શિવનો અદ્ભૂત પરિવાર, કલ્પનાની આંખથી જોઈએ તો આપણી સમક્ષ ખડો થાય છે.

                 બરડાની આજુબાજુ રહેનારો માણસ આભાપરા ઉપર રાત ન રોકાયો હોય તો તેને આપણે શું કહેશું ? અરસિક અને બુદ્ધુ કહેવા કરતાં, ગીતાની પરિભાષામાં 'અયોગી' કહેવો વધુ ઉચિત છે. અને સાચી જ વાત છે ને, ઘરની ચાર દીવાલો વચ્ચે તો અયોગી જ પડ્યો રહે ને ?

                   યોગી ભાવનાશીલ છે અને ભાવનાશીલ આભાપરા ઉપર રાત ગાળ્યા વિના નહિ રહે. એમ તો સૌરાષ્ટ્રમાં ગીરનાર, ચોટીલો અને શેત્રુંજો ય હાથ ઊંચા કરી યોગી લોકોને આમંત્રી રહ્યા છે. પણ આભપરો તો અમારે ઘર આંગણાની વાત છે. હું તો પ્રવાસી જીવ, ધન્યભાગ્ય મારુ કે આ જીવતરમાં આભપરાને મનભરીને જોયો છે, સુંઘ્યો છે, સાંભળ્યો છે, સ્પર્શયો છે અને ઘટક ઘટક - ઘૂંટળે ને ઘૂંટળે પીધો છે. હું તો કેટલીયવાર ગયો છું અને હજુય એવો ને એવો આતુર છું, હું જાણું છું કે જે પીતાં ધરાય છે, તેને પીતાં જ નથી આવડતું.


(આમ તો આ સંદર્ભ પુસ્તકમાંથી લીધો છે;  પણ આભપરો/બરડો તો સાચે જ અમારે ઘર આંગણની વાત;  અને બરડો તો બાળપણથી જીવનમાં એવો વણાઈ ગયો છે કે એના ઉલ્લેખ વિના જીવનમાં કંઈક નહીં પણ નખશીખ દેખાઈ એવી અધૂરપ લાગે...)


- 'ઘુમલી સંદર્ભ' માંથી

સંકલન અને તસ્વીર : જોગલ દિલીપ

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

વડસર તળાવ વાંકાનેર

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )